રાજસ્થાનમાં ૭૨,તેલંગાણામાં ૭૦ ટકા થી વધુ મતદાનઃ ૧૧મી ડિસેમ્બરે પરિણામ

0
9

વસુંધરા રાજે,અશોક ગેહલોત,કેસીઆર રાવ સહિતના દિગ્ગજ નેતાઓનું ભાવિ ઈવીએમમાં કેદ
જયપુર/હૈદરાબાદ,તા.૭
રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીમાં બમ્પર મતદાન થયું છે. રાજસ્થાનમાં ૫ વાગ્યા સુધીમાં ૭૨.૧૪ ટકા મતદાન થયું છે. રાજસ્થાનની કુલ ૧૯૯ બેઠકો પર મતદાન યોજાયું હતું. મતદાન દરમિયાન અનેક જગ્યાએ ઈવીએમ ખરાબ હોવાની ફરિયાદો ઊઠી હતી. બીકાનેર અને જયપુરમાં ઈવીએમ મશીન ખરાબ થયા હતા. જેથી થોડાવાર માટે મતદાન રોકવામાં આવ્યુ હતું. રાજસ્થાનમાં વિધાનસભાની કુલ ૨૦૦ બેઠકો છે. પરંતુ અલવર જિલ્લાની રામગઢ બેઠકના બીએસપીના ઉમેદવાર લક્ષ્મણસિંહના અવસાનને કારણે ચૂંટણી પંચે મતદાન સ્થગિત કરી દેવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી વસુંધરા રાજેએ ઝાલાવાડ જિલ્લાના ઝારલપાટનમાંથી મતદાન કર્યું છે. જ્યારે કોંગ્રેસી નેતા સચિન પાયલટે જણાવ્યું છે કે, ચૂંટણી જીત્યા પછી તેઓ મુખ્યમંત્રી નક્કી કરશે.
જયપુર બુથ પર મતદાન કરવા પહોંચેલા મુખ્ય સચિવ ડીબી ગુપ્તાને ઈવીએમમાં ખરાબી હોવાના કારણે ૨૦ મિનિટ સુધી રાહ જાવી પડી હતી. જ્યારે બીકાનેરમાં વોટ નાખવા પહોંચેલા કેન્દ્રીય રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલને ઈવીએમ ખરાબ હોવાના કારણે ૩ કલાક લાઈનમાં ઉભા રહેવા પડ્યું. તેઓ ૮ વાગ્યાના લાઈનમાં ઉભા હતા ત્યારે ૧૧.૩૦ વાગે મતદાન કરી શક્યા હતા.
તો બીજી બાજુ તેલંગાણમાં પણ શાંતિપૂર્ણ મતદાન યોજાયું. તેલંગાણામાં ૧૧૯ વિધાનસભા સીટ માટે સવારે આઠ વાગ્યાથી મતદાન શરુ થયું હતું અને લાંબી લાઈનોમાં લોકો મતદાન કરવા ઉમટ્યા હતા. તેલંગાણમાં સાંજે પાંચ વાગ્યા સુધી ૭૦થી વધુ મતદાન નોંધાયુ હતુ.
ભાજપના સાંસદ બંદારૂ દત્તાત્રેયે હૈદરાબાદના મુશરરાબાદ મતવિસ્તારના રામનગરમાં બૂથ સંખ્યા ૨૯૨માં મતદાન કર્યું. ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ હૈદરાબાદમાં મતદાન કર્યું.
રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાય તે માટે તમામ મતદાન મથકો પર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તેમ છતાં ફતેહપુર શેખાવટી ખાતે હિંસા થઈ હતી. ચૂંટણી દરમિયાન અંદાજે ૧.૪૫ લાખ જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતાં. મતદાન માટે રાજ્યભરમાં કુલ ૫૧ હજાર ૬૮૭ મતદાન મથકો પર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સાથે જ રાજસ્થાનમાં ૧૯૯ વિધાનસભા બેઠકો પર ૨૨૭૪ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થઇ ગયું છે.
રાજસ્થાન, તેલંગાણા, મધ્ય પ્રદેશ, મિઝોરમ અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીઓના પરિણામ એક સાથે ૧૧ ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY