
જેતપુર: આજરોજ જેતપુર તાલુકાના મંડલીકપુર ગામે આવેલી આઇ.સી.આઈ.સી.આઈ. બેન્ક દ્વારા ગયા વર્ષનો પાક વીમો 350 જેટલા ખેડૂતોને હજુ ન ચૂકવવામાં આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અહીંની આઇસીઆઈસીઆઈ બેન્કમાં ખેડૂતો દ્વારા 2017-18 ના વર્ષનું પાક વીમાનું પ્રીમિયમ ભરી દેવા છતાં બેંક દ્વારા વીમો ચૂકવવામાં આવેલ નથી. જ્યારે અન્ય બેંકો તેમજ જૂથ સહકારી મંડળીઓ દ્વારા અન્ય ખેડૂતોને પાક વીમો ગત સપ્ટેમ્બર 2017 માં ચૂકવી આપેલ હોય, તો શા માટે છેલ્લા એક વર્ષથી 350 જેટલા નિરાધાર, ગરીબ ખેડૂતો પર અન્યાય કરવામાં આવી રહ્યો છે ? આ ખેડૂતો દ્વારા સ્થાનીક ધારાસભ્ય, મામલતદારને તાલુકા પંચાયત પ્રમુખને, રિજિયોનલ બેન્ક મેનેજર, કૃષિ નિયામક, કેન્દ્રના કૃષિ મંત્રી રૂપાલા, રાજ્યના કૃષિ મંત્રી આર. સી. ફળદુ, કલેકટર, સંસદસભ્ય જેવા નેતાઓને આ અંગે મૌખિક, લેખિત તેમજ રૂબરૂમાં વાત કરી ચુક્યા છે. તેમજ બેંકના ઉચ્ચ અધિકારીઓ રાજકોટ અને અમદાવાદ સુધી પણ વાત કરી ચૂક્યા હોય, જેનો જવાબ માત્ર લોલીપોપમાં જ આપવામાં આવે છે. એ આવી જશે, મળી જશે, કામગીરી ચાલુ છે. જેથી કરીને ખેડૂતોમાં અનેક શંકા-કુશંકાઓ પ્રસરી રહી છે કે ક્યાંક ભ્રષ્ટાચાર તો નથી થયો ને ? શા માટે પાક વીમો ચૂકવવામાં બેન્ક ઢીલી પડી રહી છે ? ક્યા કારણોસર પાક વીમો ચુકવવામાં નથી આવતો ? ખેડૂતો દ્વારા આખરે બેંકને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે કે જો સત્વરે આ અંગે નિર્ણય લેવામાં નહીં આવે કે પાક વીમો ચૂકવવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા રાહે આંદોલન કરવાની ફરજ પડશે. જો ત્યારબાદ આનો નિકાલ નહીં આવે તો આત્મવિલોપન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. આ અંગે આઇસીઆઇસીઆઇ બેન્કને સત્વરે કાર્યવાહી કરવા ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે

રીપોર્ટર :- સુરેશ ભાલીયા – જેતપુર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






