ગાઝીપુર,તા.૨૫
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સપા, બસપા અને કોંગ્રેસના ઉચ્ચ નેતાઓ પર નિશાન સાધતા ગુરુવારે કહ્યુંકે અખિલેશ યાદવ, માયાવતી અને રાહુલ ગાંધી દેશની રક્ષા કરી શકે તેમ નથી. શાહે કહ્યું કે ભાજપના લોકો આતંકવાદીઓની સાથે ઈલુ-ઈલુ કરી શકતા નથી.
કેન્દ્રીય મંત્રી અને ગાઝીપુર લોકસભા બેઠક પરથી પુનઃ ભાજપ ઉમેદવાર મનોજ સિન્હાના સમર્થનમાં એક ચૂંટણી જનસભામાં શાહે કહ્યું, આ મહામિલાવટી લોકો દેશની વાતો કરે છે.
અમે દેશની સુરક્ષા સાથે છેતરપિંડી કરી શકીએ નહીં. પાકિસ્તાનથી ગોળી આવી તો અહીંથી ગોળા જશે અને ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે. રાહુલ ગાંધી અને તેમની પાર્ટીના તાર ગેંગના લોકો સાથે જોડાયેલા છે અને તેઓ દેશને તોડવાની ઈચ્છા રાખે છે.
અમિત શાહે કહ્યું કે આતંકવાદીઓ પાકિસ્તાનના મરે, પરંતુ ફોઈ (માયાવતી), ભત્રીજા (અખિલેશ યાદવ) અને રાહુલ બાબાની ઓફિસમાં માતમ પ્રસરી ગયો. તેમણે સવાલ કર્યો કે મને ખબર ન પડી કે તેમને આટલું દુઃખ કેમ થયું? તેમના ચહેરા કેમ લટકી ગયાં? તે આતંકીઓ તેમના કાકા-મામાના ભાઈ લાગતા હતાં કે શું?
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




