વરાછામાં ભાજપના કોર્પોરેટરે પોતાનું મકાન તોડવા નહીં દઈ અધિકારીઓને ધમકાવ્યા

0
110

સુરત:
મનપા દ્વારા પાર્કિંગની જગ્યા, લાઈનદોરીના અમલની સાથે ગેરકાયદે બાંધકામો તોડવામાં આવ્યા હતા પણ ડાહ્યાપાર્ક સોસા. ના મેઈન રોડ પર જ ભાજપના કોર્પોરેટર ભરત મોનાનું ઘર પણ કપાતમાં આવતું હોવાથી મનપાની ટીમ તેનું પણ ડિમોલિશન કરવા માટે ગઈ હતી પણ ભરત મોના દ્વારા માથાકૂટ કરી ટીમને ભગાડી દેવાઈ હતી. વિસ્તૃત વિગતો મુજબ મનપાના વરાછાઝોન દ્વારા મોટા વરાછા સનરાઈઝ ચેમ્બર્સનાં બેઝમેન્ટ ફ્લોર ઉપર પાર્કિંગના હેતુ માટે ૩૦૦ ચો.ફુટ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ કરાયું હતું જે ખુલ્લું કરી વહીવટી ચાર્જ પેટે રૂ. ૧૦ હજાર વસુલવામાં આવ્યા હતા. જ્યારે લંબેહનુમાન રોડ પર એફીલ ટાવરમાં આવેલા વરાછા કો.ઓપ.બેંક લિ.નું એટીએમ રૂમ તથા પાર્કિંગમાં બનાવવામાં આવેલ સ્ટોર રૂમ દૂર કરાયા હતાં. કરંજ વિસ્તારમાં ગિરધર પેલેસનાં માર્જીમાં, વરાછા મેઈનરોડ પર ગીતાંજલી પેટ્રોલ પંપની પાછળ સવાણી એસ્ટેટ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગ કવર કરી બનાવેલ વિડીયો થિયેટર દૂર કરાયું હતું. પુણા-સીમાડા વિસ્તારમાં સહજાનંદ હાઈટ્સ કોમ્પ્લેક્ષમાં માર્જીનમાં કરાયેલ દબાણ દૂર કરી પાર્કિંગ ખુલ્લું કરાયું હતું. મોટા વરાછા લજામણી ચોકથી અબ્રામા પોલીસ ચોકી તરફ જતાં ૪૫ મીટરના રસ્તાની બંને તરફ માર્જીનમાં બનાવેલ ઓટલા, ગ્રાઉન્ડ લેવલે કરવામાં આવ્યા હતા. અહીં વીસ જેટલા પતરાના શેડ દૂર કરી આશરે ૬૯૭ ચો.મી. વિસ્તારમાં પાર્કિંગ એપ્રોચ બનાવવા માટે ડિમોલિશન કરવામાં આવ્યું હતું. મોટા વરાછા રઘુવીર શોપર્સ સામે આવેલ વિસ્તારમાં પણ ઓટલા અને માર્જીનની જગ્યામાં કરાયેલ દબાણ દૂર કરી ૭૪૪ ચો.મી. પાર્કિંગની જગ્યા ખુલ્લા કરવામાં આવી હતી. કરંજ વિસ્તારમાં ડાહ્યા પાર્ક સોસાયટીમાંથી પસાર થતો ટીપી રોડ માર્જીનમાં બનાવેલ ઓટલા, દાદર તથા પતરાના શેડ દૂર કરી ૧૪૦ ચો.મી. પાર્કિંગ ખુલ્લું કરવામાં આવ્યું હતું, જોકે, ડાહ્યા પાર્કમાં જ મનપાના અધિકારીઓ કોર્પોરેટર ભરત મોનાના મકાનને પણ તોડવા માટે જતા ભરત મોના દ્વારા ભારે માથાકૂટ કરવામાં આવી હતી અને અને અધિકારીઓને ધમકાવવામાં પણ આવ્યા હતા. ભરત મોના દ્વારા પોતાનું મકાન લાઈનદોરીમાં આવતું નહીં હોવાનો દાવો કરીને તોડવા દેવાયું નહોતું. જેથી અધિકારીઓ પરત આવી ગયા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY