સાંસદનો કાર્યકરોને સ્પષ્ટ સંદેશ : અગાઉ જેવું નહીં ચાલે
અંકલેશ્વર, તા.૨૧
અંકલેશ્વરના પિરામણ ખાતેથી લોકસભા ચૂંટણીનાં પ્રચાર અને કાર્યકરોના માર્ગદર્શનની શરૂઆત કરનાર રાજ્યસભા સાંસદ અહેમદ પટેલે કેટલાક સ્પષ્ટ સંકેત પણ આપ્યા હતા.
અહેમદ પટેલે કાર્યકરો, હોદ્દેદારોને સંબોધતા જણાવ્યું હતું કે અત્યાર સુધી જે એક જ નામનો ઠરાવ કરીને જિલ્લા કોંગ્રેસ સમિતિ ઉમેદવારના નામ મોકલતી હતી અથવા તો અહેમદ પટેલ જે કરે એમાં હામી ભરવામાં આવતી હતી એ હવે નહીં ચાલે. ભરૂચ લોકસભા બેઠક માટે જિલ્લા કોંગ્રેસ સમિતિએ ત્રણ નામની પેનલ મોકલવાની રહેશે. જેમાંથી તમામનો પરફોર્મન્સ ઉપરાંત સંગઠનમાં યોગદાન તથા સામાજિક છબી જેવા પાસાને ધ્યાને લઈ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તથા કોંગ્રેસની પાર્લિયામેન્ટ કમિટી ઉમેદવાર નક્કી કરશે.
વધુમાં અહેમદ પટેલે કાર્યકરોને મતદારો સન્મુખ થવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભરૂચમાં ઓપીઈએલ, કેબલબ્રીજ જેવા જે પ્રોજેક્ટ્સની લોકાર્પણ વિધિ કરી એ પૈકીના ૩ પ્રોજેક્ટ્સ તો યુપીએ સરકારના કાર્યકાળમાં મંજુર થયેલા અને નિર્માણાધીન પ્રોજેક્ટ્સ હતા. આની સંપૂર્ણ જાણકારી મતદારોને મળે એ માટે કાર્યકરોને કમર કસીને અત્યારથી જ કામે લાગી જવા પણ તેમણે હાકલ કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




