સાગબારાના દેવમોગરામાં આદિવાસી સમાજની કુળદેવી પાંડોરી માતાજીનો ભાતીગળ મેળો

0
254

રાજપીપલા:
નર્મદા જિલ્લાના આંતરિયાળ સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે મહાશિવરાત્રિના પાવન પર્વથી આદિવાસી સમાજની કુળદેવી પાંડોરી માતાજીના પ્રારંભાયેલા પાંચ દિવસીય પરંપરાગત ભાતીગળ મેળાની ઉજવણી પ્રસંગે નર્મદા જિલ્લા કલેક્ટર  આર.એસ. નિનામાએ ગઇકાલે આ મેળામાં ખાસ ઉપસ્થિત રહીને માતાજીના દર્શન, પૂજા, અર્ચના કરી માતાજીના આશિષ મેળવ્યાં હતા અને માતાજીના દર્શને આવતા લાખો ભાવિક ભક્તો-શ્રધ્ધાળુઓની માનતા-મનોકામના માતાજી પૂર્ણ કરે તેવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે દેડીયાપાડાના પ્રાંત અધિકારી  ડી.એન. ચૌધરી, નાયબ કલેક્ટર  એસ. જે. ગામિત, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક  રાજેશ પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી  બી.ડી. બારીયા, મામલતદાર  એમ.આર. વસાવા,   દેવમોગરા માઇ મંદિર ટ્રસ્ટના પ્રમુખ  કેસરસિંહ વસાવા, મંત્રી  કાંતિ કોઠારી, ડેપ્યુટી સરપંચ  જગદીશ વસાવા સહિત મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી ઓ વગેરે પણ જિલ્લા કલેક્ટર  નિનામા સાથે જોડાયાં હતાં. સાતપુડા પર્વતની તળેટીમાં વસેલા સાગબારા તાલુકાના ગીચ જંગલ વિસ્તારમાં હરિયાળી વનજીવના પટમાં આવેલા દેવમોગરા ગામે યાહમોગી (દેવમોગરા) માં આદિવાસીઓની કુળદેવી પાંડોરી માતાના આ પૌરાણિક ધાર્મિક સ્થળનો વિસ્તાર હેળાધાબ (ઠંડો પ્રદેશ) તરીકે પ્રચલિત છે. આ ભાગીગળ મેળામાં સમગ્ર ગુજરાત ઉપરાંત પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત અન્ય વિસ્તારોમાંથી પણ આદિવાસી સમાજના શ્રધ્ધાળુઓનો દર વર્ષે લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટીને માતાજીના દર્શન, પુજા અર્ચના અને આરતીમાં ભાગ લઇને પોતાનું નવું અનાજ-ધાન્ય માતાજીના ચરણોમાં ધરીને આ સંસ્કૃતિની સુવાસ ચોમેર પ્રસરાવી રહ્યાં છે. યાહમોગીના આ ધાર્મિક મેળામાં શ્રધ્ધાળુઓ-ભાવિક ભક્તો સંઘ ભાવનાથી પરંપરા મુજબ સોન્ગાડીયા પાર્ટી સાથે હોબયાત્રા પગે ચાલતા કે નાના-મોટા વાહનોમાં ભજન કિર્તન, નાચ-ગાન અને નૃત્ય મંડળીઓ સાથે હોબ (સંઘ) આકારે સોગ સાથે આનંદ-ઉમંગથી નાચતા-કુદતા પોતાની માનતા-બાધા છોડવા આવે છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લા પ્રશાસન દ્વારા દેવમોગરામાં પાંડોરી માતાજીના આ મેળાની ઉજવણી દરમિયાન ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન વગેરે જેવા રાજ્યોમાંથી આવતાં શ્રધ્ધાળુઓ ભાવિક ભક્તો સરળતાથી મંદિરના સ્થળે પહોંચી શકે તે માટે દેડીયાપાડા, સેલંબા અને રાજપીપલાથી વિશેષ રૂટની બસ સુવિધાઓ ઉપરાંત આરોગ્ય વિષયક સેવાઓ, નિયત કેન્દ્રો ઉપર ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા, તબીબોને પેરામેડીકલ સ્ટાફ અને જરૂરી આવશ્યક દવાઓના જથ્થા સાથે તહેનાત કરાયાં છે. આ મેળા દરમિયાન ટ્રાફિક નિયમન અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે પૂરતો સુરક્ષા પ્રબંધ કરાયો છે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહનની ૩૦ થી ૩૫ જેટલી તેમજ મહારાષ્ટ્રની અંદાજે ૪૦ થી ૪૫ જેટલી વધારાની બસ સેવાઓ પણ ઉપલબ્ધ કરાઇ છે.
રિપોર્ટર: ભરત શાહ, રાજપીપળા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY