હિન્દી પટ્ટાના એટલે કે ઉત્તર ભારતના ત્રણ રાજ્યો, દક્ષિણ ભારતનું એક રાજ્ય અને એક ઇશાન ભારતનું રાજ્ય. પાંચ રાજ્યોમાં ચૂંટણીના પરિણામો આવી ગયા અને હવે લોકસભા ૨૦૧૯માં શું થશે તેની ચર્ચા પણ શરૂ થઈ છે. કોની સામે પડકારો ઊભા થયા અને કેવા પ્રકારના તે પણ વિચારવામાં આવશે. જીતી જનારા સામે પણ પડકાર છે એ યાદ રાખવું પડે, હારી જનારા સામે તો હોવાના જ અને હારજીતથી પર એવા નાગરિકો અને સરકારી તંત્ર માટે પણ દરેક અનુભવ પછી પાઠ શીખવાનો પડકાર હોય છે.પાંચ રાજ્યોમાં પાંચ પડકાર કેવા અને કોની સામે તેની વાત કરીએ તો તેમાં સૌપ્રથમ ચૂંટણી પંચનું નામ લેવું પડે તેમ છે. આ વખતે ચૂંટણી પંચે જે રીતે કામગીરી બજાવીને છે તેના કારણે કેટલાક સવાલો અને શંકાઓ ઊભી થઈ છે. આગામી ચૂંટણી પહેલાં ચૂંટણી પંચે આ પડકારોનો સામનો કરવાનો છે.
(૧) ચૂંટણી પંચ સામે પડકાર
મતપત્રકથી ચૂંટણી થતી હતી ત્યારે આજે મતગણતરી શરૂ થઈ હોય તો બીજા દિવસે પરિણામો જાહેર થતા હતા. નવી પેઢીને તે દિવસો યાદ નહિ હોય, પણ પરિણામ માટે બીજા દિવસની રાહ જાવી પડે તેનો આ વખતની ચૂંટણીમાં થઈ ગયો. મધ્ય પ્રદેશની ચૂંટણીમાં ભાજપ હારી રહ્યું છે એવું લાગ્યું તે સાથે જ પરિણામો ધીમા થવા લાગ્યા હતા. જેમ જેમ ભાજપની હારનો આંક મોટો લાગતો ગયો અને બીજા રાજ્યોમાં પણ હાર દેખાવા લાગી તે સાથે ચૂંટણી પંચની મતોની ગણતરી મંદ થવા લાગી હતી.
આ કારણ કોઈને સમજાતું નથી અને તેના કોઈ ખુલાસા સોશ્યલ મીડિયામાં મેસેજ ફેલાવવા માટે જાણીતા ટીકાખોર લોકોને ગળે ઉતરવાના નથી. મધ્ય પ્રદેશની ચૂંટણીના પરિણામો મંગળવારની મધરાતે પણ સ્પષ્ટ થયા નહોતા. છેલ્લી એક બેઠકનું પરિણામ આખરે બીજા દિવસે બુધવારે નવેક વાગ્યે, મતગણતરી શરૂ થઈ તેના પચ્ચીસ કલાક પછી આવ્યું. એવું તો આ વખતે શું થયું કે આટલી ધીમી મતગણતરી થઈ તેનો ખુલાસો ચૂંટણી પંચે આપવો પડશે.
પાંચ રાજ્યોનો ચૂંટણી કાર્યક્રમ પણ લાંબો લાગ્યો હતો. રાજ્યોની ચૂંટણી વચ્ચેનો સમયગાળો વધારે લાગતો હતો. અગાઉ પણ વધારે સમયગાળો રહ્યો છે, પણ જેમ જેમ અનુભવ વધતો જાય, વાહન વ્યવહારની સુવિધા વધતી જાય તે સાથે મતદાન વચ્ચેનો સમયગાળો ઓછો થતો જાવો જાઈએ. અહીં થયું હતું એવું કે એક રાજ્યમાં મતદાન થઈ રહ્યું હોય ત્યારે બીજા રાજ્યમાં ચૂંટણી પ્રચાર ચાલતો હોય છે. ૪૮ કલાક પહેલાં પ્રચારના પડઘમ શાંત થઈ જાય તે માટેના નિયમો અર્થહિન બની ગયા છે.
