ખર્ચ સબંધી સતત મોનીટરીંગ અને ચૂસ્ત અમલવારી થશે
ભરૂચઃ(શુક્રવાર):- આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૧૯ અન્વયે ભરૂચ જિલ્લામાં ખર્ચ ઓબ્ઝર્વર તરીકે જોઇન્ટ કમિશનર ઓફ જી.એસ.ટી. બેંગલુરૂ પેરી વલ્લલ ટી. ની નિમણૂંક થતાં આજરોજ કલેક્ટર કચેરી ભરૂચના સભાખંડમાં તેઓના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરા, ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા આગ્રે, નર્મદા જિલ્લા વિકાસ અધિકારી ડૉ. વિલિયમ્સ તથા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડી.એમ.ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી જોઇન્ટ કમિશનર ઓફ જી.એસ.ટી. બેંગલુરૂ પેરી વલ્લલ ટી. એ કહ્યું હતું કે, ભારતના ચૂંટણીપંચ ધ્વારા આગામી લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૧૯ માં ચૂંટણીલક્ષી ફરિયાદનો ઝડપથી નિકાલ કરવા સૂચના મળેલ છે. ખર્ચ સબંધિ સતત મોનીટરીંગ અને ચૂસ્ત અમલવારી થશે. ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારો ધ્વારા થનાર ખર્ચનું મોનીટરીંગ થશે. ઉમેદવારોએ ખર્ચ માટે બેંકમાં અલાયદુ ખાતું ખોલાવવાનું રહેશે. જેમાં તેમનો ચૂંટણી ખર્ચ બતાવી શકાશે. વધુમાં વધુ ૭૦ લાખ સુધીની મર્યાદામાં ઉમેદવાર ચૂંટણી ખર્ચ કરી શકાશે. વધુમાં કોઇ પણ વ્યક્તિ, ઉમેદવાર રૂા.૫૦ હજારથી વધુ રોકડ રકમ સાથે લઇ જતાં હશે અને તે બાબતે સંતોષકારક ખુલાશો નહી કરે તો સીઝ કરાશે અને કોઇ પણ સ્થળે રૂા.૧૦ લાખથી વધુ રોક્ડ રકમ પકડાશે તો ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટ કાર્યવાહી કરશે. તેમણે પોતાનો મોબાઇલ નં.૭૪૩૩૦૭૧૭૩૧ પર ખર્ચ સબંધિ કોઇ પણ પ્રશ્ન હોય તો સંપર્ક કરવા જણાવ્યું હતું.
જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરાએ જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ થાય અને મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર સજ્જ હોવાનું જણાવી કહ્યું હતું કે, ભરૂચ જિલ્લામાં ખર્ચ ઓબ્ઝર્વર તરીકે પેરી વલ્લલ ટી.(I.R.S.) ની જોઇન્ટ કમિશનર ઓફ જી.એસ.ટી.ની નિમણૂંક થયેલ છે. આ ઉપરાંત ઉમેદવાર અને પાર્ટી ધ્વારા કરવામાં આવતાં ખર્ચના નિરીક્ષણ માટે નોડલ અધિકારી(ખર્ચ) અને જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા આગ્રેની નિમણૂંક થયેલ છે. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ માટે ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારો માટે થનારા ખર્ચના મોનીટરીંગ માટે ભારતના ચૂંટણીપંચ તરફથી ભરૂચ જિલ્લામાં નિમણૂંક પામનાર ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વરના માર્ગદર્શન હેઠઇ કામગીરી હાથ ધરાશે. ચૂંટણી ખર્ચના મોનીટરીંગમાં સહાયરૂપ થવા લોકસભા મતદાર વિભાગમાં વિધાનસભા મતદાર વિભાગવાર આસિસ્ટન્ટ ઓબ્ઝર્વર એક્ષ્પેન્ડીચર ઓબ્ઝર્વરની પણ નિમણૂંક કરવામાં આવી છે. આ ઉપરાંત એકાઉન્ટન્ટ ટીમની પણ નિમણૂંક કરવામાં આવી છે. ચૂંટણી ખર્ચને લગતી ફરિયાદો માટેનો ફોન નં.૧૯૫૦ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતના ચૂંટણીપંચ ધ્વારા લોકસભા સામાન્ય ચંૂટણી – ૨૦૧૯ માં ચૂંટણીલક્ષી ફરિયાદોનો ઝડપી નિકાલ કરવા સુચના આપેલ છે. આ અંગે કોઇ પણ વ્યક્તિ મોબાઇલ એપ ધ્વારા ચૂંટણી લગતી ફરિયાદ(આચારસંહિત કે ખર્ચ સબંધી ફરિયાદ) ચૂંટણી અધિકારીને કરી શકે તે માટે મોબાઇલ એપ cvigil.eci.gov.in પર ઉપલબ્ધ છે. સદર મોબાઇલ એપ ઉપર આચારસંહિતા કે ખર્ચ બાબતની ફરિયાદ હોય તો તે અંગેના લાઇવ ફોટોગ્રાફસ / વિડીયો ચૂંટણી અધિકારીને મોબાઇલ એપ મારફત મોકલવાના રહે છે જે બાબતે તાત્કાલિક સદર વિસ્તારની ફલાઇંગ સ્કોર્ડને વિગતો મોકલી સ્થળ તપાસ કરાવી મદદનીશ ચૂંટણી અધિકારી મારફત જરૂરી વિગતો તાત્ત્કાલિક મેળવી કાર્યવાહી કરવામાં આવશે. ખર્ચ સબંધી સતત મોનીટરીંગ થાય તે માટે જિલ્લામાં ચેકપોસ્ટ નક્કી કરવામાં આવેલ છે. આ તમામ કાર્યવાહીની વિડીયોગ્રાફી કરવામાં આવશે.
સમગ્ર ચૂંટણી દરમિયાન સહુ મિડીયાકર્મીઓનો સહયોગ મળતો રહે, મતદારોમાં મતદાન અંગે જાગૃતિ આવે અને ચૂંટણીપંચ તરફથી મળતી સુચનાઓનો પ્રચાર-પ્રસાર થાય તે પ્રમાણે સહયોગ આપવા કલેક્ટરએ મિડીયાકર્મીઓ પાસે અપેક્ષા સેવી હતી.
આ પત્રકાર પરિષદમાં પ્રો.કલેક્ટર પરીખ, નાયબ માહિતી નિયામક એન.વી.પટેલ, મામલતદાર એ.વી.મંડોરી, ચૂંટણી શાખાના અધિકારીઓ/કર્મચારી અને પ્રિન્ટ – ઇલેકટ્રોનિક મીડીયાના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




