બિલ્ડર હનીફ દાઢીની હત્યાની તપાસ સીબીઆઈને સોંપવા માગણી કરાઈ

0
7

અમદાવાદ,
શહેરમાં બહુ ચકચારી બિલ્ડર હનીફ દાઢી હત્યા કેસની તપાસ સીબીઆઇ (સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન)ને સોંપાય તેવી માગ હનીફ દાઢીના પરિવારજનોએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને કરી છે. દોઢ વર્ષની તપાસ બાદ પણ જાંબાઝ ક્રાઇમ બ્રાંચને હનીફ દાઢી હત્યા કેસમાં કોઇપણ પુરાવો નહીં મળતાં મેટ્રો કોર્ટમાં અ સમરી ભરીને કેસ બંધ કરી દીધો છે.
૧૭ સપ્ટેમ્બર ૨૦૧૬ની મોડી રાત્રે બિલ્ડર હનીફ શેખ ઉર્ફે હનીફ દાઢી તેના મિત્રો સાથે મ્યુનિ. ક્વાર્ટર્સ સામે બેઠા હતા ત્યારે બે અજાણ્યા શખ્સ એસ્ટિવા પર આવ્યા હતા અને હનીફ દાઢી પર ફાયરિંગ કરી ફરાર થઇ ગયા હતા. હનીફ દાઢીને ગોળી વાગતાં તે જમીન પર ઢળી પડ્યા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે વીએસ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું
ફાયરિંગ કરનાર હત્યારાઓને પકડવા માટે ગાયકવાડ હવેલી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચક્રો ગતિમાન કર્યાં હતાં. દસ દિવસની તપાસ બાદ અને સંખ્યાબંધ શંકાસ્પદની પૂછપરછ બાદ ગાયકવાડ હવેલી પોલીસને કોઇ કડી નહીં મળતાં આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવા માટે તત્કાલીક પોલીસ કમિશનર શિવાનંદ ઝાએ આદેશ કર્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હનીફ દાઢી હત્યા કેસમાં ક્રાઇમ બ્રાંચે ડી ગેંગના કેટલાક સભ્યોની પણ પૂછપરછ કરી છે ત્યારે તપાસનો રેલો મુંબઇ સુધી પણ પહોંચ્યો હતો. પોલીસનું માનવું છે કે આ હત્યા કેસમાં કોઇ હનીફ દાઢીની કોઇ અંગત વ્યકિતની સંડોવણી પણ હોઇ શકે છે. હનીફ દાઢીના દુશ્મનો, તેમના નજીકના લોકોની પણ પૂછપરછ કરવામાં આવી છે તેમ છતાંય પોલીસને હજુ સુધી કોઇ સફળતા મળી નથી.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY