સ્ટેચ્યુ ઓફ યુનિટીને એક આઇકોનિક સાઈટ તરીકે વિકસાવી વિશ્વકક્ષાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રવાસન સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે: કેન્દ્રીય પ્રવાસન રાજ્ય મંત્રી
રાજપીપળા : કેન્દ્રીય પ્રવાસન રાજ્ય મંત્રી કે.જે.આલ્ફોન્સની અધ્યક્ષતામાં કેવડીયા ખાતે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ની મુલાકાત લેવા માટે દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષવા અને સરદાર સરોવરને ‘બેસ્ટ ટુરિસ્ટ ડેસ્ટીનેશન’ તરીકે વિકસાવવા સંદર્ભે રાષ્ટ્રીય પ્રવાસન સલાહકાર પરિષદના સભ્યો અને સ્ટેક હોલ્ડર્સ સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં ગુજરાત પ્રવાસન અને કેન્દ્રીય પ્રવાસન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તેમજ પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલા સ્ટેક હોલ્ડર્સ સાથે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પરિસર ગ્લોબલ ટુરિસ્ટ પ્લેસ તરીકે લોકપ્રિય બને તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
બેઠકમાં મંત્રી કે.જે.આલ્ફોન્સએ જણાવ્યું હતું કે, સરદાર સાહેબની વિરાટ પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ગુજરાતની વિશ્વના પર્યટન માટે એક અણમોલ નજરાણું છે. સરદાર સરોવર પાસે નવનિર્મિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ટૂંક સમયમાં જ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે, ત્યારે કેવડીયામાં વાર્ષિક ૫૦ લાખ પ્રવાસીઓ મુલાકાત લે તેવો લક્ષ્યાંક રાજ્ય અને કેન્દ્ર સરકારે સેવ્યો છે. જેને પૂર્ણ કરવા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને આગામી સમયમાં એક આઇકોનિક સાઈટ તરીકે વિકસાવી વિશ્વકક્ષાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રવાસન સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે.’
‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ના કારણે ગુજરાત અને દેશને એક નવી ઓળખ મળી છે એમ જણાવી આલ્ફોન્સે ટુરિઝમ સ્ટેક હોલ્ડર્સ અને રાષ્ટ્રીય પ્રવાસન સલાહકાર પરિષદના સભ્યોને આ સ્થળને વિકસાવવા માટે રચનાત્મક સૂચનોને આવકાર્યા હતા. તેમણે સ્ટેચ્યુ અને સરદાર સરોવરનો એરિયલ વ્યુ નિહાળવા માટે શરૂ કરવામાં આવેલી હેલિકોપ્ટર સેવા જેવા અવનવા પ્રકલ્પો આવનારા દિવસોમાં પ્રવાસીઓને ભેટ ધરવામાં આવશે એમ ઉમેર્યું હતું.
ગુજરાત ટુરિઝમના સચિવ અને નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ એસ.જે. હૈદરે સ્વાગત પ્રવચન કરતાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસન ક્ષેત્રમાં બહેતર વિકાસ માટેના રાજ્ય સરકારના એજન્ડા વિષે તલસ્પર્શી જાણકારી આપી હતી.
આ વેળાએ મંત્રીએ ઈ-બાઈકની સવારી કરી આનંદ સહ જાતઅનુભવ કરી પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો હતો.

આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી એડમિનિસ્ટ્રેટર અને જિલ્લા કલેકટર આઈ.કે. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડો.જિન્સી વિલિયમ્સ ગુજરાત ટુરિઝમના એમ.ડી. જેનુ દેવન, આઈ.ટી.ડી.સી.ના સી.એમ.ડી. શ્રીમતી રવનિત કૌર, ટુરિઝમ વિભાગના કેન્દ્રીય જોઈન્ટ સેક્રેટરી સુમન બિરલા, ટુરિઝમ સચિવ રશ્મિ વર્મા, ટુરિઝમ વિભાગ ડિરેક્ટર જનરલ સત્યજીત રાજન, રેલ્વે, કેન્દ્ર અને રાજ્યના પ્રવાસન વિભાગ, વાહનવ્યવહાર, પુરાતત્વ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ટુરિઝમ સ્ટેક હોલ્ડર્સ ઉપસ્થિત રહ્યા હતા.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




