૩૫ મતદાન કેન્દ્રોનું સંચાલન માત્ર મહિલા કર્મચારીઓ કરશે
વ્યારા, તા.૨૨
લોકસભા સામાન્ય ચૂંટણીની ૨૩-બારડોલી (અ.જ.જા) સંસદીય બેઠકની ચૂંટણીનો આખરી ઓપ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આપવામાં આવી રહ્યો છે. ૨૩-બારડોલી સંસદીય બેઠકના ચૂંટણી અધિકારી આર.એસ નિનામાના સીધી રાહબરી હેઠળ યોજાનારી ચૂંટણીમાં ૨૨૦૨ મતદાન મથકો પર ૧૮,૨૬,૧૮૯ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. ૨૩-બારડોલી સંસદીય બેઠકમાં સમાવિષ્ઠ સાત વિધાનસભા મતવિભાગમાં ૩૫ મહિલા સંચાલિત મતદાન મથકો અને ૭ દિવ્યાંગ અધિકારી/કર્મચારી સંચાલિત મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.
૨૩-બારડોલી સંસદીય મતવિભાગમાં સમાવિષ્ઠ સાત વિધાનસભા મતદાર વિભાગના કુલ ૨૨૦૨ મતદાન મથકો પરથી ૯,૩૪,૫૩૮ પુરૂષ, ૮,૯૧,૬૩૧ મહિલ અને ૨૦ અન્ય મતદારો મળી કુલ ૧૮,૨૬,૧૮૯ મતદારો મતાધિકારનો ઉપયોગ કરી ૧૨ ઉમેદવારના ભાવિને ઇ.વી.એમમાં કેદ કરશે.
ગત તા. ૧૦મી, માર્ચના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ ચૂંટણીતંત્ર દ્વારા ચૂંટણીને લગતી તૈયારીઓ આરંભી દીધી હતી. જેને હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ચૂંટણી ન્યાયી, નિષ્પક્ષ અને મુકત વાતાવરણમાં યોજાય ચૂંટણી મતદાન પ્રક્રિયામાં કોઇ ક્ષતિ ન રહી જાય તે માટે મતદાન સ્ટાફને સંપૂર્ણપણે તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે. ઇ.વી.એમ અને વીવીપેટના રેન્ડમાઇઝેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. તાપી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી જે.બી.પટેલને નોડલ ઓફિસર એક્ષપેન્ડીચર મોનીટરિંગ અને આદર્શ આચારસંહિતા અમલીકરણના નોડલ અધિકારી તરીકે પ્રાયોજના વહીવટદાર વિજયભાઇ પટેલની નિમણુંક કરવામાં આવી છે. તાપી જિલ્લાના તમામ તાલુકાઓ તેમજ બે નગરપાલિકામાં ટીમોની નિમણુંક કરી અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.
આ લોકસભા બેઠકમાં સમાવિષ્ઠ તમામ વિધાનસભા મતવિભાગમાં ૨૨ ફલાઇંગ સ્કવોર્ડ કાર્યરત છે. ૨૩-બારડોલી સંસદીય બેઠકના ૩૮ મતદાન મથકો શેડો એરિયામાં આવેલા છે જયાં મતદાનના દિવસે વન વિભાગ અને પોલીસ વિભાગના વાયરલેસનો ઉપયોગ કરવામાં આવશે. આદર્શ આચારસંહિતા અમલીકરણ અને ઉમેદવારોના ખર્ચ પર નિયંત્રણ માટે જિલ્લા સેવાસદન, તાપી ખાતે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવેલ છે. જિલ્લા કક્ષાનો હેલ્પલાઇન નંબરઃ ૧૯૫૦ પણ કાર્યરત છે.
૨૨૦૨ મતદાન મથકો પર યોજાનારી ૨૩-બારડોલી સંસદીય બેઠકની ચૂંટણી માટે ૨૪૨૪ પ્રિસાઇડીંગ ઓફિસર, ૨૪૨૪ પ્રથમ પોલીંગ, ૪૮૪૮ પોલીંગ અને ૨૪૨૪ વર્ગ-૪ના કર્મચારીઓ ફરજ બજાવશે. આ ઉપરાંત ૪૨ માઇક્રો ઓબ્ઝર્વર, ૪૨ વિડીયોગ્રાફર તથા ૩૦૨ ઝોનલ અધિકારી ચૂંટણી પ્રક્રિયામાં ફરજ બજાવી રહ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



