ધોડીપાડામાં યોજાયેલા સમૂહલગ્નમાં ૫૩ યુગલોએ પ્રભુતામાં ડગ માંડ્યા

0
9

સાંસ્કૃતિક વિકાસ મંડળના ઉપક્રમે રંગેચંગે સમૂહલગ્ન ઉત્સવ યોજાયો
વલસાડ, તા.૨૯
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ધોડીપાડા ખાતે સાંસ્કૃતિક વિકાસ મંડળ દ્વારા યોજાયેલા ચતુર્થ સમૂહ લગ્નોત્સવમાં પ૩ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં. આ લગ્નોત્સવમાં ગ્રહશાંતકથી શરૂઆત કરી તમામ વરરાજાઓનો વાજતો-ગાજતે વરઘોડો કાઢી મંડપમાં લાવવામાં આવ્યા હતા. સમગ્ર વરઘોડામાં ડ્રોનથી ફૂલોનો વરસાદ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
વન અને આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે નવદંપતિઓને સુખી લગ્ન જીવનનાં આશીર્વચન આપતાં જણાવ્યું હતું કે, સમૂહલગ્નમાં જાડાવાથી લગ્નમાં થતા ખોટા ખર્ચાઓથી બચી શકાય છે. સમૂહલગ્નના સહયોગીઓ સૌ અભિનંદને પાત્ર છે, તેમ જણાવી વધુમાં વધુ લોકો સમૂહલગ્નમાં જોડાય તેવી આશા વ્યક્ત કરી હતી.
સાંસદ ડૉ.કે.સી.પટેલે સમૂહલગ્નમાં ભાગ લેનારા નવદંપતિઓને આશીર્વચન પાઠવી નાણાંનો વ્યય રોકવા સૌને સમૂહલગ્નમાં જોડાવા અનુરોધ કર્યો હતો.
વલસાડ કલેક્ટર સી.આર.ખરસાણે નવદંપપિઓનું લગ્ન જીવન આનંદમય અને સુખમય રહે તેવા શુભાશિષ પાઠવતાં જણાવ્યું હતું કે, આજનો આ પવિત્ર દિવસ છે, આજે નવદંપતિઓ લગ્નજીવનની મંગલમય શરૂઆત કરશે. હસ્તમેળાપ પછી મનમેળાપ ખૂબ જ અગત્યનો છે. નવવધુને તેમનું નવું ઘર એ મારું જ ઘર છે એમ સમજી રહેવા, અને તેમની રહેણીકરણીને એડજસ્ટ કરી પોતાની ફરજ અદા કરવા જણાવ્યું હતું.
ખેરગામના કથાકાર પ્રફુલભાઇ શુકલએ સમૂહલગ્નના આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા. આજે પ્રભુતામાં પગલાં પાડનાર તમામ નવદંપતિઓને જોડાં અખંડ રહે તેવા આશીર્વચન પાઠવી તેમણે જણાવ્યું હતું કે, હિન્દુસ્તાનની સંસ્કૃતિ સમગ્ર વિશ્વમાં શિરમોર છે, કારણ કે તેમાં સંસ્કાર, સૌજન્યતા સમાયેલા છે. નસીબદાર છો કે તમારા લગ્નમાં અનેક સંતો-મહંતો, અગ્રણીઓના આશીર્વાદ પ્રાપ્ત થયા છે.
વાપીના કપિલ સ્વામીજીએ જણાવ્યું હતું કે, આજનો પ્રસંગ આપણા સૌના માટે ગૌરવનો પ્રસંગ છે. સામાજિક કાર્યોની સરવાણી એક-પછી એક શ્રેણી વલસાડ જિલ્લામાં વહી રહી છે. સમૂહલગ્ન આજની આવશ્યકતા છે, અને સાચું ધર્મકાર્ય એ કન્યાદાન છે, ત્યારે સમૂહલગ્નમાં એકી સાથે અનેક કન્યાઓને કન્યાદાન કરવાનો લાભ લેવો જ જાઇએ. ધર્મ સૌને જાડવાનું કામ કરે છે. અહીં ધર્મ અને રાષ્ટ્રના વિકાસ માટે સૌનો સહયોગ મળી રહયો છે, જે અભિનંદનીય છે. જીવનમાં સુખી થવું હોય તો કોઇપણ પ્રકારનું વ્યસન ન રાખવા જણાવ્યું હતું.
આ અવસરે સૂરતની આગ હોનારતમાં મૃત્યુ પામેલાઓ માટે બે મીનીટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.
સમૂહલગ્નમાં ભાગ લેનારા નવદંપતિઅોને કન્યાદાન આપવા માટે રાજુભાઇ હાલાણી, મુરલી એન. વર્મા, બાબુલાલ વર્મા, પંકજભાઇ બોરલાઇવાલા, પ્રફુલભાઇ પાંચાલ, દિલીપભાઇ એચ.ભંડારી, કિશોરભાઇ આહિર, મેકલોઇડ ફાર્મા-સરીગામના લલિતભાઇ પાત્રુ, મધુરા ટેક્ષ્ટાઇલ સરીગામના બિપીનભાઇ કાલરા, રાજસ્થાન મિત્ર મંડળ તેમજ સાંસ્કૃતિક વિકાસ મંડળ-ધોડીપાડાનો સહયોગ પ્રાપ્ત થયો હતો. વનમંત્રી રમણલાલ પાટકરે સમૂહલગ્નમાં આપવામાં આવેલા કન્યાદાનના સહયોગીઓ તેમજ અન્નદાતાઓનો આભાર માન્યો હતો. દાતાઓનું સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ મણિલાલ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ મણિલાલ પટેલ, ધારાસભ્યો સર્વે કનુભાઇ દેસાઇ, ભરતભાઇ પટેલ, અરવિંદભાઇ પટેલ, જિલ્લા કલેક્ટર સી.આર.ખરસાણ, જિલ્લા વિકાસ અધિકારી ડી.પી.દેસાઇ, ઉમરગામ તાલુકા પંચાયત પ્રમુખ જયાબેન પટેલ, કિરણબેન પટેલ, મુકેશભાઇ પટેલ, અક્ષયભાઇ, હિતેશભાઇ સુરતી, મહેશભાઇ ભટ્ટ, સહિત સાધુ-સંતો, વિવિધ ઔદ્યોગિક એકમોના ઉદ્યોગપતિઓ, અગ્રણીઓ, ગ્રામજનો વર-કન્યાના સગાં-સંબંધીઓ ઉપસ્થિત રહયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY