સર્ચમાં બ્લેક રંગના પેકેટમાં ૨ એકે-૪૭ રાઈફલ અને યુદ્ધ માટે ઉપયોગ કરનાર સામાન મળ્યો
શ્રીનગર,તા.૨૯
જમ્મુ કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ હતી. સુરક્ષાદળોએ પુલવામા જિલ્લાના હાજિન રાજપોરા વિસ્તારમાં બે-ત્રણ આતંકીઓ છૂપાયા હોવાની ખબર મળ્યા બાદ તેમની શોધ માટે તપાસ અભિયાન ચલાવ્યું હતું. અથડામણમાં ચાર આતંકીઓ માર્યા ગયાના સમાચાર મળી રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે, અથડામણ દરમિયાન ઠાર મરાયેલા આતંકીઓનો મૃતદેહ હાથ લાગ્યો નથી. આ અગાઉ શુક્રવારે સવારે પુલવામામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ હતી.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીર જિલ્લામાં અવંતીપોરાના બાંદેરપુરા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની ગુપ્ત જાણકારી મળ્યા બાદ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો અને તપાશ અભિયાન ચલાવ્યું હતું. આ વચ્ચે અચાનક આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. કાઠુઆના રામકોટેમાં સંયુક્ત સર્ચ અભિયાનમાં ટીમને બ્લેક રંગના પેકેટમાં ૨ એકે ૪૭ રાઇફલ અને યુદ્ધ માટે ઉપયોગ કરનારા સામાન મળ્યો હતો.
શુક્રવારે પણ આતંકી અને સેના વચ્ચે થયેલી અથડામણમાં આતંકી ઈશફાક યુસુફ માર્યો ગયો હતો. કાર્યવાહીના વિરોધમાં લોકોએ પ્રદર્શન કર્યું હતું જેનો સામનો કરવા વધુ સેના ગોઠવવામાં આવી હતી. આ ઉપરાંત સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઈન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી હતી.
દરમિયાન કાશ્મીર ખીણમાં ટોળા હિંસા અને પથ્થરબાજીની ઘટનાઓમાં ઘટાડો થયો છે, પરંતુ સુરક્ષાદળોના ઓપરેશન દરમિયાન અવરોધ ઊભો કરવાની ઘટનાઓ સતત વધી રહી છે. છેલ્લા ત્રણ વર્ષમાં પથ્થરબાજીની ઘટનાઓ ચાર ગણી ઘટી ગઇ છે, પરંતુ સુરક્ષાદળો દ્વારા હાથ ધરવામાં આવતા ઓપરેશનને નાકામિયાબ કરવાની કોશિશમાં છ ગણો વધારો થયો છે. ર૦૧૬માં હિઝબુલ આતંકી બુરહાન વાનીના મોત બાદ કાશ્મીરમાં પથ્થરમારો અને ટોળા હિંસાની ઘટનાઓ વધી ગઇ હતી. આંકડાઓ અનુસાર વર્ષમાં આવી ઘટનાઓની સંખ્યા ૩,૦૦૦ જેટલી હતી જે ઘટીને હવે ૭૦૦ થઇ ગઇ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




