ચંદીગઢ,તા.૪
પંજાબના તરનતારનના ખેમકરણ સેકટરમાં બોર્ડર આઉટ પોસ્ટ પર બીએસએફએ એક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડયું છે. સરહદ પર આવેલા રતોકે ગામમાં ગઇ કાલે રાત્રે એક પાકિસ્તાની ડ્રોન ઘૂસી આવતાં બીએસએફએ તાત્કાલિક કાર્યવાહી કરીને એર સ્ટ્રાઇક ગનથી તેને નિશાન બનાવ્યું હતું. જાકે પાકિસ્તાનના આ ડ્રોનને ફૂંકી માર્યાના અહેવાલને સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું નથી.
પહેલી એપ્રિલે વહેલી પરોઢે ૩-૩૦ કલાકે પાકિસ્તાન તરફથી એફ-૧૬ વિમાન ભારતીય સરહદમાં મોકલવામાં આવ્યું હતું જેને ભારતીય વાયુદળે ખદેડી મૂકયું હતું. તેમ છતાં પાકિસ્તાને ફરી એક વાર નાપાક હરકત કરીને બુધવારે રાત્રે ૧૦-૧પ કલાકની આસપાસ ખેમકરન સરહદથી ડ્રોન ભારતીય સરહદમાં ઘૂસાડયું હતું. ભારતીય સરહદમાં રડાર પર આ ડ્રોન ઝડપાઇ ગયું હતું અને ત્યાર બાદ ભારતીય વાયુદળે તેને તોડી પાડયું હતું. આ દરમિયાન ત્રણ મોટા બ્લાસ્ટના અવાજ પણ સંભળાયા હતા.
ખેમકરન વિસ્તારમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યો હતો. રતોકે ગામના સરપંચ લખબીરસિંહના જણાવ્યા અનુસાર તેમણે સ્વયં ડ્રોનને જાયું હતું અને ત્યાર બાદ ફાયરિંગ થવા લાગ્યું હતું. સરહદે રતોકે ગામ સહિત આસપાસના તમામ સરહદી ગામોમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યો હતો. ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી હતી.
આ ઘટનાને લઇને ગામ મેંદીપુર, મસ્તગઢ, રાજુકે, ખેમકરન, ગજલ, તુતભંગાલા, વુડબુડા જેવા ક્ષેત્રોમાં દોઢ કલાક સુધી બ્લેકઆઉટ રહ્યો હતો. ડ્રોન દેખાયા બાદ થયેલા બ્લાસ્ટના પગલે સમગ્ર વિસ્તારમાં વીજળી પણ ગુલ થઇ ગઇ હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



