ડિજીવીસીએલ મા છેલ્લા કેટલા સમયથી લાઈન સ્ટાફના કર્મચારીઓના અકસ્માતના બનાવ વધ્યા છે. તે ખુબ જ દુઃખદ ઘટના છે. અને તેવા અકસ્માતના કિસ્સામાં ભોગ બનનાર કર્મચારી જીવિત હોય તો તેને જવાબદાર બનાવવાનો અને ભોગ બનનાર અવસાન પામે તો જોડેના કર્મચારીઓને જવાબદાર બનાવવાના મેનેજમેન્ટની આવી પ્રવૃતિ નિંદનીય છે. હું તેની નિંદા કરું છું. અને બધા જ લાઈન સ્ટાફ કર્મચારીઓ તેની નિંદા કરશે.

લાઈન સ્ટાફે ફરજીયાત સલામતીના સાધનોનો ઉપયોગ કરવો જોઇએ. અને સુપરવિઝન સ્ટાફે સલામતીના સાધનો ઉપયોગ કરાવવા જોઈએ. તેવું મારું સ્પષ્ટ માનવું છે .
પરંતુ ડિજીવીસીએલ મેનેજમેન્ટ પાસે છેલ્લાં કેટલાં સમયથી સારી ક્વોલિટીના સ્મૂધ એચ.ટી ગ્લોઝ, પોલ ઉપર પહેરી ચઢી શકાય તેવા શેફટી શૂઝ , ઇલેક્ટ્રોનિક સેન્સર ટેસ્ટર, દરેક સબ ડિવિજનમાં સીડી વાળું વાહન, નવા જમાના પ્રમાણે હાઇડ્રોલિક ટ્રોલી વિગેરે ઘણી માંગણીઓ વખતો વખત આપણે યુનિયનના લેટરપેડ ઉપર કરી છે. પરંતુ આજદિન સુધી મેનેજમેન્ટ દ્વારા એકપણ માંગણી માની નથી. કોઈ સાધનો ઉપલબ્ધ કરાવ્યા નથી. મેનેજમેન્ટ પોતે સાધનો અને વાહનોની સુવિધા આપવામાં નિષ્ફળ ગયું છે.કેટલાય સબ ડિવિજનમાં સ્ટાફની અછત છે. જેને કારણે વધારાનો કાર્યબોજ વહન કરવો પડે છે. ઓવર ટાઈમ આપવામાં આવતો નથી. વાહનોના પેટ્રોલના પૈસા આપવામાં આવતા નથી. ટી.એ.બિલ સમયસર આપવામાં આવતા નથી. બીજી સુવિધાઓ આપવામાં આવતી નથી.અને ઉપરથી લાઈન સ્ટાફ પોતે અકસ્માતનો ભોગ બને છે. ત્યારે જે સ્ટાફ જીવિત રહે તો તેને જ જવાબદાર ઠેરવી સજા કરવાની. અને અવસાન પામે તો જોડેના સાથી કર્મચારીઓને જવાબદાર ઠેરવી સજા કરવાની મેનેજમેન્ટની વૃત્તિ છે અને આજકાલ તો મેનેજમેન્ટ છેલ્લી કક્ષાનું બની કર્મચારીઓને કુદરતી ન્યાય સિદ્ધાંતો મુજબ કોઈ બચાવની તક પણ આપતું નથી. અને પોતે પગલાં લીધા તેમ ઉપર બતાવવા કર્મચારીઓને નિર્દોષ હોવા છતાં સીધા સસ્પેન્ડ જ કરી દેવામાં આવે છે. જે ખૂબ જ નિંદનીય છે.
હું એક ટેક્નિકલ કર્મચારી છુ. અને લીડર છુ. સાચા ખોટાની મને પુરી સમજ છે. ભોગ બનનારની પુરી લાગણી છે . સલામતીના સાધનો અને નિયમો જાળવવા અને ઉપયોગ કરવા આપણી ફરજ છે.પરંતુ આમ ટેક્નિકલ કર્મચારીઓને સીધા જવાબદાર ગણી લઇ સસ્પેન્ડ કરવા તેનો હું સખત વિરોધ કરું છું. મેનેજમેન્ટના આવા આકરા પગલાંની નિંદા કરું છું.અને મેનેજમેન્ટને કંપનીના અને સલામતીના તેમજ ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એકટના નિયમ મુજબ સાધનો , વાહનો સુવિધા અને જીએસઓ 4 મુજબ પૂરતો સ્ટાફ ફાળવવા વિનંતી કરું છું. જ્યા સુધી મેનેજમેન્ટ પોતાની ફરજ પૂર્ણ ન કરે ત્યાં સુધી કર્મચારીઓને જવાબદાર બનાવવાનું બંધ કરે.નહીં તો લાઈન સ્ટાફ આંદોલન કરશે….
સંઘે શક્તિ કલયુગે,
લાઈન સ્ટાફ એકતા જીંદાબાદ,
કર્મચારી એકતા જીંદાબાદ,
ચિરાગ શાહ,મહામંત્રી,એજીવીકેએસ,ડિજીવીસીએલ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





