લોકશાહીના મહા પર્વની ઉજવણી કરવા આર.એસ. નિનામાનો અનુરોધ
વ્યારા, તા.૮
આગામી તા. ૨૩મી, એપ્રિલના રોજ યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને ૨૩-બારડોલી લોકસભા બેઠક પર વધુમાં વધુ મતદાન થાય, ખાસ કરીને યુવા મતદારો મતદાનનું મુલ્ય સમજી અન્ય લોકોને પણ મતદાન કરવા પ્રેરિત કરે તે હેતુથી મતદારોને ઇ.વી.એમ અને વીવીપેટથી કેવી રીતે મતદાન કરવું એ અંગ જાગૃતિ લાવવા ચૂંટણી અધિકારી અને તાપી કલેકટર આર.એસ.નિનામાના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ઠેર ઠેર લોકજાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે.
સ્વીપના નાડલ અને જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ. પટેલ તરફથી મળતી વિગતો અનુસાર તાપી જિલ્લામાં આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન વધુમાં વધુ મતદાન થાય એ માટે સમગ્ર તાપી જિલ્લાના વિસ્તારમાં જનજાગૃતિ માટે સતત અને સઘન કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. તાપી જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો, અગ્રણી, સામાજીક આગેવાનો, સ્વેચ્છિક સંગઠનોના સહયોગથી જિલ્લામાં મતદાર જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમોની શ્રૃંખલા ચાલી રહી છે.
જિલ્લાની તમામ શાળા કોલેજોના વિદ્યાર્થીઓ પણ આ જનજાગૃતિ કાર્યક્રમોમાં હોંશભેર જોડાયને વિવિધ સ્લોગનો સાથેના પ્લેકાર્ડ, શેરી નાટકો, ભીંતપત્રો, પેમ્ફલેટના માધ્યમથી મતાધિકારના ઉપયોગ માટે જિલ્લાના નાગરિકોને આહ્વાન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જિલ્લાની શાળા/કોલેજોમાં મતદાન જાગૃતિ અંગે પ્રતિજ્ઞાપત્રોનું વાંચન, ઇ.વી.એમ અને વીવીપેટનું લાઈવ ડેમોસ્ટ્રેશન, પ્લેકાર્ડ, સાથેની રેલી, મીટીંગ નિબંધ વકતૃત્વ ચિત્ર સ્પર્ધાઓ સહિત ઠેરે ઠેર વ્યાપક પ્રમાણમાં લોકજાગૃતિ અભિયાન પૂરજોશમાં ચલાવવામાં આવી રહ્યા છે. આગામી લોકસભાની ચૂંટણી દરમિયાન મતદાતાઓમાં ઇ.વી.એમ અને વીવીપેટ અંગે જાગૃતિ આવે અને ઇ.વી.એમ અને વીવીપેટ દ્વારા કઇ રીતે મતદાન કરાય એ અંગે ખાસ જનજાગૃતિ કાર્યક્રમ જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યા છે. તાપી જીલ્લાના સમગ્ર વિસ્તારમાં ઇ.વી.એમ અને વીવીપેટ નિદર્શનના કાર્યક્રમો તથા ઇ.વી.એમ અને વીવીપેટ રથના માધ્યમથી પણ જનજાગૃતિ લાવવાના સઘન પ્રયાસો કરવામાં આવી રહયા છે.
યુવા મતદારો ઇ.વી.એમ અને વીવીપેટ દ્વારા કરવામાં આવતી મતદાન પ્રક્રિયાથી વાકેફ થાય એ માટે વહીવટી તંત્રે હાથ ધરાયેલ પ્રયાસોના ભાગરૂપે યુવા મતદારો પણ લોકશાહીને વધુ મજબૂત બનાવવા ઉત્સાહભેર આ કાર્યક્રમોમાં જોડાઈ રહ્યા છે. જિલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટર આર.એસ. નિનામાએ પણ તા.૨૩ નારોજ વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના આ મહા પર્વની ઉજવણી કરવા આમજનતાને ભારપૂર્વક અપીલ કરી છે. સ્વીપ અભિયાનની ફલશ્રુતિરૂપે ઉભયપક્ષે યુવાનો અને લોકો પણ લોકશાહીને મજ્બૂત બનાવવા સામુહિક સંકલ્પ લઈ રહયા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