(૨) ભાજપ અને એનડીએ સામે પડકાર
હિન્દી પટ્ટાના ત્રણ મહ¥વના રાજ્યોમાં સત્તા ગુમાવી તેથી સ્વાભાવિક છે કે ભાજપ સામે હવે પડકાર ઊભો થવાનો છે. નરેન્દ્ર મોદીની સભાઓ આ રાજ્યોમાં માત્ર ૩૧ થઈ, જ્યારે યોગી આદિત્યનાથની સભાઓ ૭૬ થઈ હતી. તેના બે અર્થ થાય છે. નરેન્દ્ર મોદીને ખ્યાલ આવી ગયો હતો કે આ રાજ્યમાં સભાઓ કરીને, ભાષણ કરીને લોકો મિજાજ બદલી શકાય તેમ નથી. બીજા અર્થ એ થાય છે કે યોગીને આગળ કરવાની સંઘની ઇચ્છા સામે ભાજપનું કંઈ ચાલ્યું નહિ હોય. યોગી-ટાઇપ રાજકારણને આગલ કરવાની ચાલ અત્યારે ચાલી નથી તો લોકસભામાં કેવી રીતે ચાલશે તે પડકાર ભાજપ સામે છે. મોદીની લોકપ્રિયતાનો લાભ પણ મળ્યો નથી તે પડકાર પણ ખરો.
આ ચૂંટણીઓમાં ભાજપને ત્રણ રાજ્યોમાં કોઈ નવા સાથીની જરૂર નહોતી, પણ બાકીના બે રાજ્યોમાં જાડાણની જરૂર હતી. પણ કોઈ નવો પ્રાદેશિક પક્ષ સાથે તરીકે ભાજપને મળ્યો નથી. ઉલટાનો એક સાથે નાયડુ હાલના સમયમાં ગુમાવ્યો છે અને બીજા બિહારના નાનો સાથી કુશવાહાના સ્વરૂપમાં પણ ગુમાવ્યો છે. તેલંગાણામાં ટીઆરએસ અને મિઝોરમમાં એમએનએફ ખાનગીમાં ભાજપ સાથે દોસ્તી ધરાવે છે. આ ખાનગી દોસ્તી ત્રણ મહિના પછી જાહેર કરવાની આવશે ત્યારે હાલના પ્રચારમાં એકબીજાની કરેલી ટીકા નડતરરૂપ થશે.
(૩) કોંગ્રેસ માટે પડકાર
ત્રણ રાજ્યોમાં જીતી ગયા પછી કોંગ્રેસ માટે ઉલટાનો પડકાર ઊભો થયો છે. આ ત્રણ રાજ્યોમાં અન્ય પક્ષો સાથે કોઈ સમજૂતિ કોંગ્રેસ કરી શક્્યો નહોતો. કદાચ પોતાની તાકાત માપી લેવાની ગણતરી હતી, તેથી સમજૂતિ કરી નહોતી. પણ હવે તાકાત મપાઇ ગઈ છે અને સાચું વિશ્લેષણ કરે તો ખ્યાલ આવશે કે માંડ માંડ જીતવા મળ્યું છે. મધ્ય પ્રદેશમાં ૦.૧ ટકા મત ભાજપના વધારે છે, રાજસ્થાનમાં ફક્ત ૦.૫ ટકા મતો ભાજપ કરતાં વધારે મળ્યા છે. લોકસભાની બેઠકો જીતવા માટે આટલી મતોની ટકાવારી પૂરતી નથી.
મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કોને મુખ્ય પ્રધાન બનાવવા કે માંડ માંડ કાબૂમાં લીધેલી જૂથબંધી ફરી વકરે નહીં તે પણ કોંગ્રેસ માટે પડકાર છે. પાઇલટ કે ગેહલોત, સિંઘિયા કે કમલ નાથ – બેમાંથી એક જૂથને નારાજ કરીને નેતાની પસંદગી થશે તે પછી તે જૂથ લોકસભામાં કેવી રીતે પક્ષ માટે કામ કરશે તે પડકાર રહેવાનો છે. છત્તીસગઢમાં ભાજપ કરતાં ૧૧ ટકા મતો વધારે મળ્યા છે, પણ જાગી અને માયાવતીનો પક્ષ પણ ૧૧ ટકા મતો લઈ ગયો છે. તેમની સાથે ચૂંટણી પછી જાડાણ થયું નથી, તેથી લોકસભા વખતે શું થશે તે વિચારવાનું બાકી રહે છે.
(૪) પ્રાદેશિક પક્ષો સામે પડકાર
તેલંગાણામાં એક પ્રાદેશિક પક્ષ ટીઆરએસને જબરદસ્ત વિજય મળ્યો છે. સામે કોંગ્રેસ અને ટીડીપીનું ગઠબંધન હોવા છતાં વધારે મતો અને બેઠકો ચંદ્રશેખર રાવને મળ્યા છે. પરંતુ હવે રાષ્ટ્રીય રાજકારણમાં કેસીઆરે ક્યાં જવું તે પડકાર છે. ખાનગી સમજૂતિ ભાજપ સાથે હોવા છતાં અને મુસ્લિમોના મતો લેવાના હોવાથી ભાજપની ભરપુર ટીકા કરી હતી. હવે ભાજપ સાથે પણ ખુલ્લું ગઠબંધન ત્રણ જ મહિના પછી કરવું ચંદ્રેશખર માટે પડકાર રહેશે.
કોંગ્રેસ સાથે જાડાવાથી કોઈ ફાયદો ચંદ્રબાબુ નાયડુને થયો નથી. હવે તેમણે પોતાના રાજ્ય આંધ્રમાં પણ જાડાણ કરવું પડશે. ફાયદો થવાના બદલે નુકસાન થાય તો રાષ્ટ્રીય ભૂમિકાની વાત બાજુએ રહી, નાયડુએ રાજ્યમાં પણ પોતાની સત્તા ગુમાવવી પડે. તેથી ભાજપ કે કોંગ્રેસ કોઈ પણ રાષ્ટ્રીય પક્ષ સાથે જાડાણ કરતી વખતે પોતાની સ્થિતિ કેવી રીતે બચાવી રાખવી તે પ્રાદેશિક પક્ષો માટે પડકાર રહેશે.
(૫) નાગરિકો સામે પડકાર
પાંચ રાજ્યોમાંથી ચાર રાજ્યોમાં નાગરિકોએ સત્તા પરિવર્તન કર્યું, પણ તેના કારણે સ્થિતિમાં કેટલો ફરક પડશે તે સવાલ ઊભો છે. તેલંગાણામાં લોકપ્રિયતા ખાતર કલ્યાણ યોજનાઓ શરૂ કરાઇ હતી. ચૂંટણી પહેલાંના છેલ્લા બે વર્ષમાં તે યોજનાઓ થઈ હતી. તેને હવે પાંચ વર્ષ ચલાવવી પડશે અને નવા વચનો પણ પાળવા પડશે. ૮૦,૦૦૦ કરોડ રૂપિયાની સૌથી જંગી ખર્ચવાળી સિંચાઈ યોજના શરૂ થઈ છે તે સરકારી તીજારીને ભારે પડવાની છે. લાંબા ગાળે આર્થિક રીતે તંદુરસ્ત ના ગણાય તેવી યોજનાઓથી રાજ્યનું બજેટ વીંખાયેલું રહેશે તો રાજ્યનો વિકાસ કેવી રીતે થશે?
મિઝોરમ જેવા રાજ્યમાં સત્તા પરિવર્તનથી રાતોરાત ફરક પડવાનો નથી. કેન્દ્રની સરકાર સાથે દોસ્તી જરૂરી છે. સત્તામાં આવેલા પક્ષ એમએનએફને ભાજપ સાથે દોસ્તી છે, પણ છ મહિના પછી સરકાર બદલાઈ ગઈ તો?
ત્રણ હિન્દીપટ્ટાના રાજ્યોમાં પણ નવી સરકારે વચન આપ્યા પ્રમાણે ખેડૂતોના દેવા માફ કરવા પડશે. તેના કારણે સરકારી તીજારી પર બોજ પડસે અને ખોટો ધારો પડશે. થોડા વર્ષોમાં ખેડૂતોને ખ્યાલ આવશે કે દેવા માફીથી ઉદ્ધાર થતો નથી.રાજસ્થાનના નાગરિકો દર પાંચ વર્ષે સરકાર બદલી નાખે છે તેથી વિકાસના કાર્યો માટે નેતાઓમાં હરિફાઇ રહેશે તેમ લાગતું હતું. પણ કેટલાક જાણકારો કહે છે કે થયું છે ઉલટું. પાંચ વર્ષ કામ કરીએ કે ના કરીએ, પ્રજા સત્તા પાછી જ લઈ લેવાની છે તેવી ઉદાસીનતા નેતાઓમાં આવી ગઈ છે. પરિવર્તન ના કરે તો પણ સમસ્યા અને પરિવર્તન કરે તો પણ પ્રજા માટે સમસ્યા. તો હવે નાગરિકોએ શું કરવું તે પડકાર છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



