બેંગ્લુરુ,તા.૬
કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામીએ શનિવારે એક નવો વિવાદ છેડ્યો છે. તેમણે એવો દાવો કર્યો હતો કે એક નિવૃત લશ્કરી અધિકારીએ તેમને ૨૦૧૭માં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મત મેળવવા માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે ‘સંઘર્ષની કથા’ ઘડશે અને લોકોને ગુમરાહ કરશે. તેમની આ ટિપ્પણી પર ભાજપ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે અને જણાવાયું છે કે મુખ્યમંત્રીએ અગાઉથી આ માહિતી નહીં આપીને રાજદ્રોહ કર્યો છે.
કુમારસ્વામીએ ચિકમંગલુરમાં એક ચૂંટણી સભાને સંબોધતા દાવો કર્યો હતો કે બે વર્ષ અગાઉ એક નિવૃત્ત લશ્કરી અધિકારીએ મને માહિતી આપી હતી કે મારી વાત લખી રાખજો કે લોકસભા ચૂંટણી અગાઉ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષની કથા ઘડાશે અને નરેન્દ્ર મોદી મત મેળવવા માટે ભારતની પ્રજાને ફરીથી ગુમરાહ કરશે.
તેમણે કહ્યું કે દેશની સુરક્ષાના નામે ભાજપ મત માગી રહ્યું છે પરંતુ પ્રશ્ન એ છે કે શું છેલ્લા ૭૦ વર્ષમાં દેશની સુરક્ષા કરવામાં આવી નથી. પ્રજાએ ભાજપ પર વિશ્વાસ કરવો જાઇે નહીં. હું તમને પૂછું છું કે જ્યારે એક કન્નડિગા (તેમના પિતા એચ ડી દેવેગૌડા) વડાપ્રધાન હતા ત્યારે શું કોઈ બોમ્બ વિસ્ફોટ થયો હતો. શું તે દરમિયાન કોઇ જવાન શહીદ થયો હતો.
કુમારસ્વામીના કથન પર ભાજપ પ્રવક્તા જી. મધુસુદને કહ્યું કે આ જાણકારી હોવા છતાં મુખ્યમંત્રીએ પુલવામા હુમલાની સરકારને જાણ નહીં કરીને રાજદ્રોહ કર્યો છે. તેમની પાસે જા અગાઉથી માહિતી હતી તો તેમણે શા માટે સરકારને ન જણાવ્યું. આ રાજદ્રોહ છે. શું દેશની સુરક્ષા માત્ર સૈનિકોની જ જવાબદારી છે… નેતાઓની નહીં..
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




