પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોઃ ભાજપને આંચકો આપ્યો ને કાંગ્રેસને ઑક્સિજન

0
21

મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમ એ પાંચેય રાજ્યોની ચૂંટણીનાં પરિણામો આવી ગયાં ને ભાજપના નેતાઓની હાલત કોઠીમાં મોં ઘાલીને રડવું પડે એવી થઈ ગઈ છે. આ પાંચમાંથી ત્રણ રાજ્યો મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની સરકારો હતી. રાજસ્થાન સિવાયનાં બાકીનાં બે રાજ્યોમાં તો ભાજપ છેલ્લા પંદર વરસથી જામેલો હતો છતાં ત્રણેય રાજ્યોમાં ભાજપનું રામ બોલો ભાઈ રામ થઈ ગયું.
આ ચૂંટણીમાં કાંગ્રેસને પણ ફટકો પડ્યો છે પણ સામે કાંગ્રેસને ફાયદો મોટો બહુ મળ્યો છે. મિઝોરમમાં કાંગ્રેસ છેલ્લાં ૧૦ વરસથી જામેલી હતી ને લાલ થાનવાલા સળંગ ત્રીજી ટર્મ માટે જીતીને હેટ્રિક કરવા થનગની રહ્યા હતા. મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટની જીતે તેમના થનગનાટને પૂરો કરી દીધો. કાંગ્રેસને તેલંગણામાં પણ મોટો ફટકો પડ્યો. તેલંગણામાં તેલંગણા રાષ્ટ્રીય સમિતિ (ટીઆરએસ)ના ચંદ્રશેખર રાવે વહેલી ચૂંટણી કરાવવાનો મોટો દાવ ખેલ્યો હતો. તેલંગણામાં ભાજપ ઘૂસ મારવા મથે છે પણ તેનો મેળ નહીં પડે એ નક્કી હતું પણ કાંગ્રેસમાં આશાવાદ હતો જ. કાંગ્રેસે ભાજપ તથા ચંદ્રશેખર રાવને ધોબીપછાડ આપવા જૂના દુશ્મન ચંદ્રાબાબુ નાયડુ સાથે હાથ મિલાવ્યા હતા ને છતાં કાંગ્રેસ ફાવી નથી. કાંગ્રેસ માટે એ રીતે મિઝોરમ ને તેલંગણાનાં પરિણામો નિરાશાજનક ચોક્કસ છે પણ સામે તેણે ભાજપને ત્રણ રાજ્યોમાં સીધી હાર આપી છે ને ત્રણ રાજ્યો કબજે કર્યાં છે એ ફાયદો બહુ મોટો છે. આ પૈકી રાજસ્થાન ને મધ્ય પ્રદેશમાં કાંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી નથી પણ તેનાથી શો ફરક પડે ? ત્રણેય રાજ્યોમાં કાંગ્રેસની સરકાર રચાશે એ નક્કી થઈ ગયું છે ને રાજકારણમાં તો જા જીતા વો હી સિંકદર ને હારા વો બંદર.
કાંગ્રેસ માટે ખરેખર તો વકરો એટલો નફો જેવી હાલત છે ત્યારે ભાજપે તો મુદ્દલ પણ ખોયું છે. ભાજપે એક સાથે ત્રણ રાજ્યો ગુમાવ્યાં છે ને વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપની અત્યાર લગીની આ સૌથી મોટી હાર છે તેમાં શંકા નથી. આ પહેલાં ભાજપે ૧૯૯૩માં આ રીતે ત્રણ રાજ્યો ગુમાવેલાં. ૬ ડિસેમ્બર, ૧૯૯૨ના રોજ બાબરી મસ્જિદ તૂટી એ વખતે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન ને હિમાચલ પ્રદેશ એમ ચાર રાજ્યોમાં ભાજપની સરકારો હતી. બાબરી મસ્જિદ તૂટી તેમાં ઉત્તર પ્રદેશની કલ્યાણસિંહ સરકારનો વાંક હતો પણ એ વખતની નરસિંહરાવ સરકારે મુસ્લિમોને રાજી કરવા ભાજપની મધ્ય પ્રદેશ, રાજસ્થાન ને હિમાચલ પ્રદેશ સહિતની ચારેય સરકારોને ઘરભેગી કરી દીધેલી. એ પછી ૧૯૯૩માં આ ચારેય રાજ્યોમાં ચૂંટણી થઈ ત્યારે ભાજપ રાજસ્થાન સિવાયનાં બાકીનાં ત્રણેય રાજ્યોમાં ધબોનારાયણ થઈ ગયેલો.
ભૈરોસિંહ શેખાવતે ભાજપની આબરૂ સાચવેલી. શેખાવત ભાજપને સ્પષ્ટ બહુમતી નહોતા અપાવી શક્યા પણ અપક્ષોના ટેકાથી સરકાર બનાવેલી ને પાંચ વર્ષ ખેંચી પણ કાઢેલાં. ભાજપનાં એ પછી વળતાં પાણી થયેલાં ને ઘણાં રાજ્યોમાં તેની હાર થઈ પણ આવી કારમી હાર નહોતી મળી. તેમાં પણ નરેન્દ્ર મોદી યુગનો ઉદય પછી તો ભાજપ સામે કાંગ્રેસ સાવ પતી ગયેલી. કાંગ્રેસે મોદીના શાસનમાં ભાજપ સામે સીધી લડત હોય એવા કોઈ રાજ્યમાં સત્તા કબજે નથી કરી. પંજાબ ને કર્ણાટકમાં કાંગ્રેસ સરકાર રચી પણ બંને ઠેકાણે કાંગ્રેસે ભાજપને સીધી હાર નહોતી આપી. પંજાબમાં ભાજપનો સાથી અકાલી દળ હારેલો ને કર્ણાટકમાં તો કાંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરવા છતાં કુમારસ્વામીને ગાદી આપવી પડી. આ વખતે પહેલી વાર એવું બન્યું કે, ભાજપે સીધી લડાઈમાં કાંગ્રેસને સ્પષ્ટ હાર આપી. અત્યાર લગી મોદી અજેય ગણાતા હતા પણ હવે મોદી પણ હારી શકે છે એવા દાડા પણ ભાજપે જાઈ લીધા.
કાંગ્રેસ માટે આ મોટી જીત છે ને ખરેખર તો ભારતના રાજકારણમાં આ બહુ મોટો ટ‹નગ પોઈન્ટ છે. આ ત્રણ રાજ્યોની જીત સાથે લોકસભાની ૨૦૧૪ની ચૂંટણીથી શરૂ થયેલો કાંગ્રેસનો પનોતીકાળ પતી ગયો છે ને ભાજપ માટે ૨૦૧૯ની ચૂંટણીમાં કઈ રીતે સત્તા બચાવવી એ સવાલ ઊભો થઈ ગયો છે. કાંગ્રેસ માટે સૌથી મોટી જીત એ છે કે, તેના પ્રમુખ રાહુલ ગાંધીએ પોતાનો સિક્કો જમાવી દીધો છે. ભાજપ રાહુલને પપ્પુ કહીને મજાક ઉડાવ્યા કરતો ને લોકો પણ એવું માનતાં કે, રાહુલ છે ત્યાં લગી કાંગ્રેસના દાડા નહીં વળે. આ ત્રણ રાજ્યોનાં પરિણામોએ રાહુલ ગાંધીના નેતૃત્વને સ્થાપિત કર્યું છે. રાહુલના નેતૃત્વમાં પહેલાં પંજાબ, પછી કર્ણાટક ને હવે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં જીત મેળવીને કાંગ્રેસે છાકો પાડી દીધો છે. રાહુલ ગાંધી કાંગ્રેસ પ્રમુખ બન્યા એ પછી એક જ વર્ષમાં કાંગ્રેસ પાછી બેઠી થઈ ગઈ છે ને ભાજપ લથડાવા માંડી છે એ આ પરિણામોનો સંકેત છે.
લોકસભાની ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપ માટે રાહ સરળ નહીં હોય તેનો સ્પષ્ટ સંકેત આ પરિણામોએ આપ્યો છે. બલકે ભાજપને સત્તા ટકાવવાનાં પણ ફાંફાં પડી જશે એવું લાગે છે. ભાજપનો ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં જયજયકાર થયો
આભાર – નિહારીકા રવિયા તેનું કારણ ૧૫ રાજ્યો હતાં. ઉત્તર પ્રદેશ (૮૦), મહારાષ્ટ્ર (૪૮), બિહાર (૪૦), મધ્ય પ્રદેશ (૨૯), કર્ણાટક (૨૮), ગુજરાત (૨૬), રાજસ્થાન (૨૫), આસામ (૧૪), ઝારખંડ (૧૪), છત્તીસગઢ (૧૧), હરિયાણા ( ૧૦), દિલ્હી (૭), ઉત્તરાખંડ (૫), હિમાચલ પ્રદેશ (૪) અને જમ્મુ અને કાશ્મીર (૬)માં ભાજપે વિરોધીઓનાં સૂપડાં સાફ કરી નાંખેલાં. આ ૧૫ રાજ્યોની લોકસભા બેઠકોની કુલ સંખ્યા ૩૪૭ છે. ભાજપે તેમાંથી પોતે એકલા હાથે ૨૬૬ બેઠકો જીતી હતી. ભાજપ બીજું કશું ના કરે ને આ રાજ્યોમાં પોતાનો પ્રભાવ જાળવી રાખે તો તેની સત્તા જળવાય કેમ કે આ પૈકીનાં મોટા ભાગનાં રાજ્યો એવાં છે કે જ્યાં ભાજપનો કાંગ્રેસ સાથે સીધો મુકાબલો છે.
મધ્ય પ્રદેશ, રાજસ્થાન ને છત્તીસગઢ એ ત્રણ રાજ્યોનાં પરિણામો પછી ભાજપ માટે આ કામ મુશ્કેલ બન્યું છે. આ પહેલાં ગુજરાતમાં પણ ભાજપનું ભારે ધોવાણ થયેલું. આ ચાર રાજ્યોની કુલ બેઠકોની સંખ્યા ૯૧ છે. ભાજપે ૨૦૧૪માં આ ૯૧ બેઠકોમાંથી ૮૭ બેઠકો જીતેલી ને માત્ર ૪ બેઠકો હાર્યો હતો. આ પૈકી ૨ બેઠકો મધ્ય પ્રદેશ ને છત્તીસગઢમાં ૨ બેઠકો ગુમાવેલી. રાજસ્થાન ને ગુજરાતમાં તો ભાજપે સપાટો બોલાવીને બધી ૫૧ બેઠકો જીતેલી. અત્યારે જે સ્થિતિ છે તેમાં ભાજપ ૮૭ની અડધી બેઠકો જીતે તો પણ ભયો ભયો એવી હાલત છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન ને છત્તીસગઢ એ ત્રણ રાજ્યોમાં કાંગ્રેસની સરકાર રચાય ને કાંગ્રેસ સત્તામાં આવતાં વેંત જ ખેડૂતોનાં દેવાં માફ કરવા સહિતનાં જે પણ વચનો આપ્યાં છે એ ધડાધડ પૂરાં કરવા માંડે તો કાંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં છવાઈ જાય. આપણે વધારે ના ગણીએ ને અડધોઅડધ બેઠકો પર પણ જીતે તો પણ ભાજપને ૪૫ બેઠકોનો ફટકો પડી જાય.
મધ્ય પ્રદેશ, રાજસ્થાન ને છત્તીસગઢ એ ત્રણ રાજ્યોનાં પરિણામ પછી બનેલી બીજી ઘટનાઓ પણ ભાજપ માટે ચિંતાજનક છે. મધ્ય પ્રદેશમાં કાંગ્રેસને સ્પષ્ટ બહુમતી ના મળી ને તેનો પનો બે બેઠકો માટે ટૂંકો પડયો. ભાજપ તડજાડના રાજકારણમાં હોંશિયાર છે તેથી મધ્ય પ્રદેશમાં ખેલ પાડીને સત્તા કબજે કરી લેશે એવું મનાતું હતું પણ અખિલેશ યાદવ ને માયાવતીએ એવી તક જ ના આપી. આ ચૂંટણીમાં બસપાને ૨ ને સપાને ૧ મળી ૩ બેઠકો મળી હતી. અખિલેશે તો પરિણામના દિવસે જ જાહેર કરી દીધેલું કે, પોતે કાંગ્રેસને ટેકો આપશે. માયાવતીને પણ સદ્બુદ્ધિ સૂઝી ને તેમણે પણ બીજા દિવસે જાહેર કરી જ દીધું કે, ભાજપને સત્તાથી દૂર રાખવા પોતે કાંગ્રેસને ટેકો આપશે. આ જાહેરાતે ભાજપની મધ્ય પ્રદેશમાં સરકાર રચવાની આશા પર તો પાણી ફેરવી જ દીધું, પણ લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપને ફીણ આવી જાય તેવો તખ્તો તૈયાર કરી દીધો છે. ઉત્તર પ્રદેશ દેશનું સૌથી મોટું રાજ્ય છે અને અહીં લોકસભાની ૮૦ બેઠકો છે. ભાજપે ૨૦૧૪માં સાથી પક્ષો સાથે મળીને ઉત્તર પ્રદેશમાં ૭૩ બેઠકો જીતેલી. મતલબ કે ભાજપે જીતેલી બેઠકોમાંથી ૨૫ ટકા કરતાં વધારે બેઠકો ઉત્તર પ્રદેશમાંથી મળેલી. બિહારમાં લોકસભાની ૪૦ બેઠકો છે ને ૨૦૧૪માં ભાજપે અહીં સાથી પક્ષો સાથે મળીને ૩૨ બેઠકો જીતેલી. આમ ભાજપે આ બંને રાજ્યોની ૧૨૦ બેઠકોમાંથી ૧૦૫ બેઠકો જીતેલી ને માત્ર ૧૫ બેઠકો બીજા પક્ષોને મળેલી. ૯૦ ટકા બેઠકો ભાજપ ને સાથી પક્ષો જીતી ગયેલા. લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપ સરકાર એવું કશુંક કરે કે લોકો તેના પર ઓળઘોળ થઈને તેને ફરી મત આપે તો તે ફરી સત્તામાં આવી શકે. ૧૯૯૮માં વાજપેયીએ એ કરેલું, મોદી પણ એ કરી શકે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY