મુસ્લિમ મહિલાઓને અપાતા ટ્રિપલ તલાકનો મુદ્દો પાછો ગાજ્યો છે. નરેન્દ્ર મોદી સરકારે ગુરૂવારે ટ્રિપલ તલાકને ગેરકાયદેસર ઠરાવતો ખરડો રજૂ કર્યો ને એ સાથે જ પાછી એ જ ભવાઈ ભજવાવા માંડી છે કે જે પહેલાં પણ ભજવાઈ ચૂકી છે. સુપ્રીમ કોર્ટે ગયા વરસે ઓગસ્ટમાં ‘ટ્રિપલ તલાક’ને ગેરબંધારણીય ગણાવીને રદ કરી નાંખેલા ને એ સાથે જ આ ભવાઈની શરૂઆત થયેલી. સુપ્રીમ કોર્ટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને ફરમાન કરેલું કે, ‘ટ્રિપલ તલાક’ મુદ્દે સંસદમાં નવો કાયદો બનાવે. મોદી સરકારે સુપ્રીમના આદેશનું પાલન કરીને ટ્રિપલ તલાકને ગેરકાયદેસર ઠરાવતો ખરડો લોકસભામાં બહુમતીથી પસાર કરાવી નાંખેલો પણ રાજ્યસભામાં ભાજપ પાસે બહુમતી નથી તેમાં ખરડો પસાર ના થયો.
કાંગ્રેસ સહિતના વિપક્ષોને ખરડાની કેટલીક જાગવાઈઓ સામે વાંકું પડ્યું તેમાં ખરડો અટવાઈ ગયેલો. કાંગ્રેસ સહિતના વિપક્ષોને ‘ટ્રિપલ તલાક’ને ફોજદારી ગુનો ગણીને ટ્રિપલ તલાક’ આપવા બદલ ત્રણ વર્ષની સજા કરવા સામે સૌથી મોટો વાંધો હતો. આ મુદ્દે વિપક્ષો આડા ફાટ્યા તેમાં રાજ્યસભામાં ખરડો ભમ્મ થઈ ગયો. મોદી સરકારે એ પછી બધા પક્ષો વચ્ચે સર્વસંમતિ સાધવા મથામણ કરી પણ મેળ ના પડ્યો. મોદી સરકારે મૂળ ખરડામાં સુધારા કર્યા પણ વિપક્ષોને એ પણ માફક ના આવ્યા તેમાં બજેટ સત્રમાં વાત આગળ ના વધી. બજેટસત્ર પત્યું એટલે મોદી સરકારે બુધવારે ‘ટ્રિપલ તલાક’ મુદ્દે વટહુકમ બહાર પાડી દીધો. વિરોધપક્ષોને રાજી રાખવા માટે મોદી સરકારે પહેલાં લોકસભાએ પસાર કરેલા ખરડાને સાવ મોળો કરી નાંખેલો.
મોદી સરકારે જે મૂળ ખરડો પસાર કરેલો તેમાં ટ્રિપલ તલાક આપનાર કોઈ પણ મુસ્લિમ પુરૂષને ત્રણ વરસની જેલની સજા કરવાની જાગવાઈ હતી. ટ્રિપલ તલાક આપવા એ કોગ્નિઝેબલ અને નોન-બેલેબલ અપરાધ ગણાયેલો. કોÂગ્નઝેબલ અપરાધ બને તેનો અર્થ એ થાય કે કોઈ પુરૂષ આ ગુનો કરે તો પછી તેને ઉઠાવીને જેલમાં નાંખવા વોરંટની જરૂર ના પડે. નોન-બેલેબલ અપરાધનો અર્થ એ કે, એક વાર કોઈ પુરૂષને આ કાયદા હેઠળ ઉઠાવીને જેલભેગો કરાય પછી તેને જામીન ના મળી શકે. ટૂંકમાં ટ્રિપલ તલાક આપનાર કોઈ પણ મુસ્લિમ પુરૂષ લાંબો વખત અંદર જાય એવો પાકો બંદોબસ્ત મૂળ કાયદામાં કરાયો હતો પણ વિપક્ષોને રાજી રાખવા વટહુકમમાં એ પણ કાઢી નંખાયું.
મોદી સરકારે વિપક્ષોને રાજી રાખવા બીજા પણ ત્રણ મોટા સુધારા કરી નાંખેલા. પહેલાં પાડોશી કે બીજી કોઈ વ્યકિત ફરિયાદ કરી દે તો પણ ટ્રિપલ તલાકના કાયદાના ભંગનો ગુનો નોંધાતો. નવી જાગવાઈ પ્રમાણે પત્ની, તેનાં નજીકનાં સગાં એફઆઈઆર નોંધાવે તો જ કોગ્નિઝેબલ ગુનો ગણાય. આ ગુનામાં જામીનની જાગવાઈ પણ કરાઈ. પોલીસ પૈસા ખાઈને કુલડીમાં ગોળ ના ભાંગે એટલે સાવચેતી ખાતર જામીન આપવાની સત્તા મેજિસ્ટ્રેટને અપાઈ હતી. મેજિસ્ટ્રેટે જામીન આપતાં પહેલાં પીડિતા પત્નીને સાંભળવી ને પછી જ જામીન આપવા કે નહીં એ નક્કી કરવું એવી જાગવાઈ પણ કરાયેલી. ત્રીજી મહ¥વની જાગવાઈ એ કરાઈ હતી કે, આ અપરાધને કમ્પાઉન્ડેબલ બનાવાયેલો. મતલબ કે, સમાધાનનો રસ્તો ખુલ્લો રખાયો હતો. ટ્રિપલ તલાક મુદ્દે કેસ નોંધાયા પછી પત્નીને લાગે કે, પતિ ઢીલો પડ્યો છે, તેને પોતાની ભૂલ સમજાઈ છે, પોતાને માફક આવે ને પોતાનાં હિતો જળવાય એ શર્તે સમાધાન માટે તૈયાર છે તો મેજિસ્ટ્રેટની સંમતિથી સમાધાન કરી શકે. એ જ રીતે ‘ટ્રિપલ તલાક’ના કેસમાં મુસ્લિમ મહિલાને ખાધાખોરાકી પણ મળશે ને સગીર સંતાનોનો કબજા પણ મળશે.
આ વરસના સપ્ટેમ્બરમાં આ વટહુકમ બહાર પડાયો તેથી છ મહિનામાં તેને કાયદો બનાવવો પડે. એ વાસ્તે ગુરૂવારે લોકસભામાં આ ખરડો દાખલ કરાયો ને તેના પર ચર્ચા ચાલુ થઈ તેમાં પાછી એ જ ભવાઈ ભજવાઈ શરૂ થઈ ગઈ છે. વિપક્ષોએ એ જ પાછા વાંધાવચકા કાઢ્યા છે ને એ જ આક્ષેપો કરવા માંડ્યા છે કે, ભાજપ સરકારની દાનત ખોરી છે તેમાં આ ખરડો લવાયો છે. ભાજપને મુસ્લિમ મહિલાઓના સશÂક્તકરણમા રસ નથી પણ મુસ્લિમ પુરૂષોને જેલમાં નાખવામાં રસ છે એટલે આ ધંધા કરે છે એવો આક્ષેપ પણ તેમણે કર્યો. આ ખરડો સંસદની સિલેક્ટ કમિટીને સોંપવામાં આવે એવું કોરસ પણ બધા વિપક્ષોએ સાગમટે ગાઈ નાખ્યું.
કાંગ્રેસ સહિતના વિપક્ષોની વાત બકવાસ છે. ટ્રિપલ તલાક અંગેના ખરડામાં ટ્રિપલ તલાકનો ભોગ બનેલી મુસ્લિમ મહિલાઓને યોગ્ય વળતર મળવું જાઈએ એવો ઉલ્લેખ છે પણ એ વળતર કેટલું હોવું જાઈએ તેનો ઉલ્લેખ નથી એવો એક વાંધો વિરોધ પક્ષોએ ઉઠાવ્યો છે. આ વાંધો વ્યાજબી છે પણ તેનો ઉકેલ લાવી શકાય. વિપક્ષો આ સુધારો સૂચવે ને તેનો સ્વીકાર કરી લેવાય તો એ વાતનો નિવેડો આવે પણ વિપક્ષોને આ રીતે વાતનો નિવેડો આવે તેમાં રસ નથી. તેમને તો ગમે તે રીતે આ ખરડો અટવાઈ જાય ને ટલ્લે ચડી જાય તેમાં રસ છે એટલે એ લોકો પાણીમાંથી પોરા કાઢીને વાંધો કાઢી રહ્યા છે. તેમને ખબર છે કે, રાજ્યસભામાં ભાજપ પાસે બહુમતી નથી એટલે લોકસભામાં ભાજપ ગમે તેટલા ધમપછાડા કરે ને બહુમતીના જારે ખરડો પસાર કરાવી દે તો પણ રાજ્યસભામાં એ અટવાઈ જ જવાનો છે.
ભાજપને પણ આ વાતની ખબર છે એટલે એ કળથી કામ લેવા માગે છે પણ વિપક્ષો અડી જ ગયા છે એ જાતાં આ વખતે પણ આ ખરડો પસાર થાય એવી આશા રાખવા જેવી નથી. ખરડો પસાર થઈને કાયદો બની જાય તો મુસ્લિમ મહિલાઓનાં પણ નસીબ ને ભાજપનાં પણ નસીબ. અત્યારે જે હાલત છે એ જાતાં બંનેમાંથી કોઈનાં નસીબ જાર કરતાં હોય એવું લાગતું નથી પણ આગે આગે ગોરખ જાગે.
