અમરેલી,તા.૧૮
ઉનાળાનું ઝોર હવે ધીમે ધીમે ઓછું થઇ રહ્યુ છે ત્યારે કેરળમાં ૬ જૂન સુધીમાં ચોમાસું બેસવાની આગાહી પણ થઇ ગઇ છે. ગુજરાતમાં વાતાવરણમાં પલટો થવાનું શરૂ થઇ ગયું છે. અમદાવાદ શહેરમાં શનિવારે સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી. સાથે સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો હતો. સૌરાષ્ટ્ર વિસ્તારમાં આજે શનિવારે વાતાવરણમાં અચાનક પલટો થયો હતો. અમરેલી અને ભાવનગરના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલોટ થતાં કરા સાથે વરસાદ પડ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરમાં પશ્વિમ વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી. ડમરીઓ ઉડતા વાતાવરણ ધૂંધળું થયું હતું. જેના પગલે વાહન વ્યવહારમાં અસર પડી હતી. તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે સતત બીજા દિવસે અમરેલીના દરિયા કાંઠાના ગામોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લોર, ખિસરી, માણસા, ફાચરિસા સહિતાના ગામોમાં કરા સાથે વરસાદ પડ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
કમોસમી વરસાદના પગલે કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. જાકે, વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.
બીજી તરફ ઉત્તર ગુજરાતમાં શુક્રવારે આવેલા વાવાઝોડાના કારણે તારાજી સર્જાઇ હતી. હિંમતનગરના જોરાપુરમા સાત જેટલા મકાનોમાં લાખોનું નુકસાન થયું છે. અને અનેક પશુઓ ઘાયલ થયા છે. સાથે સાથે અનેક મકાનોના છાપડા પણ ઉડ્યા છે. સાથે જોરાપુર વિજળી વિહોણું ગામ બની ગયું છે
વહેલી સવારે સૌરાષ્ટ્રમાં આકાશ વાદળોથી ઘેરાયું હતું. બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા અમરેલીમાં સતત બીજા દિવસે વરસાદ પડ્યો હતો. જાફરાબાદના નાગેશ્રી મીઠાપુરમાં કરા સાથે વરસાદ પડ્યો છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડતા વૃક્ષો ધરાશાયી થયા છે. ખાંભાના બારમણે, ભુંડણી અને સાવરકુંડલા સહિતના ગામોમાં વરસાદી ઝાપટું પડ્યું છે. વરસાદને લઇને અમરેલી જિલ્લામાં ઉનાળુ પાક અને કેરીના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે. તો બીજી તરફ અસહ્ય ગરમીમાંથી લોકોને રાહત પણ મળી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






