વડોદરા,તા.૧૮
લોકસભાની ચૂંટણી આચારસંહિતાને લઇ પોલીસ, સ્ટેટેસ્ટિક સર્વેલન્સ સ્કવોડ અને ઇન્કમટેક્સ વિભાગની કાર્યવાહીને પગલે વડોદરા શહેરની ૩૦થી વધુ આંગડિયા પઢીના સંચાલકોએ શટર પાડી દીધા છે. બંધના કારણે રોજના અંદાજે ૧૦ કરોડથી વધુના રોકડ વ્યવહારો ઠપ થઇ ગયા છે. જેને પગલે વેપારીઓને પેમેન્ટ લેવા માટે તેમના માણસોને બીજા શહેરો સુધી રૂબરૂ દોડાવવા પડે છે. ૨૩મીએ મતદાન પૂરુ થયા બાદ આંગડિયા પેઢીઓ શરૂ થશે.
૫૦ હજારથી વધુની રોકડની હેરાફેરી માટે પુરાવા રજૂ કરવા પડે તેમજ ૧૦ લાખથી વધુ હોય તો ઇન્કમટેક્સને જાણ કરવાનો નિયમ હોવાથી ઇન્કમટેક્સ વિભાગે પણ તવાઇ બોલાવી હતી અને ગોધરા તેમજ સુરતની પેઢીમાં દરોડા પાડી રોકડ, સોનું અને હીરા સહિત ૧.૪૨ કરોડની મત્તા પકડી હતી. કેટલાક લોકોએ પેઢી ચાલુ રાખી છે, પણ ચૂંટણી સુધી કોઇપણ વ્યવહારો લેવાનો ઇનકાર કરી રહ્યા છે.
આર.સી.આંગડિયાના કિર્તી સોનીએ કહ્યું કે, આચારસંહિતાના કારણે અઠવાડિયાથી આંગડિયા પેઢીઓ બંધ રાખી છે. એચ.રમેશચંદ્ર આંગડિયા પેઢીના રમેશ પ્રજાપતિએ કહ્યું હતું કે, આંગડિયામાં રોજેરોજનું કામ હોય, જેમાં સોનું- ચાંદી અને રોકડનું કામ વધારે છે. ચૂંટણીના કારણે ચેકિંગ ચાલતું હોય છે. વળી, કોઇ બીજાનું નામ બોલી લઇને જતો રહે તો ડખા ઉભા થાય એટલે બંધ રાખી છે. ૨૪મીથી ચાલુ થશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




