સરકારી લેણાની વસૂલાત ઝડપી કરવા અધિક મેજીસ્ટ્રેટની સૂચના
વ્યારા, તા.૨૧
તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે આવેલી કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં જિલ્લા કલેકટર એન.કે.ડામોરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જિલ્લા સંકલન સમિતિની ભાગ-૧ની બેઠકમાં નિઝરના ધારાસભ્ય સુનિલભાઇ ગામીત દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો બાબતે સંબંધિત વિભાગો સાથે વિગતે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર એન.કે ડામોરે સંબંધિત વિભાગના અધિકારીઓને ધારાસભ્યને માંગ્યા મુજબની માહિતી સત્વરે આપવા સૂચના આપી હતી.
ભાગ-૨ની બેઠકમાં મુદ્દાઓની વિગતે ચર્ચા કરતા જિલ્લા કલેકટર ડામોરે નિવૃત થયેલા કર્મચારીઓના પડતર પેન્શન કેસોનો સત્વરે નિકાલ કરવા માટે તાકીદ કરી સરકારી લેણાની વસુલાતમાં ઝડપ કરવા માટે અધિકારીઓને સૂચના આપી હતી. આ ઉપરાંત નાગરિક અધિકારપત્ર અન્વયે મળેલી અરજીઓ, બાકી કાગળોના નિકાલ, બાકી એ.જી.ઓડિટ પેરાઓના નિકાલ, ખાતાકીય તપાસના બાકી કેસોના નિકાલ સહિતના મુદ્દે વિગતે સમીક્ષા કરી ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
બેઠકનું સંચાલન અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયાએ કર્યું હતું. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગજરાબેન ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી જે.બી.પટેલ, પ્રાયોજના વહીવટદાર વિજયભાઇ પટેલ, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.જે.નિનામા, વ્યારા પ્રાંત તુષારભાઇ જાની, નિઝર પ્રાંત પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.એમ. પટેલ, નાયબ પોલીસ અધિક્ષક માવાણી, કાર્યપાલક ઇજનેરો, જિલ્લાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




