૧દરેક વિસ્તારનો સમતળ વિકાસ થાય તેની તકેદારી રાખવા સૂચના
આહવા, તા.૨
રાજ્યના ખૂણેખૂણામાં ચાલી રહેલા વિકાસ કામોનું રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સતત મોનિટરિંગ કરી રહ્નાં છે, ત્યારે સી.એમ. ડેશબોર્ડ અને તેની કામગીરીની સંવેદનશીલતા ધ્યાને લઇને, જિલ્લાના અમલીકરણ અધિકારીઓ તેમના હસ્તકના વિકાસ કામો સમય મર્યાદામાં પૂર્ણ કરે તે આવશ્યક છે તેમ ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું.
ડાંગ જિલ્લા આયોજન મંડળની મળેલી ઉચ્ચસ્તરીય બેઠકને સંબોધતા મંત્રી શ્રી પાટકરે એકે એક કામ તેના એસ્ટીમેટની જોગવાઇઓ મુજબ જ થાય તે જરૂરી છે તેમ જણાવી, વિકાસ કામોની ગુણવત્તા બાબતે કોઇ પણ બાંધછોડ ચલાવી નહીં લેવામાં નહીં આવે તેમ પણ સ્પષ્ટપણે જણાવ્યું હતું.
વિકાસ કામો પૂર્ણ થાય કે તુરત જ સી.સી. રજુ કરવાની તાકિદ કરતા મંત્રીશ્રીએ પાણીની સુવિધા માટેના કામો બાબતે સંવેદનશીલતા સાથે ચિંતા સેવવાની પણ સંબંધિતોને સૂચના આપી હતી. પ્રભારી મંત્રી શ્રી રમણલાલ પાટકરે લોકભાગીદારીના વિકાસ કામોમાં અમલીકરણ અધિકારીઓને અંગત રસ લઇને પ્રજાજનોની ભાગીદારી કેળવવાનું પણ આહ્વાન કર્યુ હતું. છેવાડાના નવરચિત સુબિર તાલુકાના વિકાસ કામો બાબતે વિશેષ તકેદારી દાખવવાની પણ મંત્રીશ્રીએ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
બેઠક દરમિયાન સને ર૦૧૭/૧૮ અને સને ર૦૧૮/૧૯ના વર્ષના તમામ જાગવાઇ હેઠળના કામોની પ્રગતિ, તથા ભૌતિક અને નાણાંકિય સિદ્ધિઓની ચર્ચા સાથે, ગત આયોજન મંડળની મળેલી બેઠકની કાર્યવાહી નોંધને પણ બહાલી આપવામાં આવી હતી.
ડાંગ જિલ્લા આયોજન મંડળના વિકાસ કામોમાં મહદ્અંશે સી.સી. રસ્તા, પેવર બ્લોક, નાળાના કામો, કમ્પાઉન્ડ વોલના કામો, મીની પાઇપ લાઇન, સ્મશાન ઘર, સ્કૂલના ઓરડા, ગટર-શૌચાલય અને હવાડાના કામો, કોઝ વે, ડામર રોડ સહિતના કામોનો સમાવેશ કરાયો છે. જ્યારે જિલ્લાના કેટલાક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે દવાનો જથ્થો રાખવા માટેના સ્ટોરરૂમના બાંધકામ બાબતે અન્ય જાગવાઇમાંથી આ કામ હાથ ધરી શકાય તેમ છે કે કેમ તે ચકાસી લેવા પણ પ્રભારી મંત્રીશ્રીએ સૂચના આપી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



