સીબીઆઇમાં જેની સામે આક્ષેપ છે તે માણસ કર્તાહર્તા નહિં બને

0
32

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ગયા અઠવાડિયે સીબીઆઈના એ વખતના ડિરેક્ટર આલોક વર્માનું પડીકું કરી નાંખી સૌને આંચકો આપી દીધેલો. આલોક વર્મા અને મોદી સરકારના માનીતા ગણાતા સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાની ગોધાલડાઈમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે અસ્થાનાનો પક્ષ લઈને વર્માને કોરાણે મૂકવા રજા પર ઉતારી દીધેલા. વર્મા તેની સામે સુપ્રીમ કોર્ટમાં ગયેલા ને સુપ્રીમ કોર્ટે વર્માને પાછા સીબીઆઈના કર્તાહર્તા તરીકે બેસાડી દીધેલા. વર્માએ ગયા ગુરુવારે સીબીઆઈના વડા તરીકે ચાર્જ લઈને ધડાધડી શરૂ કરી એ સાથે જ મોદી સરકાર ભડકી ગઈ.
સીબીઆઈના વડા અંગે કોઈ પણ નિર્ણય લેવા માટે સિલેક્શન પેનલ છે. વડા પ્રધાન, દેશની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા એ ત્રણ મહાનુભાવો આ પેનલના સભ્ય હોય છે. જસ્ટીસ રંજન ગોગોઈ અત્યારે ચીફ જસ્ટીસ છે પણ તેમણે જસ્ટિસ સિક્રીને પોતાના પ્રતિનિધિ તરીકે આ પેનલમાં મુકિયા છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે પેનલના ત્રીજા સભ્ય છે. મોદી સરકારે તાબડતોબ સિલેક્શન પેનલની બેઠક બોલાવી. તેમાં ખડગે વર્માની તરફેણમાં રહ્યા પણ મોદી અને જસ્ટિસ સિક્રીએ વર્માને ખસેડવા મત આપતાં ૨ વિરૂધ્ધ ૧ મતે આલોક વર્માનું પડીકું કરી નંખાયું. ખડગે બૂમાબૂમ કરતા રહ્યા ને મોદી સરકારે વર્માને સીબીઆઈના ડિરેક્ટરપદેથી દૂર કરીને ફાયર સેફ્ટી, હોમ ગાડ્‌ર્સ ને સિવિલ ડીફેન્સ જેવાં કોઈ જ્યાં ભાવ ના પૂછે એવા વિભાગોના ડાયરેક્ટર જનરલ (ડી.જી.) બનાવીને સીબીઆઈમાંથી તેમને રવાના કરી દીધા. સામે વર્માએ પણ ફૂંફાડો મારીને રાજીનામું ધરી દીધું ને સાવ છૂટા થઈ ગયા.
વર્માની વિદાયનો મામલો હજુ ટાઢો પડ્યો નથી ત્યાં મોદી સરકારે બરાબર એક અઠવાડિયા પછી ગુરૂવારે રાત્રે વધુ એક આંચકો આપી દીધો. મોદી સરકાર રાકેશ અસ્થાનાને સીબીઆઈના ડિરેક્ટર બનાવવા માંગે છે એટલે આ બધા ઉધામા થાય છે તેવી માન્યતા વચ્ચે મોદી સરકારે રાકેશ અસ્થાનાને જ ખંખેરી નાંખ્યા. ગુરૂવારે રાત્રે તાબડતોબ ફરમાન બહાર પાડીને સીબીઆઈના ચાર અધિકારીની બદલી કરાઈ દેવાઈ ને તેમાં રાકેશ અસ્થાના પણ આવી ગયા. રાકેશ અસ્થાના ઉપરાંત મોદીના માનીતા ગુજરાત કેડરના બીજા આઈપીએસ અધિકારી એ. કે. શર્મા, એમ. કે. સિન્હા અને જે. જે. નૈકનવારેને પણ ખંખેરી નાંખી તેમની બદલી કરી દેવાઈ. રાકેશ અસ્થાનાને પણ આલોક વર્માની જેમ સાવ ફાલતુ વિભાગમાં મૂકી દેવાયા છે ને સિવિલ એવિએશન સિકિયોરિટી બ્યુરોમાં હેડ બનાવી દેવાયા. અરુણકુમાર શર્માને સીઆરપીએફના એડિશનલ ડી.જી. બનાવીને રવાના કરી દેવાયા તો નેશનલ સિકિયુંરિટી એડવાઈઝર અજિત ડોવલ સામે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરનાર મનિષકુમાર સિંહા અને જયંત નૈકનવારે બંનેને કોઈએ નામ પણ ના સાંભળ્યું હોય તેવા બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં મૂકી દેવાયા છે. મોદી સરકારે વર્માને રવાના કર્યા તેમાં વર્માનો પૂરો વાંક હતો. અસ્થાનાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો એટલે મોદી સરકારે અસ્થાનાને રજા પર ઉતારવા પડેલા ને અસ્થાનાને સાચવવા વર્માને પણ રજા પર ઉતારી દીધેલા. સુપ્રીમે મોદી સરકારનો નિર્ણય રદ કર્યો એટલે વર્મા પાછા આવ્યા ને એ વખતે પૂરા રાજાપાઠમાં હતા. વર્મા એવું માનીને બેઠેલા કે, સુપ્રીમ કોર્ટનું છત્ર છે એટલે હવે કોઈ પોતાનું કશું તોડી નહીં શકે. તેમણે પાછા આવીને ધડાધડ બદલીઓ રદ કરી ને પોતે બોસ છે તેવું સ્થાપિત કરવા ગયા તેમાં વધેરાઈ ગયા. વર્મા પોતાનો અહમ્‌ સંતોષવામાં ના પડ્યા હોત તો ના ગયા હોત પણ એ વધારે પડતા ફોર્મમાં આવી ગયા તેમાં મોદીએ તેમને પોતે જ અસલી બોસ છે એ બતાવવા તેમને રવાના કરી દેવડાવ્યા.
મોદી સરકારે લીધેલા નિર્ણય માટે વર્મા જવાબદાર હતા જ પણ છાપ એવી પડેલી કે, મોદીએ અસ્થાનાને સાચવવા સત્તાનો દુરુપયોગ કર્યો છે. અસ્થાનાને મોદી કેમ આટલા સાચવે છે એવો સવાલ પણ ઘણાંને થવા માંડેલો ને તેના કારણે મોદીની પોતાની નિયત સામે સવાલ થવા લાગેલા. મોદીએ ગુરુવારે એકઝાટકે એ બધા સવાલોના જવાબ આપી દીધા. અસ્થાના મોદી સરકારના પહેલા ખોળાના છે નહીં કે તેમને અમારે ગમે તે રીતે સાચવવા પડે એવો સ્પષ્ટ મેસેજ મોદીએ આ નિર્ણય દ્વારા આપી દીધો છે. સાથે સાથે ભ્રષ્ટાચારીઓને છાવરવા બદલ પોતાની સામે કમસે કમ આ મામલામાં તો આંગળી ના ચીંધી શકાય એવી સ્થિતિ તેમણે સર્જી દીધી છે. એ સિવાય બીજા એક મેસેજ પણ તેમણે સરકારી અધિકારીઓને આપી દીધો છે કે, તમે સરકારના માનીતા હો તેનો અર્થ એ નથી કે સરકારમાં બેઠેલાં લોકો તમારાં બધાં પાપોનો બોજ વેંઢારીને ફર્યા કરે ને તમને છાવર્યા કરે. મોદી સરકારનો આ નિર્ણય દેર આયે દુરસ્ત આયે જેવો છે ને તેના કારણે કમસે કમ હાલ પૂરતો તો રાકેશ અસ્થાના જેવા શંકાસ્પદ વ્યકિતત્વ ધરાવતા અધિકારી સીબીઆઈના વડા તરીકે બેસે એવો ખતરો ટળી ગયો છે. અસ્થાના પહેલાં ગુજરાત કેડરમાં આઈપીએસ હતા ને એ વખતે તેમની ઈમેજ સારી હતી. આપણે ત્યાં મીડિયા ગમે તે પોલીસને સિંઘમ બનાવી દે છે ને ગમે તેને ચ્યુઈંગ ગમ બનાવી દે છે. અસ્થાનાના કિસ્સામાં પણ એવું જ થયેલું. અસ્થાનાએ વરસો પહેલાં સીબીઆઈના અધિકારી તરીકે ઘાસચારા કૌભાંડમાં લાલુ પ્રસાદ યાદવ સામે ચાર્જશીટ દાખલ કરેલી તેમાં મીડિયા તેમના પર વારી ગયેલું ને તેમના માથે જાંબાઝ અધિકારી તરીકેનું છોગું લગાડી દીધેલું.
