પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં વયારામાં બેઠક મળી
વ્યારા, તા.૧૩
વાયુ વાવાઝોડાની સંભવિત અસરોને પહોંચી વળવા માટે રાજય સરકાર સંપૂર્ણપણે સજજ છે જે સંદર્ભે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ તમામ મંત્રીશ્રીઓને તેમના પ્રભાર હેઠળના જિલ્લામાં હાજર રહી પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવા માટે સૂચના આપી છે. જેના ભાગરૂપે આજે તાપી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી યોગેશભાઇ પટેલે કલેકટર કચેરી ખાતે વહીવટીતંત્રના ઉચ્ચાધિકારીઓ અને પદાધિકારીઓ સાથે યોજી આપત્તિના સમયે સામાન્ય જનજીવન ખોરંભે ન ચડે એ માટે તંત્રને સંપૂર્ણ સજજ થવા માટે આહ્વાન કરી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી પૂર્વતૈયારીઓ અંગે વિગતે જાણકારી મેળવી સમીક્ષા કરી હતી.
બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને સંબોધતા તાપી જિલ્લાના પ્રભારી મંત્રી અને શહેરી ગૃહ નિર્માણ અને નર્મદા જળસંપત્તિના રાજયમંત્રી શ્રી યોગેશભાઇ પટેલે જણાવ્યું હતું કે,વાયુ વાવાઝોડાની સંભવિત અસરોને પહોંચી વળવા માટે રાજય સરકારે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ત્યારે ચૂંટાયેલી પાંખ અને વહીવટીતંત્ર સાથે પરસ્પર સંકલન જાળવી લોકોને મુશ્કેલી ન પડે તેની કાળજી રાખવી પડશે એમ જણાવ્યું હતું.
પ્રભારી મંત્રીશ્રીએ ગતરોજ આવેલ વાવાઝોડા-વરસાદથી જિલ્લામાં થયેલ નુકસાનની વિગતો મેળવી ઝડપથી સર્વે અસરગ્રસ્તોને જરૂરી મદદ તાત્કાલિક પુરી પાડવા સૂચના આપી હતી. તથા જિલ્લાના તમામ અધિકારી/કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા તાકીદ કરી હતી.
તાપી જિલ્લામાં કોઇ પણ પ્રકારની આકસ્મિક પરિસ્થિતિ ઉપસ્થિત થાય અને પ્રજાને સ્થળાંતરિત કરવાની નોબત આવે તો આશ્રય સ્થાનમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હોય એ આવશ્યક છે એમ જણાવી તેમણે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અસરગ્રસ્તોને તાત્કાલિક જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનો પુરવઠો ઉપલબ્ધ થાય એ માટે જરૂરિયાત મુજબનો જથ્થો સંગ્રહ કરી રાખવા, દવાઓ પુરતા પ્રમાણમાં રાખવી તથા જો ન હોય તો તાત્કાલિક મંગાવી લેવા જણાવ્યું હતું.
પ્રભારી મંત્રીશ્રીએ જિલ્લાના શહેરી વિસ્તારો, દરેક તાલુકામથકો અને મોટા ગામોમાં મોટા પાયે સફાઇ અભિયાન હાથ ધરી માટીના ઢગલાઓ, ઇંટોના રોડાના ઢગલાઓઅને કચરાના ઢગ દુર કરવા માટે ટ્રેકટર સહિતના સાધનો વ્યવસ્થા કરી ત્રણ દિવસમાં સફાઇ અભિયાન પુરૂ કરવા તાકીદ કરી હતી. આ ઉપરાંત તેમણે આગામી જુલાઇ માસમાં રોડની બંને સાઇટ, ડિવાઇડરતથા ખુલ્લી જગ્યામાં મોટાપાયે વૃક્ષારોપણનું આયોજન કરવા માટે સૂચના આપી હતી.
આ ઉપરાંત તેમણે શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં પડી જાય એવી જર્જરિત ઇમારતો, વૃક્ષોવગેરેને શોધી કાઢી આવી ઇમારતો તથા વૃક્ષોને તાત્કાલિક દુર કરવા, જર્જરિત વીજપોલના નવા વીજપોલ લગાવવા, રોડ-રસ્તાઓનું સમારકામ, રોડ પર ખોદકામ ન કરવા, આપત્તિના સમયે રાહત સામગ્રી વિતરણ માટે ઉપયોગ થાય એવી સ્વૈચ્છિક સંસ્થાઓની વિગતો, કંટ્રોલરૂમની વિગતો અંગે વિગતે ચર્ચા કરી હતી.
બેઠકના પ્રારંભે જિલ્લા કલેકટર આર.એસ.નિનામાએ પ્રભારી મંત્રી શ્રી પટેલનું સ્વાગત કરી પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી જિલ્લાની પ્રાથમિક વિગતો તથા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રિ-મોનસુન પ્રિપ્રેડનેશ અંગે અવગત કર્યા હતા. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જે.બી.પટેલ, પોલીસ અધિક્ષક એન.એન.ચૌધરી,નાયબ વનસંરક્ષક આનંદકુમાર, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયા, કાર્યપાલક ઇજનેર એ.જી.વસાવા, કાર્યપાલક ઇજનેર ચૌધરી, પ્રાંત વ્યારા તુષારભાઇ જાની, પુરવઠા અધિકારી શ્રીમતી નૈકિતા પટેલ, વેર-ટુના કાર્યપાલક ઇજનેર પ્રતાપસિંહ વસાવા, અન્ય અધિકારીઓ, જયરામભાઇ ગામીત, રાજેન્દ્રસિંહ કુંવર, જિલ્લા પંચાયત વિરોધપક્ષના નેતા મોહનભાઇ કોંકણી સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



