ઉનાળામાં પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરતા તાપી જિલ્લા કલેક્ટરની અપીલ

0
7

પાણીની અછત નિવારવા જિલ્લા વહીવટી તંત્ર પ્રયત્નશીલ
વ્યારા, તા.૨૨

તાપી જિલ્લામાં ચાલુ ઉનાળા સિઝનમાં પીવાના પાણીની કોઇ મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સઘન પ્રયાસો કરાઇ રહ્યા છે. કલેકટર આર.એસનિનામા દ્વારા નાયબ કલેકટરથી માંડીને વર્ગ ૧/૨ના તમામ અધિકારીઓને લાયઝન અધિકારીની જવાબદારી સોંપી પાણીના પ્રશ્નોને ટોચ અગ્રતા આપવામાં આવી છે. જે અન્વયે દરેક લાયઝન અધિકારીઓ તેમની ટીમો સાથે પાણીની અછત ધરાવતા તેમજ જરૂરિયાત વાળા ગામો/ફળિયામાં જઇ લોકોની રજૂઆતો રૂબરૂમાં સાંભળી તાત્કાલિક પાણીના પ્રશ્નો હલ કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારમાં અધિકારી-કર્મચારીઓ સતત ફિલ્ડમાં રહી તમામ પાણી પુરવઠા યોજનાઓનું મોનિટરિંગ કરે છે. સંલગ્ન અધિકારીઓ તેમની ટીમ સાથે પીવાના પાણીની રજૂઆત આવે કે ન આવે તો પણ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઇ બંધ પડેલી પાણીની યોજનાઓ શરૂ કરવા, ટાંકી-સમ્પોની સાફ સફાઇ પાણી લિકેજ અટકાવવા, ગેરકાયદે કનેકશન દુર કરવા, જરૂરિયાત મુજબ તાત્કાલિક વીજ કનેકશન આપવા, નવી પાઇપલાઇન નાંખવી, બગડેલા હેન્ડપંપોનું સમારકામ, નવા હેન્ડપંપ-બોર તાત્કાલિક કરવાની કામગીરીને ઝુંબેશરૂપે ઉપાડી છે. તેની સાથે લોકોને પણ “જળ એજ જીવન છે”
“જળ વિના જીવસૃષ્ટિ શકય નથી” એ બાબત સમજાવીને પાણીનો ખૂબ જ કરકસરપૂર્વક ઉપયોગ કરીને બગાડ ન કરવા જિલ્લા કલેકટરે જિલ્લાના પ્રજાજનોને અપીલ કરી છે.
કલેકટર દ્વારા તમામ અધિકારી-કર્મચારીઓને સંબંધિત ગામોની મુલાકાત વખતે જયાં પણ પાણીનો પંપરૂમ બંધ જણાય તો પોતે લોક ખોલી મોટર ચાલુ કરીને ટેસ્ટીંગ કરવા તથા નજીકના ઇએસઆર/ મીની જલધારા યોજના અન્વયે પાંચ હજારથી બે હજાર લિટર પાણીની ટાંકીઓ ભરાવી લોકોને પાણી પહોંચાડવા તથા સરપંચ –તલાટીને સમ્પનું સતત મોનીટરિંગ કરી ગામ લોકોને નિયમિત પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી હતી.
કેટલાક વિસ્તારોમાં પાણી ચોરી અંગેની ફરિયાદો મળતા હાલમાં કલેકટર દ્વારા કડક હાથે કાર્યવાહી કરીને મોટાપાયે ગેરકાયદે પાણીના કનેકશનો દુર કરી આવા તત્વો સામે સખત કાર્યવાહી કરવાની સૂચના પણ આપવામાં આવી છે. લોકોને પાણી બાબતે કોઇ મુશ્કેલી ન પડે તે માટે કલેકટર નિનામાએ રોજે રોજ તાલુકાવાર/ગામવાર પરિસ્થિતિની સંબંધિત લાયઝન અધિકારીઓ પાસેથી જાતે જ વિગતો મેળવીને વરસાદ ન આવે તયાં સુધી પાણીની સમસ્યા ન સર્જાય તે માટે ગંભીરતાથી ચાંપતી નજર રાખી રહ્યા છે. જિલ્લાતંત્રના અવિરત પ્રયાસોથી અસરગ્રસ્ત ગામોમાં પાણીની સમસ્યા હળવી થઇ છે.
ઉલ્લેખનીય છે કે વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના ૮૨ ગામોમાં ૬૦ ટેન્કરો મારફત પાણીના ૧૮૧ ફેરા કરવામાં આવી રહ્યા છે. ૧૧૮૧ હેન્ડપંપોનું રિપેરિંગ કરી ફરીથી ચાલુ કરવામાં આવ્યા છે. પીવાના પાણી અંગે આવેલી ફરિયાદોનું રજીસ્ટર નિભાવી આવેલ ફરિયાદોનું તરત જ નિરાકરણ કરવામાં આવે છે. તા. ૨૧/૦૫/૨૦૧૯ના રોજ જૂથ પાણી પુરવઠા યોજનામાં સમ્પથી ૩ ગામોમાં ૭૭૦ હયાત નળ કનેકશનો આપવામાં આવ્યા હોવાનું પણ જિલ્લા કલેકટર તરફથી જણાવાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY