શ્રી શ્રી શ્રી શિવકુમાર સ્વામીગાલુનું નિધનઃ એક યુગનો અંત આવ્યો

0
7

ભારતમાં હિંદુ ધર્મના નામે પોતાની દુકાન ચલાવનારા કહેવાતા ધર્મગુરુઓ ઘણા છે પણ સાચા અર્થમાં જેમણે હિંદુ ધર્મને પચાવ્યો હોય એવા લોકો બહુ ઓછા હોય છે. આપણે ત્યાં અત્યારે જે હિંદુત્વ પ્રચલિત છે તેમાં નૈતિકતા કોરાણે મુકાઈ ગઈ છે ને દંભ વધારે છે. હાલના હિંદુત્વમાં મૂર્તિપૂજા ને પૂજાપાઠ હાવી થઈ ગયાં છે. ધર્મગ્રંથોના નામે બેફામ ઠોકાઠોક કરાય છે ને ગણ્યા ગણાય નહીં એટલાં દેવી-દેવતાઓ છે. આ હિંદુત્વ પૌરાણિક કાળની દેન છે ને પૌરાણિક કાળ બે હજારેક વર્ષ જૂનો છે. એ પહેલાં ભારતમાં વૈદિક કાળ હતો ને વૈદિક કાળનું હિંદુત્વ વર્તમાન હિંદુત્વ કરતાં સાવ અલગ હતું.
વૈદિક કાળમાં વેદો હિંદુત્વનો આધાર હતાં ને વેદોમાં આ ભગવાનને પૂજા કે પેલાં દેવીની અર્ચના કરો એવું કશું નથી. વેદોમાં આપણે કઈ રીતે જીવવું તેની વાત છે ને એ વખતે આપણા ઋષિ-મુનિઓ બાળકોને એ વાતો શીખવતા. પોતાનાં આશ્રમોમાં તેમને શિક્ષણ આપતા ને જિંદગીના સંઘર્ષમાં ટકી શકવા માટે સક્ષમ બનાવતા. આ અસલી હિંદુત્વ છે પણ પૌરાણિક કાળનો પ્રભાવ વધ્યો પછી એ અસલી હિંદુત્વ લુપ્ત થવા માંડ્યું. જા કે કેટલાક ધર્મગુરૂઓએ આજે પણ આ પરંપરા જાળવી રાખી છે ને શ્રી શ્રી શ્રી શિવકુમાર સ્વામીગાલુ આવા જ ધર્મગુરુઓમાં એક હતા. સોમવારે તેમનું નિધન થયું ને એ સાથે જ એક યુગ પૂરો થઈ ગયો.
શિવકુમાર લિંગાયત સંપ્રદાયના સૌથી મોટા મઠ ગણાતા સિદ્ધગંગા મઠના મઠાધિપતિ હતા. તેમની વય ૧૧૧ વર્ષ હતી એ જાતાં એ ભરપૂર જિંદગી જીવ્યા એવું કહી શકાય પણ એ છતાં તેમના યોગદાનને યાદ કરીએ ત્યારે લાગે જ કે, આ માણસ મરવો નહોતો જાઈતો. શિવકુમાર કર્ણાટકમાં લાખોની વસતી ધરાવતા લિંગાયત સમાજના ધર્મગુરુ હતા અને તેમના સમાજ પર ભારે પ્રભાવ ધરાવતા હતા. આ પ્રભાવનો ઉપયોગ તેમણે લિંગાયત સમાજને સુધારવા માટે કર્યો એ તેમનું બહુ મોટું યોગદાન છે. સામાન્ય રીતે હિંદુ ધર્મગુરૂઓ પોતાના મઠનો ઉપયોગ માલ ભેગો કરવા ને માલમલિદા ખાવા માટે કરતા હોય છે. શિવકુમારે પોતાના મઠનો ઉપયોગ લિંગાયત સમાજને જ્ઞાન આપવા અને તેને શિક્ષણમાં સમૃદ્ધ કરવા કર્યો.
આ તો શિવકુમારના યોગદાનનું ટ્રેલર જ છે ને શિવકુમારના યોગદાનની વધારે વાત કરતાં પહેલાં એ જે સમાજ પર પ્રભાવ ધરાવતા હતા એ લિંગાયત સમાજની વાત કરવી જરૂરી છે કેમ કે હિંદુઓમાં આ સમાજ એકદમ અનોખો છે. લિંગાયત હિંદુ ધર્મનો હિસ્સો છે પણ તેના કેટલાક રીતરિવાજા હિંદુ ધર્મના સ્થાપિત રિવાજાથી સાવ અલગ છે. લિંગાયત સમુદાય વરસોથી વૈદિક ધર્મનું પાલન કરતો હતો, પરંતુ પૌરાણિક પરંપરાનો પ્રભાવ વધ્યો પછી વૈદિક પરંપરા ઘટવા માંડી. પૌરાણિક પરંપરાના કારણે મૂર્તિપૂજા વધી ને ધર્મના નામે શોષણ શરૂ થયાં. ધર્મના નામે ઢગલાબંધ કુરિવાજા પણ પ્રચલિત થયા. હિંદુ ધર્મમાં મૂળ તો માણસ તેના કામના આધારે ઓળખાતો પણ પૌરાણિક કાળમાં જન્મના આધારે માણસની જ્ઞાતિ નક્કી થવા માંડી.
બારમી સદીમાં સમાજ સુધારક બાસવન્નાએ કુરિવાજા સામે ઝુંબેશ ચલાવવા લિંગાયત સમુદાયની સ્થાપના કરી. ભગવાન બાસવેશ્ર્વરા તરીકે ઓળખાતા બાસવન્નાનું કહેવું હતું ,કે લોકોને તેમના જન્મના આધારે નહીં, પરંતુ કામના આધારે વહેંચવા જાઇએ. બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા બાસવન્નાએ મૂર્તિપૂજા સામે અવાજ ઉઠાવ્યો અને એ વખતના શિક્ષણને માનવાનો ઇનકાર કર્યો. લિંગાયત સમુદાય ભગવાન શિવની પૂજા નથી કરતો, પરંતુ પોતાના શરીર પર ઇષ્ટલિંગ ધારણ કરે છે. ઇષ્ટલિંગ લંબગોળાકારનું હોય છે જેને દોરા વડે બાંધવામાં આવે છે. લિંગાયત લોકો ઇષ્ટલિંગને આંતરિક ચેતનાનું પ્રતીક માને છે.
લિંગાયત પરંપરામાં મૃત્યુ બાદ શરીરના અગ્નિસંસ્કાર નથી કરાતા, પરંતુ દફનાવવામાં આવે છે. મૃતદેહને બે પ્રકારે દફનાવવાની પરંપરા છે. પહેલી રીતમાં મૃતદેહને બેસાડીને અને બીજી રીતમાં મૃતદેહને સૂવડાવીને દફનાવાય છે. મૃતકને કેવી રીતે દફનાવવો એની પસંદગી મૃતકનો પરિવાર કરે છે. લિંગાયત પરંપરામાં મૃતદેહને સ્નાન કરાવીને બેસાડી દેવામાં આવે છે અને પછી મૃતદેહને કપડા કે લાકડીના આધારે બાંધી દેવામાં આવે છે. કોઇ વયોવૃદ્ધ લિંગાયતનું નિધન થાય તો તેના મૃતદેહને સજાવીને ખુરશી પર બેસાડવામાં આવે છે અને પછી ખભે ઊંચકવામાં આવે છે. આ પ્રક્રિયાને વિમાન બાંધવું કહે છે. ઘણાં સ્થળોએ લિંગાયત સમુદાયના અલગ કબ્રસ્તાન પણ હોય છે.
કર્ણાટકમાં લિંગાયત સમાજનો પ્રભાવ વધ્યો પછી તેનાં ધર્મસ્થાનો પણ ઊભાં થયાં. સિદ્ધગંગા મઠ તેમાંથી એક છે ને તેની સ્થાપના ૧૫મી સદીમાં થયેલી. થોન્તાડા સિદ્ધસિંગેશ્ર્વર આ મઠના પહેલા મઠાધિપતિ ગણાય છે પણ તેના સ્થાપક ગોસાલા સિદ્ધેશ્વર હતા. લિંગાયત સંપ્રદાયનો પ્રસાર કરવા તેમણે આ મઠની સ્થાપના કરેલી. સિદ્ધેશ્ર્વર લિંગાયત સંપ્રદાયમાં સર્વોચ્ચ મનાતી હરદનહલ્લીની નિરંજન જગદગુરૂ પરંપરામાં પંદરમા પીઠાચાર્ય હતા. સિદ્ધેશ્ર્વર પોતાના અનુગામીને ગાદી સોંપી અને પોતે ૧૦૧ અનુયાયીઓ સાથે શિવગંગા જતા રહ્યા. શિવગંગાથી એ કેતા સમુદ્ર તરીકે ઓળખાતા પર્વતની તળેટીમાં એ જઈને રહ્યા. પોતાના અનુયાયીઓ માટે તેમણે ૧૦૧ ગુફાઓ બનાવેલી કે જેથી એ લોકો શાંતિથી ભણી શકે ને ધ્યાન કરી શકે. તેમણે સિદ્ધગંગામાં મઠ સ્થાપ્યો. એવી લોકવાયકા છે કે, એક વાર એક વૃદ્ધ અનુયાયીને બહુ તરસ લાગી હતી પણ પાસે પાણી નહોતું. સિદ્ધેશ્વરે પાસે પડેલા ખડક પર મુક્કો માર્યો ને તેમાંથી પાણી ફૂટી નીકળ્યું. આ ખડકમાંથી નીકળેલા પવિત્ર પાણીને સિદ્ધગંગા નામ અપાયું ને તેના કારણે આ સ્થળનું નામ પણ સિદ્ધગંગા પડી ગયું. આજે પણ આ ખડકમાંથી પાણી નીકળે છે ને લોકો માને છે કે આ ચમત્કારી પાણી પીવાથી બધા રોગ દૂર થઈ જાય છે. સિદ્ધગંગા મઠ પછી ચાલ્યા કરતો ને લિંગાયત સંપ્રદાયની પરંપરાઓનું જતન કરતો. એ વખતે તેની પ્રવૃત્તિઓ બીજા મઠો જેવી જ હતી પણ ઓગણીસમી સદીમાં શ્રી અતવિશ્ર્વરા સ્વામીગાલુ મઠાધિપતિ બન્યા ને તેમણે આ મઠને સમાજ સુધારણાનું કેન્દ્ર બનાવ્યો. તેમણે આ મઠને શિક્ષણનું કેન્દ્ર બનાવવાની શરૂઆત કરી. સાથે સાથે ભૂખ્યાં લોકોને ભોજન મળે તે માટે અન્નક્ષેત્ર પણ શરૂ કર્યું. તેમના પછીના મઠાધિપતિઓએ આ પરંપરાને આગળ ધપાવી પણ ઓગણીસમી સદીમાં આવેલા શ્રી શ્રી ઉદ્દાલા શિવયોગીગાલુએ ક્રાંતિકારી પગલાં ભર્યાં. તેમણે આ મઠમાં આધુનિક શિક્ષણ આપવાની શરૂઆત કરી.
શ્રી શ્રી શ્રી શિવકુમાર તેમના પછી ૧૯૩૦માં મઠાધિપતિ બન્યા. તેમણે પોતાના ગુરુની ક્રાન્તિને આગળ જ ના ધપાવી પણ ગુરુ કરતાં સવાયા સાબિત થયા. તેમણે સિદ્ધગંગા મઠમાં એજ્યુકેશન સોસાયટી સ્થાપીને નવા જમાનાને અનુરૂપ શિક્ષણ આપવા માંડ્યું. ટુમકુર જિલ્લામાં આવેલો આ મઠ એક ગામ જેવડો મોટો છે. આ મઠમાં સાડા છ હજાર લોકો રહે છે. તેમાંથી મોટા ભાગના પુરૂષો છે. આ મઠની સાથે વિશાળ શૈક્ષણિક સંકુલ આવેલું છે ને આસપાસનાં ગામોમાંથી હજારો વિદ્યાર્થીઓ આ શિક્ષણ સંકુલમાં ભણવા આવે છે. આ વિદ્યાર્થીઓ ગરીબ પરિવારોનાં હોય છે. તેમની પાસેથી એક રૂપિયો ફી નથી લેવાતી. બલ્કે તેમને પુસ્તકોથી માંડીને બધી સગવડો મઠ આપે છે ને દિવસમાં ત્રણ વાર ખાવાનું આપે છે. આ સિવાય ગામમાં એક ગુરૂકુળ છે ને તેમાં સાડા આઠ હજાર વિદ્યાર્થીઓ રહે છે. કોઈ પણ ધર્મ, જ્ઞાતિ, કે સંપ્રદાયના ભેદભાવ વિના તમામ બાળકોને પ્રવેશ મળે છે ને મફત શિક્ષણ, ભોજન ને આશ્રય અપાય છે. ભારતમાં બીજા કોઈ ધર્મગુરૂ આટલું મોટું ગુરૂકુળ નથી ચલાવતા. તેમના શિક્ષણ સંકુલમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટેની કોલેજા તો ચાલે જ છે પણ એન્જિનિયરિંગ કોલેજ પણ ચાલે છે. જા કે શિવકુમારે પોતાની પ્રવૃત્તિ પોતાના મઠ પૂરતી મર્યાદિત ના રાખી. તેમણે સમગ્ર કર્ણાટકમાં પોતાની પ્રવૃત્તિઓને વિસ્તારી અને આજે આખા કર્ણાટકમાં સિદ્ધગંગા મઠનાં ૧૩૦ એજ્યુકેશન સંકુલ ચાલે છે. આ બધાં સંકુલ તોતિંગ છે ને બધે પહેલા ધોરણથી શરૂ કરીને એન્જિનિયરિંગ સુધીનું શિક્ષણ અપાય છે. તેના માટે કોઈ ફી નથી લેવાતી ને બધું માત્ર સેવાભાવનાથી ચાલે છે. શિવકુમારે પોતાના મઠમાં બીજી પણ પહેલ કરી અને મોટી ક્રાંતિ કરી નાખી. તેમણે ખેડૂતો આધુનિક ઢબે ખેતી કરતા થાય એ માટે તેમને ખેતીના પાઠ ભણાવવા માંડ્યા ને દર વર્ષે મઠમાં કૃષિ મેળો યોજે છે. આ કૃષિ મેળામાં ખેડૂતોને તાલીમ તો અપાય જ છે પણ નવા પ્રયોગ કરવા માટે તમામ પ્રકારની આર્થિક સહાય પણ અપાય છે. શિવકુમાર હિંદુ ધર્મની અસ્સલ ઋષિ પરંપરાના માણસ હતા ને તેમના નિધનથી બહુ મોટી ખોટ પડી છે. આપણા ધર્મગુરૂઓ બીજી બધી કડાકૂટ છોડીને તેમની પાસેથી પ્રેરણા લે તો આ દેશ બહુ સુધરી જાય. વરસો પહેલાં તેમને ભારતરત્ન આપવાની માંગ થયેલી પણ આપણે ત્યાં એવાર્ડ આપવામાં બહુ ઘાલમેલ થાય છે તેથી તેમને એ એવાર્ડ ના મળ્યો. મળ્યો હોત તો એવાર્ડનું ગૌરવ વધ્યું હોત.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY