કીમ,તા.૮
ઓલપાડ તાલુકાના વડોલી ગામે રાજપૂત પરિવારમાં લગ્ન કરીને આવેલા દેરાણી જેઠાણીએ પોતાનું જીવન પરિવારને સમર્પિત કરી દઈ પરિવારને પ્રેમથી બાંધી રહ્યો હતો. બંને દેરાણી જેઠાણીમાં બેહનો જેવો પ્રેમ હતો. આજરોજ ૯૪ વર્ષીય જેઠાણીના કુદરતી મૃત્યુ બાદ થોડા કલાકોમાજ ૮૪ વર્ષીય દેરાણીનું પણ કુદરતી મૃત્યુ થયું હતું. બંનેની અંતિમ યાત્રા પરણીને આવેલા તે ઘરમાંથી એકી સાથે કાઢવામાં આવી હતી, અને એકજ સમયે અગ્નિસંસ્કાર કરાયાની માનવીય સંબંધોને ઉજાગર કરતી ઘટના બની ગઈ હતી.
શુક્રવારના રોજ ઓલપાડ તાલુકાના રાજપૂતોની બહોળી વસ્તી ધરાવતા વડોલી ગામે એક માનવીય સંબંધોને ઉજાગર કરવા સાથે આત્મીયતાના ભાવને દર્શાવતો એક દુઃખદ છતાં લાગણી જન્માવતો કિસ્સો બની ગયો હતો. વડોલી ગામે પરણીને રહેતા શાંતાબહેન છત્રસિંહ ઘરીયાનું ૯૪ વર્ષની મોટી ઉંમરે કુદરતી દુઃખદ અવસાન થયું હતું.
જેઠાણીના દુઃખદ અવસાન બાદ માત્ર ચાર કલાકમાં જ દેરાણી કમળાબેન ગેમલસિંહ ઘરીયાનું પણ ૮૪ વર્ષની ઉંમરે અવસાન થતા એકજ પરિવારમાં મોટી ઉંમરના દેરાણી અને જેઠાણીનું દુઃખદ અવસાન થતા પરિવારમાં શોકનો માહોલ છવાય ગયો હતો. દેરાણી જેઠાણી બંને જે ઘરમાં પરણીને આવી હતી તેજ ઘરમાંથી બંનેની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



