પ્રભારી મંત્રી રમણલાલ પાટકર સહિતના મહાનુભાવો રહેશે ઉપસ્થિત
આહવા, તા.૨
રાજ્ય સરકારની વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓના લાભો જરૂરિયાતમંદ લાભાર્થીઓ સુધી સૂપેરે પહોચે તે માટે પ્રતિવર્ષ આયોજિત રાજ્ય સરકારના અતિ મહત્વકાંક્ષી એવા ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓની ડેટા એન્ટ્રીની કામગીરી સત્વરે પૂર્ણ કરી, મેળા અગાઉ જરૂરી ચેક અને કીટ્સ વિગેરે તૈયાર કરવાની સૂચના ડાંગ કલેક્ટર શ્રી બી.કે.કુમારે આપી છે.
ડાંગ જિલ્લામાં તા.૪/૧/ર૦૧૯નાં રોજ સવારે ૧૦ઃ૩૦ વાગ્યે આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા ગરીબ કલ્યાણ મેળામાં ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી-વ-રાજ્ય આદિજાતિ વિકાસ તથા વન મંત્રી શ્રી રમણલાલ પાટકર સહિત સરદાર પટેલ સહભાગી જળસંચય યોજના (ગુજરાત પ્રદેશ)ના અધ્યક્ષ શ્રી સરદારસિંહ બારૈયાની ઉપસ્થિતિમાં જરૂરિયાતમંદ લાભાર્થીઓને હાથોહાથ વિવિધ સાધન સહાય એનાયત કરાશે, તેમ જણાવતા શ્રી કુમારે સંબંધિત વિભાગના લાભાર્થીઓને લાવવા-લઇ જવાની ચોક્સાઇ સાથે મેળાના દિવસે હાથ ધરવાની થતી આનુષાંગિક કામગીરી બાબતે જરૂરી સૂચના આપી, ખૂબ જ સંવેદનશીલતા સાથે ગરીબ કલ્યાણ મેળાને સફળ બનાવવા અંગે માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતું.
ઉલ્લેખનિય છે કે, ડાંગ જિલ્લાના સને ર૦૧૮/૧૯નાં વર્ષના ગરીબ કલ્યાણ મેળામાં અંદાજીત ૭ હજાર જેટલા લાભાર્થીઓને રૂ.રપ કરોડથી વધુની રકમના લાભો એનાયત કરવા માટેનું ઑનલાઇન રજીસ્ટ્રેશન કરાયુ છે. જે પૈકી ર હજાર જેટલા લાભાર્થીઓને મેળાના સ્થળે જ મહાનુભાવોના હસ્તે ચેક અને કીટ્સનું વિતરણ કરવામાં આવનાર છે.
ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓની ઑનલાઇન ડેટા એન્ટ્રી બાબતે પ્રકાશ પાડતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયાએ વર્ષ દરમિયાન અપાતા વિવિધ યોજનાકિય લાભોને મેળા અગાઉ, મેળા દરમિયાન, અને મેળા પછી આપવાના લાભો એમ જુદી જુદી કેટેગરીમાં એન્ટ્રી કરવાની કાર્યપદ્ધતિ બાબતે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતું.
બેઠકની કાર્યવાહી સંભાળતા નિવાસી અધિક કલેક્ટર શ્રી ટી.કે.ડામોરે સંબંધિત વિભાગો દ્વારા હાથ ધરાયેલી ડેટા એન્ટ્રીની કામગીરી બાબતે જાણકારી આપી હતી.
ગરીબ કલ્યાણ મેળાની બેઠકમાં ડાંગ જિલ્લા પંચાયતના અધ્યક્ષા શ્રીમતી બીબીબેન ચૌધરી સહિત જિલ્લાના નાયબ વન સંરક્ષકો સર્વશ્રી અગિન્શ્વર વ્યાસ અને દેવેન્દ્રકુમાર ત્રિવેદી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જે.ડી.પટેલ, પ્રાયોજના વહિવટદાર શ્રી એસ.બી.ચૌધરી, પ્રાંત અધિકારી કાજલ ગામીત, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અસારી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.મેઘા મહેતા, કાર્યપાલક ઇજનેરો સર્વશ્રી જે.કે.પટેલ અને ગિરીશ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી એસ.એલ.પવાર, શિક્ષણાધિકારી શ્રી મણિલાલ ભૂસારા, તાલુકા મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ સહિત સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓ વિગેરેએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



