ભુજ:ભુજઃ કચ્છના સરકારી તંત્રોએ માંડવીના ગઢશીશા ખાતે કાર્યવાહી કરીને ‘સાટા પધ્ધતિ’થી સગીર વયના પુત્ર-પુત્રીના અબડાસાના હરિપરના સોઢા પરિવારના પુત્ર-પુત્રી સાથે થનારાં બાળલગ્ન રોકાવી 4 બાળકોના અંધકારમય થતાં ભાવિને અટકાવ્યું છે.
જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ સમાજ સુરક્ષા અધિકારી એન.એસ.ચૌહાણ દ્વારા માધ્યમોને મોકલાયેલી પ્રેસનોટમાં જણાવાયું છે કે ગઢશીશા પોલીસને સાથે રાખીને સમગ્ર કાર્યવાહી હાથ ધરાઈ હતી.
તંત્રને બાતમી મળી હતી કે ગઢશીશાના ભટ્ટ પરિવારની બાર વર્ષની દીકરી અને સાડા સત્તર વર્ષના દીકરાના લગ્ન અબડાસાના હરીપરના સોઢા પરિવારના સગીર વયના સંતાનો સાથે નિરધાર્યાં છે. આજે સાંજે હરીપરથી ગઢશીશા જાન આવવાની હતી. જ્યારે, ગઢશીશાથી આવતીકાલે હરીપર જાન જવાની હતી. જંગે-એ-ગુજરાત સાથે વાત કરતાં ચૌહાણે જણાવ્યું કે, બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 અને જૂવેનાઈલ જસ્ટીસ એક્ટ 2015 અંતર્ગત કિશોરને ભુજના ચિલ્ડ્રન હોમમાં અને બાળકીને કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે મોકલી અપાઈ છે. બંને ભાઈ-બહેનને ચાર દિવસ સુધી અહીં જ રખાશે. બીજી તરફ, હરીપરમાં પણ નલિયા પોલીસને મોકલી આપી કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ છે. કાર્યવાહીમાં સ્થાનિક પોલીસ ઉપરાંત જિલ્લા બાળ સુરક્ષા અધિકારી પી.ટી.જાડેજા, સુરક્ષા અધિકારી રવિન્દ્રભાઈ પ્રજાપતિ, પ્રોબેશન ઑફિસર દિશા પંડ્યા, ચાઈલ્ડ લાઈનના પ્રતિનિધિ ભરતસિંહ જાડેજા વગેરે જોડાયાં હતા. ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે તંત્ર દ્વારા અગાઉ અંજારના ખેડોઈ, રાપરના ફતેહગઢ અને દેશલપરમાં બાળલગ્નો સંદર્ભે કાર્યવાહી કરાયેલી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






