પોલીસ કર્મચારી જયેશભાઈ મિસ્ત્રીના સેવા કાર્યની ભારે પ્રશંસા
ભરૂચ, તા.૧
ભરૂચ શહેરના માર્ગો ઉપર ૪થી ૫ વિસ્તારોમાં ઠંડા પાણી માટેની વ્યવસ્થા શરૂ કરનાર પોલીસ મેન આજકાલ ચર્ચામાં છે. સામાન્ય રીતે પોલીસ જવાનો તેઓની કામગીરીને અને વર્દીને કારણે ઓળખાતા હોય છે. પરંતુ ભરૂચના આ પોલીસ જવાનની અનોખી માનવસેવા ભરઉનાળે રસ્તેથી પસાર થતા લોકોની તરસ છીપવવાની . લોકોના આશીર્વાદ મેળવવા સાથે સમાજમાં પોલીસની છાપનો પોઝીટીવ મેસેજ પણ પહોંચાડી રહ્યા છે.
રાજ્યમાં કેટલાય સ્થળે પાણીની તંગીની બુમો ઉઠી છે. ભરૂચ શહેરમાં પણ કેટલાય સ્થળે પાણી મામલે લોકોમાં રોષ છે. નર્મદા નદી કિનારે વસેલા ભરૂચીઓ માટે નર્મદા નદીનું પાણી પીવા લાયક નથી તેવો કેટલીક સંસ્થાઓ દાવાઓ કરી રહી છે. લોકો રસ્તે વેચાણથી પાણી પીવા મજબૂર બન્યા છે. ત્યારે શહેરના પોલીસ જવાન અને તેઓની ટિમની કામગીરી રસ્તે રસ્તે ચર્ચાનું કેન્દ્ર બની છે.
છેલ્લા ૨૬ વર્ષથી ભરૂચ પોલીસમાં ફરજ બજાવતા અને હાલમાં પોલીસ વિભાગના LIB વિભાગમાં સક્રિય જયેશભાઈ મિસ્ત્રીને પાણી બાબતે કડવો અનુભવ થયો હતો. ત્યારથી તેમણે લોકોની તરસ છીપાવવાનું નકકી કર્યું હતું. તેમના પ્રયાસથી ચાર વર્ષથી હજારો લોકો પાણી પીને પોતાની તરસ છીપાવે છે. શહેરના રેલ્વે સ્ટેશન પોલીસ ચોકી, પાંચબત્તી સર્કલ, મહોમંદપુરા અને બંબાખાના વિસ્તારોમાં રોજના ૪૦થી વધુ પીવાના પાણીના જગ મુકવામાં આવે છે.
શહેરમાં દૂરથી આવતા રાહદારીઓને ઠંડક લાગે તે માટે મંડપ પણ બાંધવામાં આવ્યો છે. જેના કારણે લોકો છાયામાં ઉભા રહીને પાણી પી શકે. આ સેવામાં તેમના સેવાભાવી મિત્રો મુકેશ મિસ્ત્રી, ભાવનેશ ટ્રેલર, કિરીટ જોધાવાલા, રમેશ મિસ્ત્રી(મંડપવાલા) કાંતિ મિસ્ત્રી, બળવંત પરમાર, પ્રશાંત પંડયા, રામદાસ, બસીર પટેલ અને રોહિત મિસ્ત્રી પોતાનું યોગદાન આપી રહ્યાં છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




