અમેઠી,તા.૪
રાહુલ ગાંધી પોતાના સંસદીય મત વિસ્તાર અમેઠીની બે દિવસની મુલાકાત પર છે. ફુરસતગંજમાં રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર, પીએમ મોદી, ભાજપ અને આરએસએસ પર બરાબરના પ્રહારો કર્યાં છે. રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં કહ્યુ કે આજે દેશની સામે ત્રણ સૌથી મોટી સમસ્યા છે. બેરોજગારી, ખેડૂતોની બદતર સ્થિતિ અને મોંઘવારી પર જો નિયંત્રણ કરી લેવામાં આવે તો દેશની તમામ સમસ્યાઓ દૂર થઇ જશે. બેરોજગારીની સમસ્યા દૂર થશે તો મોંઘવારી ઓછી થશે અને બધું જ સામાન્ય થઇ જશે.
બુલેટ ટ્રેન પ્રોજેકટને લઇ રાહુલ ગાંધી એ કટાક્ષ કરતાં કહ્યુ છે કે આ મોદી સરકારથી શકય નથી. મોદી સરકાર બુલેટ ટ્રેન તો નથી બનાવી શકતી, પરંતુ મેજીક ટ્રેન ચોક્કસ બનાવી શકે છે. તેમણ કહ્યુ કે જો કોઇ બુલેટ ટ્રેનનું સપનું પૂરું કરી શકે છે તો તે માત્ર કાંગ્રેસની સરકાર કરી શકે છે.
પીએમ મોદી પર પ્રહારો કરતાં રાહુલ ગાંધીએ કહ્યુ કે આ સરકારે દેશના તમામ પૈસા કેટલાંક ઉદ્યોગપતિઓને આપી દીધા છે. નાના વેપારી રસ્તા પર આવી ગયા છે. પીએમ મોદી ખેડૂતોની વાત કરે છે. આપને જણાવી દઇએ કે ગયા વર્ષે પીએમ મોદીએ ખેડૂતોનો એક પણ રૂપિયો માફ કર્યો નહોતો. પરંતુ કેટલાંય ઉદ્યોગપતિઓના ૨ લાખ કરોડ રૂપિયા માફ કરી દીધા. મોદી સરકારે જીએસટી અને નોટબંધી કરી. તમારા પૈસા બેન્કમાં જમા કરાવ્યા અને એ પૈસા વિજય માલ્યા અને નીરવ મોદીને આપી દીધા. ખેડૂતોને સંપૂર્ણપણે બર્બાદ કરી દીધા છે.
રાહુલ ગાંધીએ કહ્યુ કે થોડાંક વર્ષ પેહલાં સુધી અમેરિકા સુપર પાવર હતું. પરંતુ આજે આખા વિશ્વમાં ચીનનો ડંકો વાગી રહ્યો છે. આપણને નંબર ત્રણ પર જતા રહ્યા છીએ, પરંતુ આપણે ભારતને નંબર વન બનાવા માંગીએ છીએ.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




