એ.એમ.સી.માં રસ્તાનાં કામમાં થયેલા ભ્રષ્ટાચારની વિજિલન્સ તપાસનો ફિયાસ્કો..!!

0
16

અમદાવાદ,
તા.૧૧/૪/૨૦૧૮

મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમ વાર ગત ચોમાસામાં બનેલા રૂ.૪પ૦ કરોડના રોડના ધોવાણનું સૌથી મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. શહેરભરના રસ્તામાં ગાબડાં પડવાથી મહિનાઓ સુધી નાગરિકો ત્રાસી ઊઠ્યા હતા. આજે પણ અનેક વિસ્તારમાં રોડના સાદા પેચવર્કનાં કામ થયાં નથી.

આ કૌભાંડમાં ભારે ઊહાપોહ થયા બાદ તંત્ર દ્વારા વિજિલન્સ તપાસ સોંપાઇ હતી, જેના વચગાળાના રિપોર્ટમાં તંત્રે રોડના કામની ગુણવત્તા સાથે બાંધછોડ થઇ હોવાનું સ્વીકાર્યું હતું. હાઇકોર્ટની વારંવારની ઝાટકણી બાદ પણ સત્તાવાળાઓને વિજિલન્સ તપાસમાં હવે રસ રહ્યો નથી તેવું ચર્ચાઇ રહ્યું છે.

તંત્રના વિજિલન્સ તપાસના રિપોર્ટમાં માત્ર વર્ષ ર૦૧૬-ર૦૧૭ અને વર્ષ ર૦૧૭-૧૮ના રોડ પૈકીના ૧૮૩ રોડની ચકાસણી કરાઇ હતી, જેના આધારે આકાશ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા. લિ., જી.પી. ચૌધરી ઇન્ફ્રા પ્રા. લિ. અને જે. આર. અગ્રવાલ પ્રા. લિ. એમ ત્રણ કોન્ટ્રાક્ટરને ત્રણ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરાયા હતા. ગત તા.૩૧ જુલાઇ, ર૦૧૭એ આ ત્રણેય કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરાયા હતા, પરંતુ તેમના ૭૦ થી ૮૦ ટકા બિલની ચુકવણી થઇ ચૂકી હતી.

વર્ષ ર૦૧૬-૧૭માં રૂ.ર૭૯ કરોડના રોડ અને વર્ષ ર૦૧૭-૧૮માં રૂ.ર૬૯ કરોડના રોડનાં કામ ગત ચોમાસાના પહેલા રાઉન્ડના સામાન્ય વરસાદમાં ધોવાઇ ગયા હતા, જાકે વર્ષ ર૦૧પ-૧૬માં રૂ.૩પ૦ કરોડના રોડના કામની ચકાસણી તંત્ર દ્વારા કરવામાં ન આવતાં આ બાબત ભારે વિવાદાસ્પદ બની હતી.

તંત્રની તપાસમાં અન્ય ત્રણ કોન્ટ્રાક્ટર દ્વારા પણ રોડના કામમાં ગેરરીતિ આચરાઇ હોવાનું બહાર આવ્યું હતું, પરંતુ તેમની સામે કોઇ કાર્યવાહી કરાઇ નથી. આ કૌભાંડમાં સાત એડિશનલ સિટી ઇજનેર સહિત ર૬ અધિકારીને માત્ર દેખાવ ખાતર નોટિસ ફટકારાઇ છે, પરંતુ તેમની વિરુદ્ધ પણ કોઇ શિક્ષાત્મક પગલાં લેવાયાં નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY