જમૈકા,તા.૮
વેસ્ટ ઇન્ડીઝના ઓપનર બેટ્સમેન શાઇ હોપે એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ટ્રાઇસિરીઝમાં બાંગ્લાદેશ સામે હોપે ઓપનિંગમાં ૧૦૯ રનની ઇનિંગ્સ રમીને સતત ચોથી સદી ફટકારી હતી. વન-ડે ક્રિકેટમાં ઓપનિંગમાં આવી સિદ્ધિ મેળવનાર દુનિયાનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. આ મેચ પહેલા તેણે આયરલેન્ડ સામે ૧૭૦ રનની ઇનિંગ્સ રમી હતી. આ સિવાય ગત વર્ષે ૨૦૧૮માં બાંગ્લાદેશ સામે ત્રણ વન-ડે મેચની શ્રેણીમાં અંતિમ બે મેચમાં સદી ફટકારી હતી.
શાઇ હોપ ઓપનર તરીકે ફક્ત ૬ મેચ રમ્યો છે. જેમાં તેણે ૧૬૪.૨૫ની એવરેજથી ૬૫૭ રન બનાવ્યા છે. શરુઆતની બે મેચમાં તેણે અડધી સદી ફટકારી હતી. આ પછી ચાર મેચમાં સદી ફટકારી હતી. આયરલેન્ડ, બાંગ્લાદેશ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ચાલી રહેલી ટ્રાઇ સિરીઝની પ્રથમ મેચમાં પણ રેકોર્ડ તોડ બેટિંગ કરતા જાન કેમ્પબેલ (૧૭૯) સાથે ૩૬૫ રનની ભાગીદારી કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ ટીમના બે બેટ્સમેનોએ ૧૫૦થી વધારે રનની ઇનિંગ્સ રમી હતી.કેમ્પબેલે ૧૭૯ રનની અને હોપે ૧૭૦ રનની ઇનિંગ્સ રમી હતી
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