મોદી સરકારે સાડા ચાર વરસમાં ઝાઝું કંઈ ઉકાળ્યું નથી પણ ટ્રિપલ તલાક મામલે કાયદો બનાવવાની તેની પહેલ ખરેખર વખાણવા જેવી છે. સુપ્રીમ કોર્ટના આદેશને પગલે એ પહેલ કરાઈ એ ખરું પણ એ પછીય ભાજપને યશ તો આપવો જ પડે કે તેણે મુસ્લિમ મહિલાઓનાં હિતો સાચવવા આવો કાયદો બનાવવાની હિંમત બતાવી. બાકી આપણે ત્યાં તો મુસ્લિમોની વાત આવે ત્યારે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને પણ બદલી નાખીને મુસ્લિમોના ઠેકેદારોના પગોમાં આળોટી જવાનો ઈતિહાસ છે. કારણ ગમે તે હોય પણ ભાજપે એ હિંમત તો બતાવી ને ?
કાંગ્રેસ અને બીજા વિરોધ પક્ષો જે દલીલ કરે છે તેની પાછળનાં કારણ શું છે એ કહેવાની જરૂર નથી. એ લોકોની નજર મુસ્લિમ મતબૅંકથી આગળ જતી નથી તેની આ બધી મોંકાણ છે. આ બધા દંભી સેકિયુંલર પક્ષોને એમ જ લાગે છે કે, મુસ્લિમોમાં મહિલાઓ ભણેલી-ગણેલી નથી ને તેમના ધણી કહે છે એમ જ બધું કરે છે એટલે તેમની ચિંતા કરવાની જરૂર નથી. તેમના ધણીઓમાં પણ ઝાઝી અક્કલ નથી ને એ લોકો તેમના બની બેઠેલા ઠેકેદારો ને મુલ્લા-મૌલવીઓ કહે છે એટલું જ કરે છે. એટલે તેમના ધણીઓને રાજી રાખો ને ઠેકેદારોને પટાવી રાખો એટલે આપણું કામ પત્યું. આ માન્યતાના કારણે એ લોકો મુસ્લિમ મહિલાઓનાં હિતોની વાત આવે ત્યારે રોડાં નાખ્યા કરે છે. વરસો પહેલાં શાહબાનો કેસનો ચુકાદો આવેલો ત્યારે રાજીવ ગાંધીએ એ કરેલું ને હવે તેમના દીકરા રાહુલ ગાંધી કર્તાહર્તા છે ત્યારે પણ કાંગ્રેસ એ જ કરે છે.
સમજદાર મુસ્લિમોએ આસ્થિતિ વિશે વિચારવું જાઈએ ને તેમનો અવાજ બુલંદ કરવો જાઈએ. આ પ્રશ્ર્ન ભાજપ કે કાંગ્રેસ કે બીજા કોઈ રાજકીય પક્ષનો નથી પણ મુÂસ્લમોની પોતાની બહેન-દીકરીઓનો છે. કોઈ માણસ મનફાવે ત્યાં સુધી તેમનો ઉપયોગ કરે ને પછી તેમને ત્રણ વાર તલાક બોલીને વપરાઈ ગયેલા મસોતાની જેમ ફેંકી દે ને તેને કોઈ સજા ના થાય એ કેવું ? કિયો મુસ્લિમ ભાઈ, કિયો મુસ્લિમ બાપ કે કિયો મુસ્લિમ દીકરો પોતાની મા-બહેન-દીકરી સાથે આ રીતે વર્તનારાને સજા નહીં કરવાની વાત સ્વીકારે ? કોઈ ના સ્વીકારે ને આ વાત મુસ્લિમોએ બુલંદ અવાજે કરવી પડે. મુસ્લિમોના બની બેઠેલા ઠેકેદારોના કારણે તેમનું કશું ભલું થયું નથી એ આટલાં વરસોમાં સાબિત થયું છે. હવે તેમની મા-બહેન-દીકરીઓને તેમનો હક મળી રહ્યો છે ત્યારે ચૂપ ના રહી શકાય. આ પ્રશ્ર્ન ૧૦ કરોડ મુસ્લિમ મહિલાઓનો છે ને મુઠ્ઠીભર લોકોને રાજી રાખવા રાજકીય પક્ષો ગમે તેવી હલકટાઈ કરે, મુસ્લિમો પોતે હવે એ અન્યાય ના થવા દે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