મોદી પોતે પણ કદાચ અસ્થાનાની આ ઈમેજની ભૂરકીમાં આવી ગયા હશે તેથી વડા પ્રધાન બન્યા પછી એ અસ્થાનાને સીબીઆઈમાં લઈ ગયા. સીબીઆઈમાં ગયા પછી અસ્થાનાની આબરૂના ધજાગરા થવાની શરૂઆત થઈ ને તેમણે કરેલા ધંધા ખૂલવા માંડ્યા. વડોદરાની સ્ટ‹લગ બાયોટેક નામની કંપનીએ બૅંકોનું કરોડોનું કરી નાંખ્યું છે. રાકેશ અસ્થાના વડોદરામાં પોલીસ કમિશનર હતા ત્યારે સ્ટ‹લગના કૌભાંડમાં મદદગાર હતા તેવા આક્ષેપ થયેલા, અસ્થાનાની દીકરીનાં લગ્ન વડોદરામાં થયેલાં. વડોદરાના રાજવી પરિવારના પેલેસમાં આ લગ્ન કરાયેલાં ને ધૂમ પૈસો ખર્ચાયેલો. આ બધો ખર્ચ સ્ટ‹લગવાળા સાંડેસરાએ ઉઠાવેલો તેવા અહેવાલો અચાનક બહાર આવી ગયા ને તેમાં જ અસ્થાનાની આબરૂનો ફાલુદો થવાની શરૂઆત થયેલી. મોદી સરકાર એ વખતે અસ્થાનાને સીબીઆઈના કર્તાહર્તા બનાવવાની ફિરાકમાં હતી પણ આ ભાંડો ફૂટ્યો તેમાં અસ્થાના લટકી ગયા.
સુપ્રીમ કોર્ટે મોદી સરકારને બીજા કોઈને ડિરેક્ટર બનાવવા ફરમાન કરેલું તેથી મોદી સરકારે આલોક વર્માને ડિરેક્ટર બનાવવા પડ્યા. અસ્થાનાને પ્રમોશન આપીને સ્પેશિયલ ડિરેક્ટર બનાવાયા પણ અસ્થાના એમ માનતા હતા કે, અસલી બોસ પોતે જ છે. પોતાને બિગ બોસનું રાજકીય છત્ર છે તેથી પોતાનું ધાર્યું જ થાય એમ માનીને વર્તતા હતા તેમાં વર્માની ઝપટે ચડી ગયા. વર્મા કાચા ખેલાડી નથી ને તેમણે અડધી જિંદગી દિલ્હી પોલીસમાં કાઢી છે એટલે દિલ્હીમાં કઈ રીતે કામ કરવું તેનો અનુભવ હોય જ. તેમણે અસ્થાનાને કુરેશી કેસમાં ભેરવી દીધા. અસ્થાના સામે મટનના વેપારી મોઈન કુરેશીના દલાલ પાસેથી પાંચ કરોડ રૂપિયાની લાંચ લેવાનો કેસ થયો ને અસ્થાના સામે સીબીઆઈએ આ મામલે એફઆઈઆર પણ દાખલ કર્યો છે. આ કેસ દાખલ થયો પછી અસ્થાનાની હાલત વધારે બગડી. બાકી હતું તે હાઈ કોર્ટ કે સુપ્રીમ કોર્ટ તેમને કોઈ રાહત આપવા તૈયાર નથી. અસ્થાનાએ ખરેખર ભ્રષ્ટાચાર કર્યો છે કે નહીં એ ખબર નથી પણ તેમની આબરૂ તો ધૂળધાણી થઈ જ છે ને એ ધૂળ મોદી સરકાર પર પણ પડવા લાગી હતી. મોદી સરકારે એક હદ સુધી તેમને સાચવ્યા પણ અસ્થાનાનું ચિતરામણ વધતું જ જાય છે તેથી હવે મોદી સરકાર પણ તેમને શું કરવા સાચવે ? અસ્થાના વફાદાર હશે ને પરમ ભક્ત પણ હશે પણ એ નહીં હોય તો ભાજપ પતી જશે એવું નથી. સામે એ સીબીઆઈમાં રહે તો વિપક્ષોને મોદી સરકાર સામે બોલવા માટે મોકો રહે. આવી બધી વાતો ચૂંટણીમાં ભારે પડતી હોય છે તેથી તેમને ખંખેર્યા વિના છૂટકો નહોતો.
મોદી સરકારના આ નિર્ણયથી અસ્થાનાનું બોર્ડ પતતું નથી. એ હાલ પૂરતા સીબીઆઈના ડિરેક્ટર નહીં બની શકે પણ ભવિષ્યમાં તેમના માટે તક છે જ. તેમની સામેના કેસોમાં કંઈ ના થાય ને કેન્દ્રમાં પાછી મોદી સરકાર આવી જાય તો અસ્થાનાના ચઢતીના દિવસો પાછા આવી જાય એવું બને. જાકે અત્યારે એટલું આશ્ર્વાસન છે કે, જેની સામે આક્ષેપો છે એવો માણસ સીબીઆઈમાં કર્તાહર્તા નહીં બને. કાલનું કાલે જાયું જશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY