તુવેર બાદ ખાતરમાં કૌભાંડ, કૃષિમંત્રીએ આપ્યાં તપાસનાં આદેશ

0
9

જેતપુર,તા.૯
ગુજરાત ખેડૂત સમાજના આગેવાન ચેતન ગઢીયા અને ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઇ આંબલીયાએ જેતપુરમાં સહકારી રાહે વેચાતા ડીએપી ખાતરમાં કૌભાંડ હોવાનો આક્ષેપ કર્યો છે. તેઓએ જણાવ્યું છે કે, એક થેલીમાં ગ્રોસ વજન ૫૦.૧૨ કિલોગ્રામ અને નેટ વજન ૫૦ કિલોગ્રામનું લખાણ છે. પરંતુ અમુક થેલીમાં ૧ કિલોથી માંડી ૫૦૦ કિલોગ્રામ ઓછું ખાતર હોવાનું જાણવા મળ્યું છે. તો રાજકોટ માર્કેટ યાર્ડમાં જીએસએફસીના ડેપોમાં ખાતે પણ એક થેલીમાં ૫૦ કિલોએ ૮૫૦ ગ્રામનો ઘટાડો જાવા મળી રહ્યો છે. જેને લઇ ખેતીવાડી અધિકારી બી.એમ આગઠ દોડી જઇ તપાસ હાથ ધરી છે અને વેચાણ બંધ કરાવ્યું છે. ખાતરના સ્ટોકને લઇને પંચકામ કર્યું હતું. તેમજ ખાતરના જથ્થાને સીલ કરવામાં આવ્યો છે. આ અંગે કૃષિમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે.
પાલભાઇ આંબલીયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, એક થેલીમાં ૪૯.૫૫૦, ૪૯.૭૮૦, ૪૯.૬૩૦ વજન આવે છે. દરેક થેલીએ ૫૦૦ ગ્રામથી ૩૦૦ ગ્રામ જેટલું વજન ઓછું આવે છે. ૧૪૦૦ રૂપિયામાં આવતી ડી.એ.પી.ની એક થેલીમાં ૧૦ રૂપિયાથી લઈ ૧૫ રૂપિયાની કિંમતનું ઓછું ખાતર આપવામાં આવી રહ્યું છે. કરોડો થેલીનું ઉત્પાદન કરવામાં આવે છે. ભોળા ખેડૂતોને ખબર પણ રહેતી નથી કે એની ખાતરની થેલીમાં ખાતર નક્કી થયેલ વજન મુજબ આવતું નથી.
ગુજરાતમાં ૨૨ લાખ કરતા પણ વધારે આ ખાતરની થેલીઓ વપરાય છે. દરેક ખેડૂતને ખેતરમાં ૧ એકર માટે ૨ થેલી ખાતર જોઈએ. ડીએપી ખાતરનો ભાવ ૨૮ રૂપિયા પ્રતિકિલો છે. તેવામાં ઓછુ ખાતર આપીને કરોડોના કૌભાંડની આશંકા સેવાઈ રહી છે.
જીએસએફસીનાં પીઆરઓ કે. આર. યાદવે આ અંગે કહ્યું કે, ‘અમારી કંપની કિયારેય ખેડૂતોની અહિત ન વિચારી શકે. આ કઇ રીતે બન્યું તેની તપાસ માટે અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. જે પણ રિપોર્ટ આવશે તે અંગેની જાણ કરવામાં આવશે.’

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY