હજીરા સ્થિત કંપની વર્કશોપમાં નવનિર્મિત યુધ્ધ ટેન્કનું વડાપ્રધાન મોદી, રક્ષામંત્રી નિર્મલા સીતારમણ સહિતના મહાનુભવોએ નિરીક્ષણ કર્યુ
સુરત, તા. ૧૯
ભારતીય સેનાની તાકાતમાં વધારો કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મેક ઈન્ડિયાના કોન્સેપ્ટથી બનેલી કે-૯ વજ્ર ટેન્કને દેશની આર્મીને સમર્પિત કરી છે. સુરક્ષા અને સ્વાસ્થ્ય ક્ષેત્રે દક્ષિણ ગુજરાતનું પ્રદાન વધુ મજબુત કરવા માટે હજીરા સ્થિત એલ એન્ડ ટી કંપનીમાં બનેલી યુધ્ધ ટેન્કનું આર્મીને સમર્પિત તથા દાદરા નગર હવેલી ખાતે ગવર્નમેન્ટ મેડિકલ કોલેજનું ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યુ હતું.
આજે બારેક વાગ્યાની સુમારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી નિર્મલા સીતારમણ, રિપબ્લિક કોરિયાના ડિફેન્સ મિનિસ્ટર વાનઝોંગ હોંગ, એલ એન્ડ ટીના ચેરમેન અનિલ નાયક હજીરા સ્થિત એલ એન્ડ ટી ફેક્ટરી પહોંચ્યા હતા. જ્યારે એલ એન્ડ ટી દ્વારા તૈયાર કરાયેલી વજ્ર ટેન્ક અને વર્કશોપનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નિરીક્ષણ કર્યુ હતું. સ્વદેશી આ ટેન્કમાં વડા પ્રધાન મોદીએ બેસીને આ ટેન્કની દેશની આર્મીને સુપરત કરી હતી. દસ મિનિટના રોકાણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતનો કાફલો દાદરા નગર હવેલી તરફ રવાના થયો હતો.
આ ટેન્કને સેલ્ફ પ્રોપેલ્ડ હોવિટઝર ગન પણ કહેવાય છે. બોફોર્સ ટેન્કને પણ ટક્કર મારે તેવી આ ટેન્ક છે . આ ટેન્ક ૪૦ કિમીથી લઈને ૫૨ કિમી સુધીની મારક ક્ષમતા ધરાવે છે. કે-૯ ૧૫ સેકન્ડની અંદર ૩ સેલ છોડી શકે છે. કંપની આવી ૧૦૦ ટેન્ક બનાવવાની છે. જેમાં ૯૦ સુરતમાં અને ૧૦ પુણેમાં તૈયાર થશે.
વજ્રની સાથે ૩ લોકોની એક ક્રુ હશે. જેમાં કોમ્પ્યૂટર સ્ક્રીન પર બતાવાશે કે કયાં, કેવી રીતે અને ક્યારે ફાયર કરવાનું છે. વજ્ર કે-૯ને લઇ ૪૩૬૬ કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ ભારતની ૧૮ રેજિમેન્ટ્સથી લઇ તેને ૫૦ વર્ષ જુની ૧૦૫ એમએમ એબોટને રિપ્લેસ કરવા માટે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




