ગીર,તા.૨
ગીરનું ઘરેણું ગણાતા સિંહને સ્થાનિક ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટેનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે. સિંહના અલગ અલગ કાર્ટૂન વડે લોકોમાં મતદાન અંગેની જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો છે. ગીરમાં સિંહને સાવજ તરીકે ઓળખવામાં આવતો હોવાથી આ સિંહનું નામ પણ ‘સાવજ’ રાખવામાં આવ્યુ છે.
આ આખી ઘટનામાં રસપ્રદ વાત એ છે કે મતદાન અંગેની જાગૃતિ ફેલાવતા કાર્ટૂન આઇએએસ ઓફિસર નિતિન સાંગવાને બનાવ્યા છે. સાંગવાન મૂળ હરિયાણાના છે અને વેરાવળમાં આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે ફરજ બજાવે છે. આ અંગે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે મતદાર જાગૃતિ માટે એવુ કંઇક કરવાનું હતુ જેથી દરેક ઉંમરના લોકો અને ખાસ કરીને યુવાનો સુધી પહોંચી શકાય. બાળપણથી મને કાર્ટૂન બનાવવા પસંદ છે. ઉપરાંત આ વિસ્તારમાં સિંહ ખૂબ લોકપ્રિય છે, માટે અમે તેને જ મતદાર જાગૃતિનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો . મતદાન માટેની વિવિધ માહિતી અને અપીલ કરતા સિંહના કાર્ટૂન બનાવી લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.
સોશિયલ મિડીયાના માધ્યમથી આવા પોસ્ટરો વડે યુવાનોને અપીલ કરતા સિંહ કહે છે કે,’યુવાન મતદાર મિત્રો, માત્ર સ્ટાઇલિશ કપડા કે ચશ્માં પહેરવાથી જ સ્માર્ટ નથી બનાતુ પરંતુ મતદાન કરવુ એ પણ એક સ્માર્ટનેસ જ છે. માટે અચુક મત આપજો’,’વી ફોર વિક્ટરી અને વી ફોર વોટ. ચૂંટણીમાં માત્ર ઉમેદવાર જ વિજેતા નથી બનતો પરંતુ મત આપીને મતદાતા પણ વિજેતા બને છે.’ આવનારા દિવસોમાં ચૂંટણી પ્રક્રિયા, ચૂંટણી કાર્ડ, ઇવીએમ સહિતની માહિતી આ રીતે લોકોને આપવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




