આયોજન અંગે કલેક્ટરે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી
વ્યારા, તા.૨૧
આગામી તા. ૨૬મી, જાન્યુઆરીના રોજ તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલી સાર્વજિનક હાઇસ્કૂલની સામેના મેદાનમાં તાપી જિલ્લાના જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે. જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીને અનુલક્ષીને જિલ્લા કલેકટર એન.કે ડામોરની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપતા કલેકટર ડામોરે જણાવ્યું હતું કે, જિલ્લા કક્ષાના આ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં કોઇ કચાશ ન રહી જાય એની તકેદારી રાખી દરેક વિભાગને સોંપવામાં આવેલી કામગીરી ગંભીરતાથી કરવા જણાવ્યું હતું.
વિવિધ સમિતિઓને સોંપવામાં આવેલી કામગીરી અંગે ચર્ચા કરતા તેમણે રાષ્ટ્રીય પર્વની ઉજવણી દરમિયાન સરકારી ઇમારતોને રોશની કરવા, કાર્યક્રમના સ્થળે સભામંડપ, સ્ટેજ, બેઠક વ્યવસ્થા, પોલીસ બેન્ડની વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, ર્પાકિંગની વ્યવસ્થા તથા સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન અંગે વિગતે ચર્ચા કરી ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત સ્વાતંત્ર્ય સેનાનીનું સન્માન, જિલ્લાના સિદ્ધિવંત નાગરિકોનું સન્માન, સરકારી વિભાગમાં સૌથી સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીનું સન્માનકરવા માટે પસંદ કરવામાં આવેલા વ્યક્તિવિશેષોની યાદી તૈયાર કરવા માટે પણ તેમણે સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત કાર્યક્રમ દરમિયાન વિવિધ વિભાગો દ્વારા રજૂ કરવામાં આવનાર ટેબ્લોઝ તૈયાર કરવાની કામગરી અંગે માર્ગદર્શન આપતા તેમણે જણાવ્યું હતું કે, રાજયકક્ષાના કાર્યક્રમમાં જે રીતે ટેબ્લોઝ અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવે છે એ પ્રકારના ટેબ્લોઝ અને સાંસ્કૃતિક કાર્યક્રમો તૈયાર કરવા માટે જણાવ્યું હતું. બેઠકનું સંચાલન અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયાએ કર્યું હતું. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જે.બી.પટેલ, પ્રાયોજના વહીવટદાર વિજયભાઇ પટેલ, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.જે.નિનામા, વ્યારા પ્રાંત તુષારભાઇ જાની, નિઝર પ્રાંત પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.એમ. પટેલ, નાયબ પોલીસ અધિક્ષક માવાણી, કાર્યપાલક ઇજનેરો, જિલ્લાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




