ઉના,તા.૩૦
જિલ્લાના ઉના તાલુકાના આંકોલાળી ગામના દલિત યુવાનને ૨૦૧૨માં જીવતો સળગાવી અમાનવીય અત્યાચાર ગુજારવાના ચકચારી કેસમાં ૧૧ આરોપીઓને ઉના સેશન્સ કોર્ટ દ્વારા એક મહત્વના ચુકાદો આપવામાં આવ્યો છે. ઉના સેન્શન્સ કોર્ટ દ્વારા તમામ આરોપીઓને આજીવન કેદની આકરી સજા ફટકારવામાં આવી હતી. જેને પગલે દલિતસમાજમાં ન્યાય મળ્યાની લાગણી ફેલાઇ ગઇ હતી. ઉના સેશન્સ કોર્ટના ચુકાદાને લઇ રાજયભરના દલિત સમાજમાં ભારે ચર્ચા ચાલી હતી અને ૧૧ આરોપીઓને જીવે ત્યાં સુધી આજીવન કેદની સજાનો હુકમ ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો હતો.
ઉનાના એડિશનલ સેશન્સ જજ એસ.એલ.ઠક્કરે જે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી તે આરોપીઓમાં ભાણા કાના, બાબુ દાના, ધીરૂ વીરા, ભીખા વીરા, રામ ભીખા, પાંચા લાખા, પ્રવીણ ધીરૂ, હમીર અરજણ, અરજણ બાબુ, ગભરૂ કાના અને લાલજી વશરામનો સમાવેશ થાય છે. એટલું જ નહી, કોર્ટે તમામ આરોપીઓને રૂ.૫૪,૫૦૦નો દંડ પણ ફટકાર્યો છે એટલે કે, તમામ આરોપીઓનો મળી કુલ રૂ.૫,૯૯,૫૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો. કોર્ટે આ સમગ્ર કેસને રેરેસ્ટ ઓફ ધ રેર ગણાવી તમામ આરોપીઓને જીવે ત્યાં સુધી આજીવન કેદની સજા ફટકારતો ચુકાદો જાહેર કર્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



