વેલિંગ્ટન,તા.૩
ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિંડા આર્ડર્ને તેના લાંબા સમયના મિત્ર ક્લાર્ક ગેફોર્ડ સાથે સગાઈ કરી લીધી છે અને હવે તેઓ ટૂંક સમયમાં જ લગ્નના બંધનથી બંધાશે. ઈસ્ટરની રજાઓ દરમિયાન આ યુગલે લગ્નના તાંતણે બંધાવાનો નિર્ણય કર્યો હતો. જેસિંડા આર્ડર્નને તેના જૂના સાથી તેમજ ન્યૂઝ ચેનલના હોસ્ટ ક્લાર્કને સગાઈની રિંગ પણ પહેરાવી હતી. આ બન્નેને એક દીકરી પણ છે. વડાપ્રધાન કાર્યાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કોણે કોને લગ્ન માટે પૂછ્યું તે જણાવી શકાય તેમ નથી પરંતુ બન્ને ટૂંક સમયમાં પરિણયના પગલાં ભરશે.
રસપ્રદ વાત એ છે કે જેસિંડા આર્ડર્ન ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન પદે કાર્યાલયમાં હતા તે જ વખતે ગત જૂનમાં તેમણે એક બાળકીને જન્મ આપ્યો હતો. ત્યારબાદ અમેરિકામાં યુએનની સભામાં બાળકીને સાથે લઈને સંબોધન કરવા બદલ તેઓ ચર્ચામાં રહ્યા હતા. લગ્ન પહેલા જન્મેલી બાળકીની દેખભાળ કરવા ક્લાર્ક ઘરે રહે છે અને પોતાની ભાવિ પત્નીને ટેકો આપે છે.
તાજેતરમાં ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટ ચર્ચમાં મસ્જિદમાં થયેલા ગોળીબારમાં ૫૧ લોકોના મોત થયા હતા. જો કે તે વખતે સંયમ અને આતંકવાદ વિરુદ્ધ પગલાં લેવા માટે પણ આર્ડર્નની વૈશ્વિક સ્તરે પ્રશંસા થઈ હતી. આર્ડને એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેઓ પોતાને પ્રખર નારીવાદી માનતા હોવા છતા તેઓ ગેફોર્ડને ક્યારેય લગ્ન વિશે નહીં પૂછે. ‘હું તેને ખૂદને આ પ્રશ્ન પૂછવા પાછળની વેદના અને દુઃખથી રૂબરૂ કરાવવા માગું છું,’ તેમ આર્ડર્ને એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






