જમુઇ,તા.૭
કેન્દ્રના ગૃહપ્રધાન રાજનાથ સિંહે રાજદ્રોહનો કાયદો રદ કરવાની કાંગ્રેસના ચૂંટણીઢંઢેરામાં અપાયેલી બાંયધરીની શનિવારે આકરી ટીકા કરી હતી. તેમણે પાકિસ્તાનના બાલાકોટમાંના ભારતીય હવાઇદળના હુમલામાં માર્યા ગયેલા ત્રાસવાદીઓના ચોક્કસ આંકડા જાહેર કરવા વિપક્ષે કરેલી માગણીની સરખામણી ગીધ દ્વારા મૃતદેહો ગણવા જેવી સ્થિતિ સાથે કરી હતી.
રાજનાથ સિંહે નવાદા ખાતે જાહેરસભાને સંબોધતા જણાવ્યું હતું કે યુદ્ધવીરોને મૃતદેહો ગણવામાં રસ નથી હોતો. મૃતદેહો ગણવાનું કામ ગીધવીરોનું હોય છે.
તેમણે જણાવ્યું હતું કે કાંગ્રેસ જો પોતે સત્તા પર આવશે તો રાષ્ટ્રદ્રોહનો કાયદો રદ કરવાનું વચન આપે છે અને જનતા પાસે મત માગે છે. શું આવા વિચાર ધરાવનારા લોકોને જનતા ચૂંટણીમાં મત આપશે?
કેન્દ્રના ગૃહપ્રધાને જમુઈમાં જાહેરસભાને સંબોધતા જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીની સરકાર દરેક પ્રકારની રાષ્ટÙવિરોધી પ્રવૃત્તિને કચડી નાખવા કટિબદ્ધ છે. અમે આવા કાયદાને રદ કરવા અથવા તેને હળવા બનાવવાને બદલે તેને વધુ કડક બનાવવામાં માનીએ છીએ.
રાજનાથ સિંહે પ્રધાનમંડળમાંના પોતાના સાથી રામવિલાસ પાસવાનના દીકરા ચિરાગ પાસવાન માટે ચૂંટણીપ્રચાર કર્યો હતો. એલજેપીના સાંસદ ચિરાગ પાસવાન જમુઈની અનામત બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



