દિવ્યાંગ મતદારો માટે નોડલ અધિકારીની નિમણૂંક કરાઈ છે
વ્યારાઃ તા. ૨૦
આગામી તા. ૨૩મી, એપ્રીલના રોજ યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન ૨૩-બારડોલી સંસદીય મતવિસ્તારની ચૂંટણીમાં બારડોલી સંસદીય મતવિસ્તારના ૨૬૦૬ દિવ્યાંગ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.
બારડોલી સંસદીય મતવિસ્તારના રિટર્નગ ઓફિસર આર.એસ.નિનામા તરફથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આગામી તા. ૨૩મી, એપ્રિલના રોજ યોજાનારી ૨૩-બારડોલી સંસદીય મતવિસ્તારની ચૂંટણી દરમિયાન કોઇ પણ મતદાર મતદાનથી વંચિત ન રહી જાય એની તકેદારી રાખવામાં આવી રહી છે. દિવ્યાંગ મતદારો પણ તેમના મતાધિકારનો ઉપયોગ કરે એ માટે તંત્ર દ્વારા તનતોડ મહેનત કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગ મતદારોની અલગથી ઓળખ કરી તેઓ પણ લોકશાહીના સૌથી મોટા પર્વમાં સામેલ થાય એ રીતની તજવીજ કરવામાં આવી છે.
૨૩-બારડોલી સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ઠ માંગરોળ વિધાનસભા મતવિસ્તારમાં ૩૩૧, માંડવી વિધાનસભા મતવિસ્તારમાં ૨૧૮, કામરેજ વિધાનસભા મતવિસ્તારમાં ૨૮૯, બારડોલી વિધાનસભા મતવિસ્તારમાં ૨૭૪, મહુવા વિધાનસભા મતવિસ્તારમાં ૪૪૯, વ્યારા વિધાનસભા મતવિસ્તારમાં ૩૯૬ અને નિઝર વિધાનસભા મતવિસ્તારમાં ૬૪૯ દિવ્યાંગ મતદારો મળી કુલ ૨૬૦૬ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.
આ દિવ્યાંગ મતદારોને માટે દરેક વિધાનસભા મતવિસ્તાર દીઠ એક નાડલ અધિકારીની પણ નિમણુંક કરવામાં આવી હોવાનું બારડોલી સંસદીય મતવિસ્તારના ચૂંટણી અધિકારી તરફથી જણાવાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




