વારાણસી,તા.૩૦
લોકસભાની ચૂંટણી ૨૦૧૯માં બેગૂસરાય બાદ હવે વારાણસીએ ફરી એક વાર મીડિયામાં પોતાનું સ્થાન બનાવ્યું છે. વારાણસીથી વડાપ્રધાન મોદી વિરુદ્ધ સપા-બસપા ગઠબંધન તરફથી બીએસએફમાંથી હાંકી કઢાયેલા જવાન તેજ બહાદુર યાદવ ચૂંટણીનાં મેદાનમાં ઉતર્યા છે. સમાજવાદી પાર્ટીની ટિકિટ પર વડાપ્રધાન મોદી વિરુદ્ધ ચૂંટણી લડી રહેલા બીએસએફનાં પૂર્વ જવાન તેજબહાદુર યાદવે પોતાના વિજયની દાવેદારી રજૂ કરી છે.
સપાની જાહેરાત બાદ પહેલી વખત પ્રતિક્રિયા આપતા તેજબહાદુરે કહ્યુ કે ‘હવે દેશની પ્રજાને સમજાશે કે દેશનો અસલી ચોકીદાર કોણ છે. અમારા મહત્વનાં મુદ્દા યુવાનો, ખેડૂતો અને રોજગાર છે. લોકોએ દેશનાં ખરા ચોકીદારને ઓળખવો જોઈએ. મને વિશ્વાસ છે કે હું જ વિજયી બનીશ.’
તેજબહાદુર યાદવે બીએસએફમાં રહીને કેમ્પમાં જવાનોને ખરાબ જમવાનું આપવાની ફરિયાદ કરી ત્યાર બાદ તેમના પર કાયદાકીય પગલા લેવાયા હતા અને તેમને કેમ્પમાંથી હાંકી કઢાયા હતા. સમાજવાદી પાર્ટીએ તાજેતરમાં જ શાલિની યાદવને વારાણસીમાંથી ઉમેદવાર બનાવ્યા હતા. પરંતુ પાર્ટીએ ઓચિંતા જ શાલિની યાદવની ટિકિટ કાપીને તેજબહાદુર યાદવને ઉમેદવાર બનાવી દીધા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





