બીલીયા ગ્રામ પંચાયતના નવનિર્મિત મકાનનું લોકાર્પણ
વલસાડ, તા.૨૭
પશુ ચિકિત્સા અધિકારી, પશુ દવાખાનું ઉમરગામ દ્વારા બીલીયા ખાતે યોજાયેલી તાલુકા કક્ષાની પશુપાલન શિબિરમાં વન અને આદિજાતિ મંત્રી રમણલાલ પાટકરે વિશેષ હાજરી આપી હતી. સાથે બીલીયા ગ્રામ પંચાયતના નવનિર્મિત મકાનનું પણ લોકાર્પણ કર્યું હતું. આ અવસરે બીલીયા ગામમાં થનાર વિવિધ વિકાસકાર્યોનાં ખાતમુહૂર્ત મંત્રીશ્રીએ કર્યા હતાં.
આ અવસરે તેમણે જણાવ્યું હતું કે, પશુને કોઇ પણ જાતનો રોગ થાય તો તેની સારવાર માટે પશુ ડોક્ટરની સાથે વિવિધ કેમ્પનું આયોજન કરવામાં આવે છે, ઉપરાંત પશુપાલકો માટે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અમલી છે, જેનો પશુપાલકોએ અચૂક લાભ લેવો જોઇએ. મંત્રીશ્રીએ મહિલાલક્ષી વિવિધ યોજનાઓની જાણકારી આપતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે વિધવા પેન્શનમાં વધારો કરાયો છે. આશાવર્કરોને ફિલ્ડની કામગીરી દરમિયાન દર્દીઓને શોધવા અને તેને સારવાર અપાવવાના સેવાકીય કાર્ય માટે પણ સહાય આપવામાં આવે છે. સમાજ સાથે કામ કરતી આંગણવાડીને બહેનોને ડ્રેસ કોડવાળા કપડાં આપવામાં આવે છે. ગ્રામ પંચાયતનું નવું મકાન ગ્રામજનો માટે આશીર્વાદરૂપ નીવડે તેવી શુભકામના પાઠવી સરપંચ સહિત ગ્રામ પંચાયત સભ્યોને ગામના પ્રશ્નોના નિવારણ માટે સતત સક્રિય રહેવા જણાવ્યું હતું. તેમણે વીજ કંપની દ્વારા ૧લી માર્ચે ધોડીપાડાના સાંસ્કૃતિક હોલ ખાતે યોજાનાર માફી યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ અવસરે બીલીયા સરપંચ સરસ્વતીબેન, પશુપાલન અધિકારી, ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



