વડોદરા,તા.૩૦
વહેલી સવારે દર્શન કરવા માટે જઇ રહેલી વૃધ્ધાનું કારમાં આવેલ બંટી-બબલી સરનામું બતાવવાના બહાને અપહરણ કરી ગઇ હતી. રસ્તામાં ચાકૂ બતાવી મારી નાંખવાની ધમકી આપી વૃધ્ધાએ પહેરેલા દાગીનાની લૂંટ ચલાવી હતી. અને વૃધ્ધાને રસ્તામાં રૂપિયા ૧૦૦ આપી ઉતારી ફરાર થઇ ગયા હતા.પાણીગેટ પોલીસ મથકમાંથી મળેલી માહિતી પ્રમાણે વાઘોડિયા રોડ પુનમ કોમ્પ્લેક્ષ પાસે આવેલી ચિમનલાલ પાર્કમાં ૮૦ વર્ષના શાંતાબહેન જમનાદાસ ગામેચા (દરજી) પરિવાર સાથે રહે છે. રોજની જેમ આજે વહેલી સવારે પોતાના ઘર નજીક આવેલા રામજી મંદિરમાં ચાલતા દર્શન કરવા માટે જઇ રહ્યા હતા. તે સમયે કારમાં એક યુવાન અને યુવતી તેઓની પાસે ધસી આવ્યા હતા. અને સરનામું પૂછ્યું હતું.
શાંતાબહેને સરનામું બતાવતા બંટી-બબલીએ જણાવ્યું કે, કારમાં બેસી જાવ અમને સરનામું બતાવો. પછી તમોને છોડી દઇશું. શાંતાબહેન કારમાં બેસી ગયા બાદ ચાલુ કારમાં બંટી-બબલીએ ચાકૂ બતાવી મારી નાંખવાની ધમકી આપી સોનાની બંગડીઓની લૂંટ ચલાવી હતી. વૃધ્ધાએ લૂંટારૂઓને કહ્યું કે, આ દાગીના બગસરાના છે. તેમ છતાં ટોળકીએ દાગીના લૂંટી લીધા હતા. અને વૃધ્ધાને ડી-માર્ટ નજીક રૂપિયા ૧૦૦ આપી બંટી-બબલીની જોડી ફરાર થઇ ગઇ હતી. બંટી-બબલીના લૂંટનો ભોગ બનેલા શાંતાબહેન ગામેચાએ રસ્તામાં પસાર થઇ રહેલા એક વ્યક્તિની મદદ લઇ પુત્રને જાણ કરતા તે સ્થળ પર દોડી આવ્યો હતો. અને માતાને લઇ પાણીગેટ પોલીસ મથકમાં પહોંચી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંટી-બબલી સામે અપહરણ-લૂંટનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




