કોચ્ચિ,તા.૩
રાહુલ ગાંધીના જન્મના સાક્ષી રહી ચૂકેલા સેવા નિવૃત્ત નર્સ અને વાયનાડના મતદાતા રાજમ્મા વાવથિલ ભારપૂર્વક કહે છે કે કોઈએ પણ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની નાગરિકતા પર સવાલ ઉઠાવવા જોઈએ નહીં. કારણ કે દિલ્હીની હોલી ફેમિલી હોસ્પિટલમાં ૧૯ જૂન ૧૯૭૦ના રોજ જ્યારે રાહુલ ગાંધીનો જન્મ થયો ત્યારે જે લોકો ત્યાં હાજર હતાં તેમાં તેઓ પોતે પણ તે વખતે સામેલ હતાં. તે સમયે તેઓ ડ્યૂટી પર હતાં.
૭૨ વર્ષના રાજમ્મા તે વખતે નર્સ તરીકે તાલિમ લઈ રહ્યાં હતાં. તેમણે કહ્યું કે તે એ લોકોમાં સામેલ રહ્યાં હતાં જેમણે નાનકડા રાહુલને પહેલીવાર હાથમાં લીધો હતો.
વાયનાડથી વાવથિલે જણાવ્યું કે, “હું ખુશનસીબ હતી કારણ કે નવજાત રાહુલને પોતાની ગોદમાં લેનારા લોકોમાં હું પહેલી હતી. હું તેમના જન્મની સાક્ષી રહી છું. હું ખુબ જ ઉત્સાહિત હતી. ઇન્દિરા ગાંધીના પૌત્રને જાઈને અમે બધા ખુબ જ ઉત્સાહિત હતાં.”
૪૯ વર્ષ બાદ આજે તે ‘વ્હાલો બાળક’ કોંગ્રેસ અધ્યક્ષ છે અને વાયનાડથી ચૂંટણી લડી રહ્યો છે. વાવથિલ હવે પોતાને એક ‘ગૃહિણી’ ગણાવે છે. તેમનું કહેવું છે કે તેમને આનાથી વધુ ખુશી મળી શકે નહતી. તેમને આજે પણ તે દિવસો બરાબર યાદ છે. સેવાનિવૃત્ત નર્સે કહ્યું કે રાહુલ ગાંધીની નાગરિકતા પર સવાલ ઉઠાવનારા ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીની ફરિયાદથી તેમને દુઃખ છે. વાવથિલના જણાવ્યાં મુજબ એક ભારતીય નાગરિક તરીકે રાહુલ ગાંધીની નાગરિકતા પર કોઈ સવાલ ઉઠાવી શકે નહીં અને તેમની નાગરિકતા અંગે સ્વામીની ફરિયાદ ‘નિરાધાર’ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




