વોશિંગ્ટન,તા.૨૭
પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર વાયુસેનાની એર સ્ટ્રાઇકને અમેરિકાનો પણ ટેકો મળ્યો છે. અમેરિકાએ પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે તે આતંકવાદી ઠેકાણાઓ પર મોટી કાર્યવાહી કરે.
અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ કહ્યું છે કે પાકિસ્તાને તેની જમીન પર ફૂલીફાલી રહેલા આતંકવાદીઓ વિરુદ્ધ તુરંત કાર્યવાહી કરવી જોઇએ. અમેરિકી વિદેશ ખાતા તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત તરફથી લેવામાં આવેલા પગલા બાદ વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓ સાથે વાત કરી અને બંનેને અપીલ કરી છે કે શાંતિ જાળવી રાખે.
અમેરિકાના વિદેશ ખાતાએ કહ્યું કે પાકિસ્તાને તેની જમીન પર ચાલી રહેલા આતંકવાદી કેમ્પોને તુરંત ખતમ કરવા જોઇએ. અમેરિકાએ અપીલ કરી છે કે બંને દેશો કોઇ પણ પ્રકારની સૈન્ય કાર્યવાહી ન કરે અને શાંતિ જાળવે.
આની પહેલાં પણ કેટલીય વખત અમેરિકા પાકિસ્તાનને ચેતવણી આપી ચૂકયું છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પાકિસ્તાનને આપવામાં આવેલી મદદ પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. પરંતુ પાકિસ્તાન સુધરવાનું નામ જ લઇ રહ્યું નથી.
ભારત દ્વારા કરાયેલા એરસ્ટ્રાઇકને દુનિયાના કેટલાંય દેશોનો સાથ મળ્યો છે. અમેરિકાની પહેલાં ફ્રાન્સ પણ ભારતની સાથે ઉભું છે. મંગળવારના રોજ ફ્રાન્સે કહ્યું હતું કે આતંકવાદ વિરૂદ્ધની લડાઇમાં ફ્રાન્સ ભારતની સાથે ઉભું છે, આતંકવાદીઓ પર કાર્યવાહી થવી જાઇએ અને તેમનો સહયોગ કરનારાઓના મૂળ કાપી દેવા જોઇએ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



