ભુવનેશ્વર/ન્યુ દિલ્હી,તા.૧૧
ભારતના ઓડિશાના જગવિખ્યાત શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન (એસજીટીએ)એ ૧૨મી સદીના આ પૌરાણિક મંદિરના સેવકોને ભક્તો પાસેથી કોઈ દાન, ધર્માદો કે ધરાવવાની ચીજવસ્તુઓ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. પુરીના જગવિખ્યાત મંદિર ખાતે સેવકોના તથાકથિત શોષણની ગંભીર નોંધ લેતા સુપ્રીમ કોર્ટે આવી કોઈ જ ગેરરીતિઓ તથા ગેરવહીવટ ન થાય તે માટે અઢળક નિર્દેશો જારી કર્યા છે. મંદિર વહીવટી તંત્રે એક નોટિફીકેશન જારી કરીને ભક્તોને અનુરોધ કર્યો છે સેવકોને દાન દેતાં અગાઉ કે હૂંડીમાં કે મંદિરની વડી કચેરીમાં, શાખા કચેરીઓમાં તેમ જ મંદિર માહિતી કેન્દ્રમાં દાન કરીને તેની પાવતી લેવાનું જણાવ્યું છે.
ઉક્ત નોટિફીકેશનમાં સંબંધિતોના હસ્તાક્ષર છે. મંદિરમાં કેટલાક સ્થળે તેની નકલો મૂકવામાં આવી છે. એસજેટીએના વડા વહીવટકાર પી. કે. જેનાએ અત્રે પત્રકારોને કહ્યુ હતું કે સુપ્રીમ કોર્ટના નિર્દેશ કાનૂન છે. સુપ્રીમના નિયમ સૌ કોઈને બંધનકર્તા છે. અમે સૌ કોઈને આ નિર્દેશોનું પાલન કરવાનું જણાવ્યું હતું. ઓડિશાના કાયદા પ્રધાન પ્રતાપ જેનાએ કહ્યુ કે રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરશે. અમે નિયમોને બંધનકર્તા લેખીશું.
જોકે સેવકોના વિભાગ પૈકી કેટલાક લોકો સુપ્રીમ કોર્ટમાં વિનંતી કરવાના છે કે ઉક્ત ચુકાદા અને નિયમમાં થોડોક ફેરફાર કરો કારણ કે અમારામાંથી ઘણા બધા ભક્તોએ આપેલા દાન પર જ નભે છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





