ભાવનગર,તા.૧૫
ભાલપંથકમાં અંદાજે ૨૦ હજાર એકર જેટલી સરકારી અને ગૌચર જમીન મીઠાના અગર બનાવવા માટે ફાળવી દેવાતા ગામ લોકોએ શુક્રવારે મૌન વિરોધ કર્યો હતો અને મહિલાઓએ છાજીયા લઈ વિરોધ નોંધાવ્યો હતો. મહત્વનું છે કે કંપની દ્વારા તે જમીનો ફરતે પાલા બનાવવાની કાર્યવાહી શરૂ કરીદેવામાં આવી હતી. જેથી બાર ગામના એક હજાર લોકોએ સવાઇનગર અને કરદેજ ગામ વચ્ચે આવેલી અગરની સાઇડ પર મૌન ધારણ કરી વાહનોની આડે બેસીને કામગીરી અટકાવી દીધી હતી. જેને લઈને વાતાવરણ ઉગ્ર બન્યું હતું.
આ જમીન ગ્રામજનોની રોજી રોટી હોવાથી અને તેના પર થનારી ઓધ્યોગિક કામગીરીથી તેમની રોજીરોટી છીનવાઇ જવાની સાથોસાથ માલઢોરને પણ નુકસાન થવાની દહેશત વ્યક્ત કરી આ કાર્યવાહી અટકાવવા માંગ કરી હતી. જા કે શાંત ધરણાં અને મૌન પ્રદર્શન હોવાના કારણે પોલીસે પણ સૂચક મૌન સાથે ફરજ પર રહી ગ્રામજનોને હટાવવાની ફરજ પાડી ન હતી.
ગ્રામજનોના ટોળેટોળાં ઉમટી પડતા ખાનગી કંપની દ્વારા પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી હતી પરંતુ ગ્રામજનોએ મૂક વિરોધ કરતા પોલીસને પણ કોઈ આક્રમક વલણ દાખવવાની જરૂર પડી ન હતી. અંદાજે બે કલાક સુધી મૌન ધારણ કરી કામગીરી અટકાવી હતી. બાદમાં કોન્ટ્રાક્ટરોને કામ છોડીને ચાલ્યા જવાની ફરજ પડતાં હાલ આ વિવાદનો અંત આવ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



