વલસાડ જિલ્લા કક્ષાનું ‘અભયમ્’ મહિલા સંમેલન મોંઘાભાઇ હોલ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઇ પરમારની અધ્યક્ષતામાં યોજાયું હતું. આ અવસરે તા.૧લી સપ્ટેમ્બરથી એક માસ માટે યોજાનાર ‘રાષ્ટ્રીય પોષણ માહ’નો શુભારંભ પણ મંત્રીશ્રીએ કરાવ્યો હતો.
મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉપક્રમે મહિલા સુરક્ષાના સંકલ્પ સાથે યોજાયેલા આ સંમેલનને સંબોધતાં મંત્રી ઇશ્વરભાઇ પરમારે જણાવ્યું હતું કે, સમાજ કે સંસ્કૃતિના સર્વાંગી વિકાસના પાયામાં પ્રત્યેક મહિલાઓનું પ્રદાન નોંધનીય છે. મહિલાઓની કામગીરીનું મૂલ્ય આંકવું મુશ્કેલ છે. તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી ૨૦૦૭ના વર્ષમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની અલગ રચના કરવામાં આવી હતી. રાજ્ય સરકાર સતત આપણી મહિલાઓની સતત ચિંતા કરે છે અને આ નિઃશુલ્ક હેલ્પલાઇનનો મહત્તમ મહિલાઓ ઉપયોગ કરે તેવી સરકારને પ્રતિબધ્ધતા છે ત્યારે ૧૮૧-અભયમ એપ ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. આધુનિક ટેકનોલોજીનો આ નવતર પ્રયોગ એ ગુડ ગવર્નન્સ અને મહિલાઓ પ્રત્યેની સંવેદનશીલતાની પ્રતિબધ્ધતા છે.
મહિલાઓની સુરક્ષાના ભાગરૂપે અભયમ મહિલા સંમેલનો યોજવામાં આવી રહયાં છે. મહિલાઓની સહભાગીદારીતા વધે તે હેતુસર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મહિલાઓ માટે પ૦ ટકા અનામત સહિત અનેક ક્ષેત્રોમાં મહિલાઓ માટે અનામત રાખવામાં આવે છે ત્યારે મહિલાઓ તેમાં આગળ આવે તે જરૂરી છે. મહિલા સશક્તિકરણના ભાગરૂપે મહિલા સશક્તિકરણ પખવાડિયું ઉજવાય છે. ગુજરાતમાં મહિલાઓ સંબંધિત ગુનાઓની સંખ્યા નહિવત છે. ૧૮૧ મહિલા અભયમ એપ થકી અનેક મહિલાઓને માર્ગદર્શન અને પોલીસની મદદ મળી છે. મંત્રીશ્રીએ રાજ્ય સરકાર દ્વારા અમલી મહિલાલક્ષી વિવિધ યોજનાઓની જાણકારી આપી તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
મંત્રીશ્રીએ સરિતા ગાયકવાડે એશિયન રમતોત્સવમાં સુવર્ણપદક મેળવ્યો છે તેને અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રીએ રૂા. એક કરોડ રુપિયાનો પુરસ્કાર પણ જાહેર કર્યો છે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. ખેલ મહાકુંભના આયોજન થકી ગુજરાતના અનેક રમતવીરોએ પોતાની શક્તિ પ્રદર્શિત કરવાનો અવસર પ્રાપ્ત થયો છે.
વલસાડ કલેક્ટર સી.આર.ખરસાણે મહિલાઓને જણાવ્યું હતું કે, જે દેશમાં મહિલાઓ સમજદાર હોય તે દેશ હંમેશા અગ્રેસર રહે છે. રાજ્ય સરકારની નારીશક્તિ પ્રત્યેની સંવેદનશીલતાને લઇ ૧૮૧ મહિલા હેલ્પલાઇન શરૂ કરી છે, જેનો સર્વે મહિલાઓને લાભ લેવા જણાવ્યું હતું. તેમણે બહેનોને જાગૃત બની અત્યાચાર સહન ન કરતાં તેનો સામનો કરવા પણ જણાવ્યું હતું.સંમેલનમાં ઉપસ્થિત મહિલાઓ પાસે કુપોષણ દૂર કરવા માટેનો સંકલ્પ લેવડાવ્યો હતો.પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ મીનાબેન ચૌધરીએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, મહિલાઓને મુશ્કેલીઓને ધ્યાને લઇ તે મુશ્કેલીઓનું નિવારણ થાય તે મુજબની યોજનાઓ અમલમાં લાવે છે, જેનું શ્રેષ્ઠ ઉદાહરણ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન છે.
જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી શૈલેષભાઇ કણજરીયાએ ૧૮૧ અભયમ હેલ્પલાઇન, પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર, નારી અદાલત તથા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળની કામગીરીનો પરિચય આપ્યો હતો. તા.૧લી સપ્ટેબરથી પોષણ માસની શરૂઆત થનાર છે, જેમાં સગર્ભા મહિલા, નાના બાળકો તેમજ અન્ય મહિલાઓએ લેવાની થતી કાળજી અંગે તેમજ કૃપોષણ દૂર કરવા માટેની જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે, જેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
૧૮૧ અભયમ હેલ્પલાઇન ટીમની કંચનબેન પટેલે મહિલા સુરક્ષા ટીમ, ગાયત્રીબેન પટેલે ૧૮૧ – અભયમ્ મોબાઇલ એપ તેમજ તેની કામગીરીની વિસ્તૃત જાણકારી આપી સંકટ સમયે તેનો અવશ્ય લાભ લેવા તેમજ અન્ય લોકો પણ તેનો લાભ લે તે માટે જાગૃત કરવા અનુરોધ કર્યો હતો.૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનનો લાભ મેળવનાર મહિલાઓએ તેનો પ્રતિભાવ રજૂ કરી રાજ્ય સરકારની આ મહિલાલક્ષી યોજના અંગે આભારની લાગણી વ્યક્ત કરી હેલ્પલાઇનની પ્રવૃત્તિને બિરદાવી હતી.
આ અવસરે પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર, ૧૮૧ અભયમ હેલ્પલાઇનના કાઉન્સેલર, મહિલા કોન્સ્ટેબલ તેમજ નારી અદાલતના કો-ઓર્ડિનેટર વગેરેનું તેમના ક્ષેત્રોમાં ઉત્કૃષ્ઠ કામગીરી બદલ પ્રસંશાપત્ર આપી સન્માનિત કરાયા હતા. સ્વાગત પ્રવચન પ્રોગ્રામ ઓફિસરે કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આઇ.પી.ગાંધી હાઇસ્કૂલની શિક્ષિકા ઉન્નતિબેન દેસાઇએ કર્યું હતું. આભારવિધિ દહેજ પ્રતિબંધક અધિકારી શૈલેષભાઇએ કરી હતી.
આ અવસરે ધારાસભ્યો સર્વે કનુભાઇ દેસાઇ, ભરતભાઇ પટેલ, મહિલા અને બાળ વિકાસ સમિતિના અધ્યક્ષા ભાનુબેન પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વંદનાબેન ટંડેલ, જિલ્લા વિકાસ અધિકારી આર.જી.ગોહિલ, મહિલા મોરચાના પ્રતિનિધિઓ સહિત મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહી હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



